ઓવરબ્રિજ ઉપર રેલિંગ તોડી ટેન્કર મોતની જેમ ઝુલતું રહ્યું, મચી ગઈ નાસભાગ

રાજકોટ મોરબી હાઈવે પર નિર્માણાધિન ઓવરબ્રિજ પર એક ટેન્કર ચાલકે કાબૂ ગુમાવતા રેલિંગ તોડી મોતની જેમ ઝૂલતું થઈ ગયું હતું. રાહદારીઓ ઉપર ટેન્કર જાણે મોત બની ઝળુંબતું થઇ જતાં હાઈવે પર પસાર થતા વાહનો રાહદારીઓ સહિત નજરે જોનારાઓના શ્વાસ ઘડીભર થંભી ગયા હતા.

અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે
રાજકોટ મોરબી વચ્ચે ફોરલેનનુ કામ ચાલી રહ્યું છે. ટંકારા ખાતે લતીપર ચોકડી ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ ઓવરબ્રિજ બનતો હોવા છતા કામ ચાલુ થયું ત્યારથી નીતિ નિયમો નેવે મૂકીને નિયમ મુજબ સર્વિસ રોડ બનાવાયો નથી. જેથી વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેમાં અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે.

મોતના કૂવા પર ટેન્કર લટકતું હોય તેવા દ્રશ્યો સર્જાયા
સ્ટેટ હાઈવે પર ટંકારા ખાતે ઓવરબ્રિજ ઉપર ટેન્કર ચાલકની બેદરકારીથી ટેન્કરે બેલેન્સ ગુમાવતા ઓવરબ્રિજ ઉપર ઓચિંતા જ ધમાકો થયો હતો અને મોતના કૂવા પર ટેન્કર લટકતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બ્રિજ ઉપર લટકતા ટેન્કરના દ્રશ્યો જોતા ઘડીભર તો નીચે પસાર થનારા માથે મોત લટકતું હોવાથી નાસભાગ મચી ગઈ હતી.

હાઈવેનું નવિનીકરણ કામ ગોકળગતિએ
65 કિમીના રાજકોટ-મોરબી હાઈવેના નવિનીકરણનું કામ સરકારે લગભગ ચાર અબજ રૂપિયાનો ખર્ચ કરી વિકાસ કાર્યને વેગ આપ્યો છે. ઉપરાંત નવા મઢાયેલા હાઈવેનુ કામ કેવું હશે તેની ચાડી ખાતા ઠેર ઠેર મસ મોટા ગાબડા હાલ દેખાય રહ્યા છે. હાઈવે પર પસાર થતા વાહનો, રાહદારીઓ સહિતના સ્થાનિકો ઓવરબ્રિજની સુવિધા મળવાની ખુશીને બદલે અસહ્ય યાતનાથી વાજ આવી ગયા છે.

સુવિધા મળવાની ખુશીને બદલે અસહ્ય યાતનાથી ગળે આવી ગયા
રાજકોટ-મોરબી હાઈવેને ફોર લેન બનાવવાની કામગીરી લગભગ છેલ્લા સાડા ચાર વર્ષથી રગશીયા ગાડાની ગતિએ ચાલી રહી છે. જે પૂર્ણ થવાનુ નામ લેતી ન હોવાની સાથે લોકો સુવિધા મળવાની ખુશીને બદલે અસહ્ય યાતનાથી ગળે આવી ગયા છે. માર્ગ મકાન વિભાગ અને હાઈવે એજન્સીની મિલી ભગતથી લોકોને સુવિધાની ખુશીને બદલે અસહ્ય યાતનાથી મુક્તિ ઝંખતા હોવાની ટંકારા તાલુકામા કાયમી મચતી કાગારોળ મચતી રહે છે.