નાઈટ ડ્યુટીમાં કોન્સ્ટેબલ સાળીને બોલાવીને ચિક્કાર દારૂ પીને વાનમાં જ ચેનચાળા શરૂ કર્યા હતા

શાપરથી ઢોલરા જવાના રસ્તે ઊભેલી પોલીસ વાનમાં શાપર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણાને નગ્ન હાલતમાં અને ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં તેની કૌટુંબિક સાળી સાથે ગ્રામજનોએ ઝડપી પાડ્યો હતો. નશામાં ચૂર અશ્વિન બેફાન ગાળો બોલતાં ગ્રામજનોને મારવા દોડ્યો હતો. તે સમયે અન્ય પોલીસ સ્ટાફ આવતાં તેમની સાથે પણ અશ્વિને ઝપાઝપી કરી હતી. અશ્વિનના પત્ની સુધી વીડિયો પહોંચતાં તે પોતાના પરિવારજનો સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી.

પીએસઆઈ કુલદીપસિંહ સહિતનો સ્ટાફ શાપર પહોંચ્યો હતો. અશ્વિનને ભાગવાનો પ્રયત્ન કરતાં સ્ટાફે તેને પકડી ટીંગાટોળી કરી હતી. અશ્વિન નાઈટ ડ્યુટીમાં હતો અને ડ્રાઈવરને જાણ કર્યાં વગર જ કાર લઈને સવારે જસદણ રહેતી સાળીને બોલાવી ચિક્કાર દારૂ પી અશ્લીલ હરકતો માટે શાપર પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી શાપર પહોંચી એસપી મીણાને જાણ કરી હતી. તેમણે તાત્કાલિક અશ્વિનને સસ્પેન્ડ કરવાનો હુકમ કરી ગુનો નોંધવા આદેશ કર્યો હતો.

અશ્વિનની નાઈટ ડ્યુટી હતી અને તેને સેકન્ડ મોબાઈલની ફરજ પર મુકાયો હતો. લોઘિકામાં એક એ.ડી હોવાથી તે રાત્રે ડ્રાઈવર સથે ત્યાં ગયો હતો. સવાર 5 વાગે શાપર પોલીસ સ્ટેશને કાર પડી હતી અને ડ્રાઈવરની ડ્યુટી પુરી થવાની હતી ત્યાં અશ્વિને ડ્રાઈવર પાસેથી કારની ચાવી માગી હતી અને એકલો કાર લઈને નીકળી ગયો હતો. એસપી બલરામ મીણાના જણાવ્યા પ્રમાણે, વાહન ફક્ત ડ્રાઈવરને ચલાવવાનું હોય છે. અંગત કામો માટે પોલીસ વાનનો ઉપયોગ કરવાની સ્પષ્ટ મનાઈ હતી.

અશ્વિનની હરકતોની તેની પત્નીને જાણ થતાં તેણે પોતાના પરિવારને બોલાવ્યો હતો. તે કપડાં પેક કરીને થેલો લઈને જ સ્થળ પર પહોંચી હતી અને પરિવારે સંબંધ તોડી નાંખી અશ્વિનની બુરી વલે કરવાનું કહ્યું હતું. જ્યારે તેની સાથે પકડાયેલી યુવતીના પરિવારનોને પણ જાણ કરાઈ હતી જોકે તેનો કોઈ સગા સ્થળ પર આવ્યા ન હતાં.

આ બનાવ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP)એ જણાવ્યું હતું કે, હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. આજે સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થયે જ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીનાં પગલા ભરવામાં આવશે. ખાખીના નામે કલંક ગણાતા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે.