ખોટા ડોક્યુમેન્ટ બનાવી યુવતીઓને ફસાવતો, ખુદ પહેલી પત્નીએ ફોડ્યો ભાંડો

લગ્ને લગ્ને કુંવારા રહેવાના અરમાન ધરાવતાં અમદાવાદના એક શખ્સની પોલીસ ધરપકડ કરી છે. આ લંપટ શખ્સ પહેલા લગ્નના 21 વર્ષ બાદ પણ ખોટા ડોક્યુમેન્ટ બનાવી અન્ય યુવતીઓને ફસાવી લગ્ન કરતો હતો. આ પુરૂષ ત્રીજા લગ્ન માટેની તૈયારીઓ કરી રહ્યો હતો. પરંતુ ત્રીજા લગ્ન કરે તે પહેલાં તેનો અસલી ચેહરો સામે આવી ગયો અને પોલીસના હાથે ચડી ગયો. આ મામલે પહેલી પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ છેતરપિંડી ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની વિગત એવી છે કે અમદાવાદના બોડકદેવના લાડ સોસાયટી રોડ પર દેવાણી એપાર્ટમેન્ટમાં રહેતા રાધાબહેન રાજેશભાઇ થાનકી (40)એ પતિ રાજેશ લાભશંકર થાનકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ 1999માં રાજેશ સાથે સમાજના રીતરિવાજ મુજબ રાધાબહેનના લગ્ન થયા હતા. પતિથી 17 વર્ષની પુત્રી અને 7 વર્ષનો પુત્ર એમ બે સંતાનો છે. પતિ રાજેશ મહાવીર કન્ક્રેટ મુવર્સ નામથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. જેની ઓફિસ થલતેજ શીલજ ક્રોસિંગ પાસે સીલ્વર સ્કાય બિલ્ડિંગમાં આવેલી છે.

એક લગ્નથી સંતોષ ન થતાં લંપટ પતિ રાજેશે ઇન્દોરમાં રહેતી પ્રિયંકા નામની યુવતી જે આરોપી રાજેશના ઉંમરથી 10 વર્ષ નાની છે તેની સાથે ખોટા ડોક્યુમેન્ટ આધારે લગ્ન કરી લીધા હતા. તે સમયે તેણે રાહુલ દવે નામે ખોટા ડોક્યુમેન્ટ બનાવી લગ્ન કર્યા હતા. ત્યાર બાદ ત્રીજી યુવતીને ફસવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં જબલપુર રહેતી ગરિમા નામની યુવતીને મેટ્રો મોનિયલ સાઇટ પર લંપટ રાજેશે ખોટા ડોક્યુમેન્ટની મદદથી લગ્ન કરવા સંપર્ક કર્યો.

આ યુવતીએ તપાસ કરતા રાજેશ અગાઉથી પરિણીત હોવાનો ભાંડો ફૂટ્યો હતો. તેથી તેણે લગ્ન કરવાનું ટાળ્યું હતું અને રાજેશની પત્નીનો સંપર્ક કરી પતિના કારનામાની જાણ કરી હતી. રાધાબહેને તપાસ કરી તો પતિના બીજા લગ્નનો પણ ભાંડો ફૂટ્યો. જેથી પહેલી પત્ની રાધાબહેને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધવતા ચોંકવાનારી ઘણી હકીકતો સામે આવી છે. પોલીસ તપાસમાં પતિ રાજેશના પર્સમાંથી રાહુલ દવે નામનું લાયસન્સ અને પાન કાર્ડ મળ્યું. સાથે પ્રિયંકા રાહુલ દવે નામના ડોક્યુમેન્ટ મળ્યા છે. જે આધારે પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ કરી રહી છે.

પોલીસ તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે પ્રથમ લગ્ન રાજેશ કર્યા બાદ સતત ઘરની બહાર રહેતો હતો. શરૂઆતમાં પતિ બહાર હોય તો ફોન અને મેસેજથી પત્ની રાધા સાથે વાતચીત કરતો હતો. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ફોન કે મેસેજ કરવાનું બંધ કર્યું હતું. રાધાબહેન પતિને ફોન કરે તો જવાબ આપતા નહીં અને ઘરે આવી ફોન બાબતે મારઝૂડ કરતા હતા. આમ ટ્રાન્સપોર્ટના વેપારના નામે તે અન્ય યુવતીઓ સાથે લગ્નનું પ્લાનિંગ કરતો હોવાનું ખુલ્યું છે. જો કે પોલીસ આંશકા છે કે આરોપી રાજેશે અન્ય ઘણી યુવતીઓને ખોટા ડોક્યુમેન્ટ આધારે પોતાની માયાજાળમાં ફસાવી લગ્ન કર્યા હોઇ શકે છે.