પતિ સરપંચ બનતાં પત્ની ખુશીથી ઝૂમી ઉઠી, પતિને ખભા પર બેસાડી રેલી કાઢી

સામાન્ય રીતે ચૂંટણીમાં જીત થતાં જીતનારા ઉમેદવારના સમર્થકો તેને ખભા પર બેસાડી ખુશી વ્યક્ત કરતાં જોવા મળે છે. પણ પતિની જીત થતાં પત્નીને તેને ખભા પર બેસાડી લે એવું તમે કદાચ ક્યાંય નહીં જોયું હોય. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રમાં સામે આવ્યો છે.

મહારાષ્ટ્રમાં ગઈ કાલે મંગળવારે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. સરપંચની ચૂંટણીમાં સંતોષ શંકર ગુરવ નામના યુવાનની જીતની જાહેરાત થતાં જ પત્ની રેણુકાએ તેને ખભા પર બેસાડી દોડ લગાવી હતી. આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

પુણે જિલ્લાની પાલુ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સંતોષ શંકરની જીત થઈ હતી. પતિ વિજેતા થતાં પત્ની રેણુકા ખુશી વ્યક્ત કરવાથી પોતાને રોકી શકી નહોતી. તેણે પતિને ખભા પર બેસાડી જશ્ન મનાવ્યો હતો.

સંતોષ શંકરે પણ જશ્ન પછી જીતનો તાજ પત્નીના માથા પર રાખ્યો. તેઓએ કહ્યું કે જો પત્ની ઘરે-ઘરે જઈને પ્રયાસ ન કર્યા હોત તો મારી જીત અસંભવ હતી. સંતોષ શંકર જાખ માતા દેવી ગ્રામ વિકાસ પેનલથી ચૂંટણી લડ્યા હતા. આ પેનલે 7માંથી 6 સીટ મેળવી છે.