દર્દીની સારવાર કરતી નર્સને જ કોરોનાવાઈરસનો ચેપ લાગ્યો, ડોક્ટર્સે પણ ફેરવી લીધું હતું મોં - Real Gujarat

દર્દીની સારવાર કરતી નર્સને જ કોરોનાવાઈરસનો ચેપ લાગ્યો, ડોક્ટર્સે પણ ફેરવી લીધું હતું મોં

પાણીપતઃ આજે આપણે હરિયાણાના પાણીપતના પંચકુલાની નર્સની હિંમત અંગે વાત કરીશું. નર્સનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેણે પોતાના જ શબ્દોમાં પોતાની કથની કહી હતી. 31 માર્ચે જ્યારે મારો રિપોર્ટ આવ્યો ત્યારે મને તબીબી વ્યવસાયના પ્રોટોકોલને પ્રમાણે અગાઉ જણાવવામાં આવ્યું નહોતું. મોટી બહેને મને પોઝીટીવ હોવા વિશે જણાવ્યું. તેમને ફોન આવ્યો, વાતચીતમાં કહ્યું કે તમારો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મેં લાંબો શ્વાસ લીધો અને કહ્યું કે મારો રિપોર્ટ પોઝીટીવ હોવા છતાં હિંમત પણ સહેજ પણ ઓછી થઈ નથી. હું ઘરે પાછી આવીશ. મારી બહેન મને સમજાવવા માટે ફોન કર્યો હતો, પણ જ્યારે મેં તેને કહ્યું, ત્યારે તેણે પણ રાહતનો શ્વાસ લીધો. કોરોના સામે જંગ જીતનારી નર્સની વાંચો કહાની.

પંચકુલાની સિવિલ હોસ્પિટલમાં 20 માર્ચે મારી નાઇટ ડ્યુટી હતી. જ્યારે હું ફરજ પર પહોંચી ત્યારે મારી અન્ય એક સાથી એક મહિલા વિશે વાત કરી રહી હતી, કારણકે, તેના નમૂનાઓ કોરોના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. મેં તેની વાત સાંભળીને એક પી.પી.ઇ કીટ પહેરી અને ફરજ પર નીકળી ગઈ. ફરજ આઇસોલેશન વોર્ડમાં હતી. મેં જતાની સાથે જ તે લેડીનું બીપી ચેક કર્યું. બીપી તપાસ કરતી હતી ત્યારે તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેના વિશે પૂછવા લાગી હતી. તેણે તેના ઘરની વાત શરૂ કરી. તે તેના પતિથી નાખુશ હતી. આ દરમિયાન તેણે પતિને ફોન કર્યો. બંને વચ્ચે ઝઘડો થયો છે તે જોઈને મેં તેની પાસેથી ફોન લીધો અને સ્પીકર પર વાત કર્યા પછી તેના પતિને સમજાવ્યો હતો. પછી ત્યાંથી બહાર આવીને ગ્લોવ્સ બદલાયા અને પેપર વર્ક કામ શરૂ કરી દીધું. લગભગ 11 વાગ્યે મારે નોડલ ઓફિસરનો ફોન આવ્યો અને કહ્યું કે દાખલ થયેલી મહિલાનો રિપોર્ટ પોઝીટીવ છે. સાવધાન રહેજે.

આ વાત અમે મહિલાને કહી નહોતી. તેની સાથે આઈસોલેટ કરેલાં તેના પુત્રને તેની જાણ કરી હતી, કારણ કે તેને બીજા વોર્ડમાં શિફ્ટ કરવાની હતી. તેના પુત્રનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. તેના પુત્રને સમજાવીને બીજા વોર્ડમાં શિફ્ટ કર્યો હતો. જ્યારે એવું કર્યુ તો મહિલાને શંકા ગઈ તે જાતે જ પુછવા લાગી કે તેના પુત્રને કેમ શિફ્ટ કરવામાં આવ્યો છે, જ્યારે મહિલાને જાણ થઈ કે તેનો રિપોર્ટ પોઝિટિવ છે તો તે રોવા લાગી હતી. તેને માંડ માંડ સમજાવી હતી. થોડીવાર બાદ તેને લૂઝમોશન થઈ ગયા હતાં. તે વાંરવાર વોશરૂમ જવા લાગી. તેને વાંરવાર કહેવું પડતુ હતું કે, માસ્ક લગાવી લે. આખી રાત હું આઈસોલેશનનાં કોરિડોર પર બેસી રહી હતી.

દર્દીઓનું શૌચાલય અને અમારું શૌચાલય બાજુ બાજુમાં જ છે. રાત્રે ખુરશી ઉપર બેઠા બેઠા જ હું સુઈ ગઈ હતી. મને ધ્યાન નથી કે તેણે અમારું પણ શૌચાલય ઉપયોગમાં લીધુ છે કે નહી. હવે એવું કહેવામાં આવી રહ્યુ છે કે, મને કોરોના મોબાઈલમાં વાત કરવાથી થયો છે, જે ખોટી વાત છે. કારણકે, મોબાઈલ પર મે સ્પીકરમાં વાત કરી હતી. તે પહેલાં મે તેનું બીપી ચેક કર્યુ હતુ. તેને દવા આપી હતી. મને જાતે જ ખબર નથી કે મને કોરોના પોઝીટીવ કેવી રીતે આવ્યો.

