પત્નીના પ્રેમમાં પાગલ હતો, ‘વો’ની એન્ટ્રી થતાં જ પતિએ કરી આત્મહત્યા

11 એપ્રિલે આત્મહત્યા કરનાર 33 વર્ષીય વ્યક્તિનો વીડિયો હાલ સામે આવ્યો છે. આ વીડિયોમાં યુવક તેની પત્નીને કહી રહ્યો છે કે, હું બસ તને જ પ્રેમ કરું છું અને મર્યા પછી પણ તને જ પ્રેમ કરતો રહીશ. તેણે પત્નીને કહ્યું – સંદીપ પાસે ન જશો. 2 મિનિટથી વધુ લાંબા આ વીડિયોમાં તે પત્ની સાથે પ્રેમની વાત કરી રહ્યો છે.

વીડિયોમાં અરવિંદે કહ્યું- મર્યા બાદ પણ તને જ પ્રેમ કરીશ
“હું શું કહું… મને બોલ, હું શું કહું…? કહેવા માટે કઈ જ વધ્યું નથી. હું તેને ખૂબ જ પ્રેમ કરું છું અને કરતો રહીશ… મૃત્યુ સુધી. હું સાત જન્મો સુધી તને જ પ્રેમ કરીશ. હું મરી પણ જઈશ તો પણ પ્રેમ હંમેશા તને જ કરતો રહીશ. મારો પ્રેમ જૂઠો નથી… મારી ફક્ત પરિસ્થિતિ ખરાબ છે. મારા માતા-પિતાથી લઈને અન્ય કોઈએ પણ આ પરિસ્થિતિમાં મને ટેકો આપ્યો ના હતો. હું તને હંમેશાં પ્રેમ કરતો રહીશ. તુ ફક્ત મારા માટે જ બની છે… ફક્ત મારા માટે. ફક્ત હું જ તને સ્પર્શી શકું છું અને તારી કુખમાંથી જન્મ લેનાર બાળકો પણ મારાં જ હશે. જો બીજું કોઈ તને અડશે તો હું તેનો હાથ કાપી નાખીશ એટલો પ્રેમ કરું છું હું તને. આઈ લાવ યુ, આવજો. તને મારી સાથે ઘણી તકલીફો હતી એટલે હું જાઉં છું. ખૂબ જ દૂર તારી પાસેથી. તું મને કદી નહિ મળે પણ સંદીપ પાસે જઈશ નહિ. આ વાત યાદ રાખજો. તેની પાસે ના જતી.”

કુન્હાડી વિસ્તારમાં શ્રીપુરામાં રહેતા અરવિંદ શાક્યવાલ એક ખાનગી ટેલિકોમ કંપનીમાં નોકરી કરતા હતા. વર્ષ 2017માં તેણે નિશા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન બાદ બંને કુન્હાડીના સુભાષ વિહારમાં રહેવા લાગ્યા હતા. આ સમય દરમિયાન બંનેની તેમના પરિવારો સાથે બહુ ઓછી વાતો થતી હતી. માનો કે સંપર્ક ના બરાબર હતો. આ બંનેની પ્રેમગાથામાં 7 મહિના પહેલા વળાંક આવ્યો હતો જ્યારે નિશાને ઉદયપુરની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી મળી હતી. નિશાએ ઉદયપુરમાં જ હોસ્ટેલમાં એક રૂમ લીધો અને ત્યાં રહેવા લાગી. ત્યારથી આ બંને વચ્ચે ઝઘડાઓ શરુ થયા હતા અને આ બંને વચ્ચેના સંબંધો વણસ્યા હતા.

પરિવારનો આક્ષેપ છે કે, ત્રાહિત વ્યક્તિએ આવીને બરબાદ કરી નાખ્યું ઘર
અરવિંદના પરિવારજનોનો આરોપ છે કે, નિશાને ઉદયપુરમાં સંદીપ નામના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. આ કારણે તેણે અરવિંદ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને તેના કારણે ઝઘડા શરુ થયા એટલું જ નહીં બાદમાં નિશાના પરિવારના લોકોએ પણ અરવિંદને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. 11 એપ્રિલના રોજ અરવિંદે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, નિશાના વર્તનથી નારાજ અરવિંદે દારૂ પીવાનું પણ શરૂ કરી દીધું હતું. તેણે નિશાને ઘણીવાર ફોન કરીને કોટા પાછા આવવાનું કહ્યું, પરંતુ તે આવવા માટે તૈયાર નહોતી.

પરિવારે કહ્યું કે, પોલીસ નથી સાંભળી રહી અમારી વાત
વીડિયો સામે આવ્યા બાદ હવે પુત્રને ન્યાય અપાવવા માટે પરિવારજનો પોલીસ સ્ટેશન અને એસપી ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ અરવિંદે આત્મહત્યા કરી કે તરત જ પોલીસે મોબાઈલ ફોન જપ્ત કરી રૂમ સીલ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા તેના હાથમાં અરવિંદનો આ વીડિયો આવ્યો હતો. આ વીડિયો પોલીસને બતાવવામાં આવ્યા છે અને હવે આ કેસમાં નિશા સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, અરવિંદે નિશાના વર્તનને કારણે અને તેના દબાણમાં આવીને આત્મહત્યા કરી હતી. આવી સ્થિતિમાં પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. આ અંગે પરિવારજનોએ બુધવારે એસપી ઓફિસને આવેદનપત્ર પણ આપ્યું હતું અને આ મામલે તટસ્થ તપાસની માગણી કરી હતી. આ મામલે નિશાનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો સંપર્ક થઇ શક્યો નહોતો.