રાજીવ કપૂર સાથે કામ કરનાર અભિનેત્રી મંદાકિની 24 વર્ષથી જીવે છે ગુમનામ જિંદગી

મુંબઈઃ ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’થી બૉલિવૂડમાં ડેબ્યુ કરનારી મંદાકિની 57 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 30 જુલાઈ, 1963માં મેરઠમાં થયો હતો. મંદાકિનીનું સાચુ નામ ‘યાસ્મીન જોસેફ’ છે. ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી મંદાકિની છેલ્લાં 24 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ગાયબ છે. મંદાકિની છેલ્લીવાર 1996માં આવેલી ફિલ્મ ‘જોરદાર’માં જોવા મળી હતી. ફિલ્મોમાં કામ કર્યાં દરમિયાન મંદાકિનીનું નામ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલું હતું. કહેવામાં આવે છે કે, દાઉદ સાથે સંબંધ હોવાને લીધે તેમને અનેક ફિલ્મોમાં કામ મળ્યું હતું.

મંદાકિનીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરતી હતી તે પહેલાં તેમને ત્રણ ફિલ્મોમાંથી રિજેક્ટ કરવામાં આવી હતી. આ પછી રણજીત વિર્કે મંદાકિનીને ફિલ્મ ‘મલજૂમ’માં કામ આપ્યું હતું.

પહેલી ફિલ્મ રિલીઝ પહેલાં 22 વર્ષની મંદાકિની પર રાજ કપૂરની નજર પડી હતી. તેમણે ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ માટે મંદાકિનીને કાસ્ટ કરી હતી.

ફિલ્મમાં મંદાકિનીના બૉલ્ડ લૂકે ધૂમ મચાવી હતી અને તે અચાનક ચર્ચામાં આવી ગઈ હતી.

મંદાકિની ત્યારે વધુ વિવાદમાં આવી જ્યારે તે, અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે જોવા મળી હતી.

એવા પણ સમાચાર સામે આવ્યા હતાં કે, દાઉદ ઇબ્રાહિમ અને મંદાકિનીએ લગ્ન પણ કરી લીધા હતા, પણ મંદાકિનીએ હંમાશા આ વાત સ્વીકારી નહોતી. મંદાકિનીએ તે જરૂર સ્વીકાર્યું કે, દાઉદ સાથે તેમની ઓળખાણ છે.

જ્યારે મંદાકિનીના દાઉદ સાથેના સંબંધની દરેકને જાણ થઈ ત્યારે તેમને કામ મળવાનું બંધ થઈ ગયું હતું. જેટલાં ઓછાં સમયમાં મંદાકિનીએ સફળતા મેળવી હતી એટલાં જ ઓછાં સમયમાં તે ફ્લોપ થઈ ગઈ હતી.

આ પછી મંદાકિનીએ સિંગિંગ શરૂ કર્યું અને બે આલબમમાં બહાર પાડ્યા પણ ચાલ્યા નહીં. મંદાકિનીએ આ પછી ડૉક્ટર કાગ્યુર ટી રિનપોચે ઠાકુર સાથે 1990માં લગ્ન કર્યાં હતાં.

વર્ષ 1996માં આવેલી તેમની ફિલ્મ ‘જોરદાર’ પણ ચાલી નહોતી અને તેમનું કરિયર લગભગ પતી ગયું હતું. જેને લીધે મંદાકિની ઇન્ડસ્ટ્રીથી ગાયબ થઈ ગઈ હતી.

અત્યારે મંદાકિની તેમના પતિ ડૉક્ટર કાગ્યુર ટી રિનપોચે ઠાકુર સાથે ‘ટિબ્બટન હર્બલ’ સેન્ટર ચલાવે છે. તે બુદ્ધિસ્ટ મૌંક પણ રહી ચૂકી છે.

મંદાકિની અને ડૉ. ઠાકુરને બે દીકરા રાબિલ અને દીકરી રાબ્જે ઇનાયા ઠાકુર છે.