ઘાતક કોરોના વાયરસનો ચેપ ના લાગે તે માટે આ કાઠિયાવાડી યુવતીએ બનાવ્યા ફેશશિલ્ડ - Real Gujarat

ઘાતક કોરોના વાયરસનો ચેપ ના લાગે તે માટે આ કાઠિયાવાડી યુવતીએ બનાવ્યા ફેશશિલ્ડ

રાજકોટ: વિશ્વના લગભગ મોટાભાગના દેશો હાલ વ્યાપ્ત કોરાના મહામારીને કારણે ભયગ્રસ્ત છે. તેવી વિષમ પરિસ્થિતિમાં પણ ભારતની સમગ્ર પ્રજા પોતાના ધૈર્ય અને હિંમતથી કોરોના વાયરસ સામેના જંગમાં પુરા જોશ અને જુસ્સાભેર આગળ વધી રહ્યા છે. આપતકાળની પરિસ્થિતીમાં સમાજના દરેક સ્તરના લોકોનો પરસ્પરનો સહયોગ અનિવાર્ય છે. સૌ કોઈ કોરોના વાયરસના સંક્રમણને પરાસ્ત કરવાના જંગમાં યથોચીત યોગદાન આપી રહ્યાં છે. આ યોગદાનમાં રાજકોટના ટેક્નોસેવી એવા નિધિબેન ચોટલીયા પણ સહયોગી બન્યા છે.

મેનેજમેન્ટ ક્ષેત્રે અભ્યાસ પૂર્ણ કરી વોલ 3-ડી નામે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરતા અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ નિધિબેન ૩-ડી પ્રિન્ટરના વિવિધ મોડેલોના વેંચાણ અને પ્રોટોટાઈપ જોબવર્ક તૈયાર કરી આપવાનો વ્યવસાય કરે છે. કોરોના માહામારીના આ સંકટ સમયે તેમણે પોતાના આ આગવા કૌશલ્યનો વિનિયોગ સમાજ ઉપયોગી કાર્યમાં કરવા નિશ્ચય કર્યો.

આ અંગે વધુ માહિતી આપતાં નિધિબેન જણાવે છે કે, તેઓ અત્યાધુનિક ૩-ડી પ્રિન્ટરોના વેંચાણનો વ્યવસાય મેડીકલ ઈક્વિપમેન્ટ, ઔધોગિક મશીનરી અને પ્રોટોટાઈપ ડાઈમેકીંગના ઉદ્યોગો સાથે સંકળાયેલો છે. આ ઉપરાંત તેઓ માગ અનુસાર જોબવર્ક પણ કરી આપે છે. હાલ સમગ્ર દેશ જ્યારે કોરોના માહામારીના આ સંકટ સમયે એક થઈને લડી રહ્યો છે ત્યારે આ કોરોના જેવા સંક્રમણને પરાસ્ત કરવાના લાંબા સંઘર્ષમાં દેશભરના અનેક કર્મયોગીઓ દિવસ રાત જોયા વગર કામ કરી રહ્યાં છે. ત્યારે સમાજના એક નાગરીક તરીકે હું પણ આ સેવાયજ્ઞમાં સહયોગ કરવા ઉત્સાહીત બની છું.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, તેઓના વ્યવસાયને અનુકુળ અને કોરાનાની મહામારીમાં અવિરત સેવા કરતા લોકો માટે પોતાની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે તે બાબતને ધ્યાને લઇને મેં પોતે તેઓની સુરક્ષામાં સહાયક બને તેવા ફેશ શિલ્ડ બનાવવાનો નિશ્ચય કર્યો. નિધિબેન ચોટલીયાએ તેમના આગવા કૌશલ્ય થકી ઉચ્ચકક્ષાના પ્લાસ્ટીક રો-મટીરીયલ્સમાંથી માત્ર રૂા. 40ની નજીવી કિંમતે સમગ્ર ચહેરાને આવા ઘાતક વાયરસથી સુરક્ષા પુરી પાડી શકે તેવા ફેશ શિલ્ડ બનાવવામાં સફળતા મેળવી છે.

હાલ તેઓ રોજના 50 જેટલા ફેશશિલ્ડ બનાવી રહ્યા છે. ટુંક સમયમાં તેઓ રોજના પાંચસો થી હજાર ફેશશિલ્ડ તૈયાર કરવાની નેમ રાખી રહ્યા છે. જે સીવીલ હોસ્પિટલની મેડીકલ ટીમો, પોલીસ જવાનો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ કે જેઓ આ મહામારીમાં નાગરિકોને સૈનિકો જેવી સેવા આપે છે તેમને પુરા પડાશે.