પીએમ મોદી પણ આ અસરકારક મસાલાથી વધારે છે રોગપ્રતિકારક શક્તિ, તમે પણ રોજ કરો આ

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ સંક્રમણથી બચવા માટે જ પીએમ મોદીએ આખા દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. એક તરફ લોકો પોતપોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા શક્ય એટલા બધા જ પ્રયત્નો કરી રહ્યા છે ત્યાં, પીએમ મોદીએ પણ આયુષ મંત્રાલયે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપેલ ઉપાયોનો ઉલ્લેખ કર્યો છે.

તેમણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી લખ્યું છે, “આયુષ મંત્રાલયે સારા સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલાક સરળ ઉપાય જણાવ્યા છે, જે સરળતાથી કરી શકાય છે. એમાંથી ઘણા તો એવા છે, જેનું પાલન હું વર્ષોથી કરું છું.”
પીએમ મોદીએ આ ઉપાયો સાથે સંકળાયેલ કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે, જેનાથી કોરોના વાયરસ સામે લડવા માટેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તો અમે પણ અહીં જણાવી રહ્યા છીએ, કયા ઉપાયો આપ્યા છે આયુષ મંત્રાલયે..

– રોજ યોગાસન, પ્રાણાયામ અને મેડીટેશન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
– હળદર, જીરું, કોથમીર અને લસણનો રોજની રસોઇમાં ઉપયોગ કરવો.
– સવારે 10 ગ્રામ (1 ચમચી) ચ્યવનપ્રાશનું સેવન કરવું.
– તુલસી, તજ, કાળામરી, કિશમિશ અને સૂંઠનો બનેલો ઉકાળો કે હર્બલ ટીનું દિવસમાં બે વાર સેવન કરવું. તેમાં સ્વાદ માટે લીંબુનો રસ કે ગોળ પણ ઉમેરી શકાય છે.

– દિવસમાં એક કે બે વાર હળદરવાળું દૂધ કે ગોલ્ડન મિલ્ક પીવાની સલાહ આપવામાં આવી છે. આ માટે 150 મીલી ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાખી મિક્સ કરી પીવું.
– જો તમારા ગળામાં ખારાશ અનુભવાતી હોય તો, ગરમ પાણીમાં ફુદીનાનાં પાન અને અજમો નાખી સ્ટીમ લઈ શકાય છે. આ સિવાય લવિંગના પાવડરને ખાંડ કે મધ સાથે મિક્સ કરી દિવસમાં બે-ત્રણ વાર સેવન કરી શકાય છે. તેમનું માનવું છે કે, જો તમને ગળામાં ખારાશ અને સૂકા કફની સમસ્યા અનુભવાતી હોય તો, તરત જ ડોક્ટર પાસે જાઓ.

આ સિવાય એક ટેબલસ્પૂન તલનું તેલ કે કોપરેલ મોંમાંથી બે થી ત્રણ મિનિટ રાખો અને પછી તેને બહાર કાઢી નાખો. ત્યારબાદ ગરમ પાણીથી કોગળા કરવા. દિવસમાં એકવાર આમ કરવું.


કોરોનાથી બચવાની ટિપ્સ આપવાની સાથે-સાથે આયુષ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે, આને તમારા જીવનનો ભાગ બનાવો અને બીજાંને પણ તેની સલાહ આપો.