ખલી બન્યો રાજકોટનો મહેમાન, ખુલ્લી જીપમાં રંગીલા રાજકોટની મોજ માણી, હજારો લોકો ઉમટ્યા

વિશ્વવિખ્યાત ધ ગ્રેટ ખલી રવિવારે રંગીલા રાજકોટનો મહેમાન બન્યો હતો. એક જીમના ઓપનિંગમાં આવેલા ખલીએ રાજકોટમાં ખુલ્લા જીપ ફરી શહેરની મજા માણી હતી. એટલું જ નહીં ખલીએ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી એક દુકાનમાં પાણીપૂરી ખાવાની મજા માણી હતી. તેમણે 10 પ્લેટ પાણીપૂરી, 5 પ્લેટ સેવ-દહીંપૂરી ખાધી હતી, એટલે કે 60 નંગ પાણીપૂરી 25 નંગ સેવ-દહીંપૂરી ખાવાની મજા માણી હતી તેમજ 500 એમએલની પાણીની 4 બોટલ પણ પીધી હતી.

ધ ગ્રેટ ખલી રાજકોટના જાહેર માર્ગ પર સામાન્ય લોકોની જેમ કારની બોનેટ પર પાણીપૂરીની પ્લેટ રાખી ખાવાની મજા માણી હતી. ખુલ્લી જીપમાં રાજકોટની લટારે નીકળ્યા ત્યારે તેમણે ચાહકોનું અભિવાદન જીલ્યું હતું. ખલીને મળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બાદમાં 12-15 મિનિટમાં રાજકોટથી રવાના થયા હતા.

આ અંગે ખલીએ જણાવ્યું હતું કે ભારતમાં ઘણા એવા જિમમાં એક-બે રૂમની વ્યવસ્થા હોય છે. હું તો લોકોને આગ્રહ કરી રહ્યો છું કે બધાએ કસરત કરવી જોઇએ. ઘણા લોકો એવું કહે છે કે હું તો ઓફિસ જાઉં છું તો મારે કસરત કેમ કરવી, પરંતુ જે રૂપિયા પછી તમે ડોક્ટરોને દેવાના છો તો એનાથી બચવા માટેનો એક જ ઉપાય છે જિમ.

જિમમાં જઇને અથવા ઘરે કરસત કરીને લોકોએ પોતાનું શરીર તંદુરસ્ત રાખવું જોઇએ. ઘણા લોકો એવું વિચારે છે કે મારા તો લગ્ન થઇ ગયા છે અને બાળકો પણ છે તો હું જિમ કેવી રીતે જાઉં, પરંતુ તેવા લોકોને પણ મારી અપીલ છે કે જેમ જેમ શરીરને જરૂર હોય તેવી કસરત કરવી જોઇએ.

ખલીએ વધુમાં જણાવ્યું હતું કે તમે કસરત કરશો તો કોરોના તમને ટચ પણ નહિ કરી શકે, આથી બધા લોકોને મારી અપીલ છે કે કસરત કરો. મારી લોકોને અપીલ છે કે તમે લોકો સવારે વહેલા ઊઠો અને કસરત કરો. હેલ્ધી ડાયટ ફૂડ ખાવો, જેનાથી કોઇ બીમારી આવી શકતી નથી અને તમારું શરીર એકદમ તંદુરસ્ત રહેશે.