રિપોર્ટ પોઝીટીવ આવ્યો તો અમને ક્વોરન્ટીન કરાયાઃ સવારે જ્યારે ડ્યુટી ખતમ થવા આવી તો બધી જ નર્સો કહેવા લાગી કે અમે ક્યારેક તો તે મહિલા સાથે ડ્યુટી કરી છે. અમારો પણ ટેસ્ટ થવો જોઈએ, ત્યારે ડોક્ટરે અમને હોમ ક્વોરન્ટીન માટે કહ્યું હતું. મારી અમુક સાથીઓ ત્યાં હોસ્પિટલમાં જ દાખલ થઈ હતી, જ્યારે મે ઘરે જ રહેવાનું પસંદ કર્યુ હતુ. મે ઘરે જતાં મારા વાસણો અને કપડા અલગ કરી દીધા હતા. અને મારા સાસુ-સસરા અને બાળકોને ક્વોરન્ટીન વિશે સમજાવ્યા હતા. તેઓ માની ગયા હતા. આ સમય દરમ્યાન તેઓ મારા રૂમમાં આવ્યા નહોતા, ના તો હું તેમના રૂમમાં ગઈ હતી.

6 દિવસ બાદ મને વિચાર આવ્યો કે, મારું સેમ્પલ લીધુ નથી. તો મે ડોક્ટરને કોલ કર્યો હતો. જોકે, મને કોઈ લક્ષણો હતાં નહી, તેમ છતાં હું સાતમાં દિવસે એટલે કે, 27 માર્ચે સેમ્પલ આપવા માટે હોસ્પિટલ પહોંચી ગઈ હતી. વરસાદ હતો પરંતુ સ્કૂટી ઉપર રેઈનકોટ પહેરીને હોસ્પિટલ જતી રહી હતી. મને જતાની સાથે જ ડોક્ટરે દાખલ કરી દીધી હતી. જ્યારે સેમ્પલ લેવાની વાત આવી તો ડોક્ટરે મારા ગળાનું સેમ્પલ લીધુ નાકનું સેમ્પલ લીધું નહી. ત્રણ દિવસ રાહ જોયા બાદ ખબર પડી કે સેમ્પલ ફેલ થઈ ગયુ. 30 માર્ચે મારા ફરી સેમ્પલ લેવામાં આવ્યા હતા.

બાળકોનાં સેમ્પલ લીધા તો બે દિવસ જમી નહીં: મારો રિપોર્ટ પોઝીટીવ આવ્યો તો ડોક્ટરે મારા પરિવારને ક્વોરન્ટીન કરી દીધો. તેમના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. મને મારો રિપોર્ટ પોઝીટીવ આવવાનું કોઈ ટેન્શન નહોતુ પરંતુ જ્યારે મારા બાળકોના સેમ્પલ લીધા તો મને બહુ જ ટેન્શન થઈ ગયુ. મન બહુ જ દુઃખી હતુ. મે બે દિવસ સુધી ખાધું નહોતુ. દર વખતે એક જ વાત મનમાં હતી કે, મારાથી ક્યાક મારા પરિવારને ના થયો હોય. શરીરમાં નબળાઈ લાગી રહી હતી. પરંતુ ખાવાનું ભાવતુ ન હતુ. વારંવાર સુબેદાર સાહેબનાં કોલ આવતા હતા. લોકડાઉનને કારણે તેઓ પણ ઈચ્છીને આવી શકતા નહોતા. બે દિવસ કેવી રીતે વિત્યા તે મારું મન જાણે છે. જ્યારે રિપોર્ટ નેગેટીવ આવ્યો તો મેં રાહતનો શ્વાસ લીધો હતો.

રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ સ્ટાફનું વર્તન બદલાઈ ગયુઃ મને સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે મારો રિપોર્ટ આવતાની સાથે જ કર્મચારીઓની વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયુ. થોડા દિવસો પહેલા સુધી મારી સાથે સારી વાતો કરતા ડોક્ટર અને સીએમઓ પણ બરાબર વાત કરતા નહોતા. ડોક્ટર કે વહીવટી તંત્ર સાથે જોડાયેલા અધિકારીઓએ પણ ફોન કરીને દિલાસો આપ્યો નહોતો. હા, જ્યારે મીડિયામાં સમાચાર આવવા લાગ્યા ત્યારે સીએમઓ મેડમનો મને ફોન આવ્યો. આ વર્તનથી મને ખૂબ દુઃખ થયું. આ સમય દરમિયાન અમારા નર્સિંગ યુનિયન અને નર્સ બહેનોએ ઘણો ટેકો આપ્યો. આને કારણે હવે હું ઠીક છું, હું જલ્દી જ કામ પર પાછી ફરીશ.

You cannot copy content of this page