મનપસંદ જીપ લાવ્યાના ત્રણ દિવસમાં હાર્દિકના પિતાનું થયું નિધન, પરિવાર સાથે ઉજવી હતી ઉત્તરાયણ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું ગઈકાલ સોમવારે નિધન થયું હતું. હાર્દિક અને કૃણાલ પંડ્યાના 71 વર્ષીય પિતા હિમાંશુ પંડ્યાને હાર્ટ અટેક આવ્યો હતો, હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં તેમનું અવસાન થયું હતું. હાર્દિકના પિતા હિમાંશુભાઈએ બે દિવસ પહેલાં જ વડોદરામાં રિલેટિવ સાથે ઉત્તરાયણની મજા માણી હતી. હિમાંશુભાઈ 3 દિવસ પહેલાં જ પંજાબની બ્લેક કલરની જીપ ખરીદીને લાવ્યા હતા.

પુત્ર હાર્દિક અને કૃણાલની લાઈફસ્ટાઈલ તેના પિતા પરથી ઉતરી છે. તેના પિતા પણ બિન્દાસ્ત લાઈફ જીવતા હતા. તેમના પિતા હિમાંશુભાઈને પણ સોના અને કારનો ખૂબ શોખ હતો. તેમાં પણ ખાસ કરીને ઓપન જીપ તેમને બહુ પસંદ હતી.

હિમાંશુભાઈ પંડ્યા 3 દિવસ પહેલાં જ પંજાબ ખાતેથી જીપ ખરીદીને આવ્યા હતા. તેઓ તેમના મિત્ર વારસ અલી પીરઝાદા સાથે જીપ લઈને ફરવા પણ નીકળ્યા હતા. તેઓ બંને વડોદરામાં એલેમ્બિક રોડ પર આવેલા એફબી મેદાન ખાતે ચાલી રહેલી ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચ જોવા માટે પણ ગયા હતા. જોકે તેઓ આ જીપમાં વધુ ફરે એ પહલાં જ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.

નોંધનીય છે કે પંડ્યા પરિવારનું જીવન ખૂબ મુશ્કેલભરી સ્થિતિમાં પસાર થયું હતું. હિમાંશુભાઈ પંડ્યાએ અછત વચ્ચે પણ બંને પુત્રો હાર્દિક અને કૃણાલના ઉછેરમાં કોઈ કમી રહેવા દીધી નહોતી. હિમાંશુભાઈ પંડ્યા સુરતમાં ફાઇનાન્સનો વેપાર કરતા હતા. થોડો સમય પછી તેઓ વપાર બંધ કરીને વડોદરા શિફ્ટ થયા હતા. એ સમયે હાર્દિકની ઉંમર માંડ પાંચ વર્ષની હતી.

હિમાંશુભાઈ પંડ્યાનો પરિવાર વડોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. પુત્રોને અચૂક મેચ જોવા લઈ જતા હતા. ધીમે ધીમે પુત્રોમાં ક્રિકેટ પ્રત્યે રસ જાગ્યો હતો. ઘરની ખરાબ આર્થિક સ્થિતિ છતાં ક્રિકેટ કોચિંગ એકેડમીમાં પુત્રોને એડમીશન લઈ આપ્યું હતું.

ધોરણ 9માં નપાસ થયા હાર્દિકે ભણવાનું છોડીને ક્રિકેટ પર ફોકસ કર્યું હતું. શરૂઆતના સમયમાં બંને ભાઈ પાસે પોતાની ક્રિકેટ કીટ પણ નહોતી. બરોડા ક્રિકેટ એસોસિએશનની ક્રિકેટ કીટ વાપરીને રમતા શીખ્યા હતા.

શરૂઆતના સમયમાં હાર્દિક અને કૃણાલે મેગી ખાઈને ચલાવ્યું હતું. જોકે આઈપીએલમાં બંને ભાઈનું નસીબ ખૂલી ગયું હતું. ત્યાર બાદ બંને ભાઈઓએ ક્યારેય પાછું વાળીને નથી જોયું. સતત શાનદાર પ્રદર્શનના કારણે બંને ભાઈઓ આજે ટીમ ઈન્ડિયાના મજબૂત ખેલાડી ગણાઈ છે. બંનેભાઈઓએ વડોદરા ઉપરાંત મુંબઈમાં લક્ઝુરિયર્સ ફ્લેટ લીધો છે. આજે અને કાર્સ અને પ્રોપર્ટીના માલિક છે.