ડોક્ટરે બીપીનું ઈન્જેક્શન આપવાનું કહ્યું તો નર્સે દુખાવાનું ઈન્જેક્શન આપી દીધું પછી…

ભરતપુરની જનાના હોસ્પિટલમાં મોડી રાતે એક પરિણીતાનું મોત થઈ ગયું હતું. આ પછી પરિજનોએ હોસ્પિટલનાં હોબાળો કર્યો હતો. મથુરા ગેટ પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત કરાવ્યો હતો. પરિણીતાનો પરિજનનો આરોપ છે કે, નર્સે તેને ખોટું ઇન્જેક્શન આપ્યું જેને લીધે અશોક બાઇનું મોત થયું હતું.

અશોક બાઇના પરિજનોએ જણાવ્યું કે, તેના લગ્ન વર્ષ 2019માં કરાવલીના ભુસાવરમાં રહેતાં દિલીપ સાથે થયાં હતાં. તે પ્રેગ્નન્ટ હતી. ડિલિવરી 25 ઓગસ્ટે થવાની હતી. તેમના શરીરમાં લોહીની અછત હતી. તેને ભરતપુરની જનાના હોસ્પિટલમાં કાલે સવારે 10 વાગ્યે લોહી ચઢાવવા માટે દાખલ કરવામાં આવી હતી. તેને 4.6 એમએલ લોહી ચઢાવ્યું હતું, પણ રાતે લગભગ 12 વાગ્યે તેના પેટમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. આ પછી જનાના હોસ્પિટલની નર્સ અશોક બાઇને ઇન્જેક્શન આપ્યું હતું.

ઇન્જેક્શન લગાવ્યાની 15 મિનિટ પછી તેમના મોઢાંમાંથી ફીણ આવવા લાગ્યા હતાં. તેને તરફડિયા મારી મારીને દમ તોડી દીધું હતું. અશોક બાઈના પેટમાં ઉછરતા બાળકનું પણ મોત થઈ ગયું હતું. મોત પછી તેમના પરિજનોને ગુસ્સો આવ્યો અને ડૉક્ટર પાસે પહોંચ્યા હતાં. ડૉક્ટરોએ જણાવ્યું કે, તેમણે નર્સને બીપીનું ઇન્જેક્શન લગાડવા માટે કહ્યું હતું.

જ્યારે પરિજનોએ નર્સ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, અશોક બાઈને દુખાવાનું ઇન્જેક્શન લગાવ્યું હતું. જેના પર પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. હોબાળાને લીધે જનાના હોસ્પિટલના સ્ટાફે મૃતદેહને હોસ્પિટલની બહાર મૂકી દીધો હતો. સ્ટાફની આ હરકત જોઈને અશોક બાઈના પરિજનો સતત હોબાળો કરતાં હતાં. આ અંગે જાણ કરાતાં પોલીસે ઘટના સ્થળે આવી મામલો શાંત કરાવ્યો હતો. અશોક બાઈના પરિજનોએ ડૉક્ટર અને નર્સ સામે મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.