અમદાવાદમાં પ્રેમિકાએ પ્રેમી સાથે બર્થ-ડેના દિવસે જ હોટલમાં બધાંની સામે કરી મારામારી પછી…..

અમદાવાદમાં સામે આવ્યો છે પતિ-પત્ની અને વો નો કિસ્સો. આ કિસ્સામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પ્રેમિકાએ પ્રેમી સાથે બર્થ ડેના દિવસે જ હોટલમાં મારઝૂડ કરી. વાત આટલેથી ન અટકી. ગુસ્સે થયેલી પ્રેમિકા યુવકના ઘરે પહોંચી ગઈ અને તેમની વચ્ચેના સંબંધોની તેની પત્નીને જાણ કરી દીધી. એક બાળકની માતા એવી પ્રેમિકાએ યુવક સાથે જ રહેવાની જીદ પકડી લીધી. આખરે યુવકની પત્નીએ મહિલા હેલ્પલાઈનની મદદ લેતા વાતચીતના આધારે નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદના થલતેજ વિસ્તારમાં અક્ષય અને શ્રદ્ધા (નામ બદલ્યા છે)ના લગ્ન ત્રણ વર્ષ પહેલાં સમાજના રીતિરિવાજ મુજબ થયા હતાં. લગ્નના 6 મહિના બાદ સાસુ સાથે તકરાર થતાં શ્રદ્ધા રિસાઈને પિયર જતી રહી હતી. એક વર્ષ સુધી બંને વચ્ચે અબોલા રહેતા રહેતા અક્ષય સાથે કોઈ વાતચીત થતી ન હતી. આ સમયગાળામાં અક્ષયને સુરતમાં રહેતી અને એક બાળકીની માતા એવી ઝરણાં (નામ બદલ્યું છે) સાથે દોસ્તી થઈ હતી. બાદમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બંને સાથે બિઝનેસ કરતા હોવાથી ઘરે આવવા-જવાનું થતું હતું. પરંતુ ઘરે કોઈને તેમને પ્રેમ સંબંધો અંગે જાણ ન હતી.

6 મહિના પહેલા સમાધાન કરી શ્રદ્ધા તેના સાસરીમાં પરત આવી ગઈ હતી. બીજી તરફ અક્ષયના ઝરણાં સાથે સંબંધો ચાલુ હતા. અક્ષયનો જન્મદિવસ હોવાથી ઝરણાં સુરતથી અમદાવાદ સેલિબ્રેશન કરવા માટે હતી. તેણે અક્ષયને ઉજવણીના બહાને હોટલમાં બોલાવ્યો હતો. પણ હોટલમાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને અક્ષય સાથે ઝરણાંએ મારામારી સુદ્ધા કરી હતી. વાત એટલી વણસી કે અક્ષય તેને છોડીને ઘરે આવી ગયો.

બીજી તરફ રોષે ભરાયેલી ઝરણાં પણ અક્ષયના ઘરે આવી પહોંચી હતી. એટલું જ નહીં, તેણે તેમની વચ્ચેના સંબંધોનો ભાંડો ફોડી દીધો હતો. તે સમયે શ્રદ્ધાએ અક્ષય સાથે સંબંધો ન રાખી સુરત પાછી જતી રહેવા ઝરણાંને કહ્યું હતું. પરંતુ ઝરણાંએ અક્ષય સાથે જ રહેવાની જીદ કરી હતી. જેથી શ્રદ્ધાએ આ સમસ્યાનું સમાધાન કરવા હેલ્પલાઈનની મદદ લીધી હતી.

મહિલા હેલ્પલાઈનની ટીમે ઝરણાંને સમજાવી હતી કે, તે પણ એક બાળકીના માતા છે તેથી તેના વિશે વિચારવું જોઈએ. ઘણી સમજાવટ બાદ ઝરણાં સુરત જવા તૈયાર થઈ હતી અને અક્ષયનો પરિવાર તેને સુરત મુકવા ગયો હતો. આ ઘટનાએ એવા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો છે કે જેઓ લગ્ન બાદ પણ બહારની એટલે કે પરપુરુષ અને પરસ્ત્રી સાથે સંબંધો રાખે છે.