પિતા દીકરીના હાથ નીચે નિભાવી રહ્યાં છે ડ્યૂટી, જાણો આમ કેવી રીતે થયું?

દેશમાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી સામે આવી રહ્યા છે. અહીં મૃત્યુઆંક 30 ને વટાવી ગયો છે. પરંતુ, આ રાજ્યમાંથી એવાં બે કર્મવીરો ચર્ચામાં આવ્યા છે જે વાસ્તવમાં પ્રશંસાને લાયક છે. જેના વિશે જાણીને તમે પણ કહેશો આ કેવો સંયોગ છે. વાસ્તવમાં આ વાત એક ડીએસપી પુત્રી અને સબ ઈન્સપેક્ટર પિતાની છે. બંને 20-20 કલાકની ડ્યુટી કરી કોરોનાને માત આપી રહ્યા છે.

આ રીતે મળ્યા પિતા-પુત્રી
વાસ્તવમાં, બંને ડીએસપી પુત્રી શાબેરા અન્સારી અને સબ ઇન્સ્પેક્ટર પિતા અશરફ અલી અંસારી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. શાબેરા સીધી જિલ્લાના મઝૌલી પોલીસ સ્ટેશનમાં ડીએસપી પદ પર છે. જ્યારે અશરફ અલી ઇંદોરના લાસુડિયા પોલીસ સ્ટેશનમાં એસઆઈ તરીકે તૈનાત છે, લોકડાઉન પહેલા પિતા સીધી તેની પુત્રીને મળવા આવ્યા હતા. આ દરમિયાન લોકડાઉન કરવામાં આવ્યું અને તેઓ ત્યાં ફસાઈ ગયા હતા. જ્યારે અશરફ અલીએ તેમના વરિષ્ઠ અધિકારીઓને ફોન કરીને આ કહ્યું હતું ત્યારે તેમને ઓર્ડર મળ્યો કે લોકડાઉન પૂરુ ન થાય ત્યાં સુધી તમારે ત્યાં જ ફરજ બજાવવાની છે ત્યાર બાદ અહીં આવજો.

UPના બલિયાનાં રહેવાસી છે SI
અશરફ અલી મૂળ રૂપે યુપીનાં બલિયાનાં રહેવાસી છે. તેમનો પરિવાર બલિયામાં રહે છે. ગયા મહિને તેમની માતાનું નિધન થયુ હતુ. ત્યારબાદ ઈંદોરથી તેઓ પોતાની પત્ની અને બાળકો સાથે બલિયા જતા રહ્યા હતા. ત્યાર બાદ તેઓ પોતાની પુત્રીને મળવા માટે સીધી પહોંચ્યા હતા.

આ રીતે ડીએસપી બની પુત્રી
શાબેરા અંસારીને વર્ષ 2013 માં સબ-ઇન્સ્પેક્ટર તરીકે પસંદ કરવામાં આવી હતી અને વર્ષ 2016 માં તેણે જોઈન કર્યુ હતુ. આ સાથે, તે મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન એટલેકે MPPSC ની તૈયારી કરતી રહી. 2016 માં પીએસસી ક્વોલિફાય કર્યું હતું અને 2018માં ડીએસપીનું પોસ્ટિંગ મળ્યું હતું. તેઓ હાલમાં ટ્રેનિંગ ડીએસપી તરીકે ફરજ બજાવી રહી છે.

બંને ખૂબ જ ખુશ છે
મીડિયા સાથે વાત કરતા પિતા-પુત્રીએ કહ્યું, અમે ઘણાં ખુશ છીએ, લોકડાઉનના બહાને અમને બંનેને સાથે કામ કરવાની અને આટલાં દિવસો સાથે રહેવાની તક મળી છે. ટ્રેની ડીએસપી શાબેરા અન્સારીએ જણાવ્યું હતું કે, હાલના સમયે અમારા બંનેનું એક જ લક્ષ્ય દેશને કોરોનાથી બચાવવાનું છે.

એક જ ગાડીમાં બેસીને ડીએસપી પુત્રી શાબેરા અન્સારી અને સબ ઇન્સપેક્ટર પિતા અશરફ અલી અન્સારી સાથે ફીલ્ડ પર જાય છે. લોકોને કોરોનાથી બચાવવા બંને સાથે મળીને જંગ લડી રહ્યા છે.