વહુની ઈચ્છા પૂરી કરવા સાસરિયાએ ખર્ચી નાખ્યા લાખો રૂપિયા, ગામવાળા જોતા જ રહી ગયા!

સીકરઃ લગ્નમાં સાસરીયા દહેજ માગવામાં એક ક્ષણનો પણ વિચાર કરતાં નથી અને મોંમાં આવે તેવી ડિમાન્ડ કરતાં હોય છે. જોકે, રાજસ્થાનના સીકરમાં એવા સાસરીયા છે, જેમણે વહુની ઈચ્છા પૂરી કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં એક વાર પણ વિચાર્યું નહીં.

ખેતડીના સરદારપુરમાં રહેતા કૃષ્ણકુમાર ટાઈલ્સનો વેપાર કરે છે. તેમનો દીકરો રાહુલ આર્મીમાં ક્લાર્ક છે. તેના લગ્ન ગામથી 12 કિમી દૂર લાખા નાંગલમાં રહેતા રિટાયર્ડ આર્મી મેન વીરેન્દ્ર કુમારની દીકરી મોનિકા સાથે નક્કી થયા હતા.

મોનિકાએ બીએસસી કરેલું છે. લૉકડાઉનમાં રાહુલને રજા મળી શકી નહોતી અને તેથી જ લગ્ન પોસ્ટપોન રહ્યા હતા. જોકે, બંને ફોન પર એકબીજા સાથે વાતો કરતાં હતાં.

રાહુલે ભાવિ પત્નીને પોતાની ઈચ્છા પૂછી હતી, તો મોનિકાએ કહ્યું હતું કે તેણે ક્યારેય હવાઈ પ્રવાસ કર્યો નથી. તે સમયે રાહુલ કંઈ જ ના બોલ્યો પરંતુ તેણે ઘરના લોકો સાથે વાત કરીને દિલ્હીમાં હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું.

લાખા નાંગલના ખાલી પડેલાં ખેતરમાં હેલીપેડ બનાવવામાં આવ્યું હતું. 12 કિમીની સફર પૂરી કરવામાં હેલિકોપ્ટરે 3 લાખ રૂપિયા ભાડું લીધું હતું. 15 ફેબ્રુઆરીની રાત્રે લગ્ન થયા પછી બીજા દિવસે સવારે મોનિકાની વિદાય હતી. જોકે, જ્યારે તેણે હેલિકોપ્ટર જોયું તો તેના ચહેરા પર આંસુની સાથે સાથે એક અલગ જ ચમક જોવા મળી હતી. તે પતિ સાથે હેલિકોપ્ટરમાં બેસીને સાસરિયે ગઈ હતી.