સૌરાષ્ટ્રમાં ઘટી રક્ત રંજીત ઘટના, બોથડ પદાર્થના ઘા મારી પતિએ કરી પત્નીની હત્યા

ભાવનગર : રાજુલા તાલુકાના ઝાંપોદર ગામે પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવતો જોવા મળ્યો હતો. દારૂના આદી પતિનો પત્નીએ દારૂ પીવાની ના પાડતા આવેશમાં આવી પતિએ તેની પત્નીને બોથડ પદાર્થના ઘા આડેધડ ફટકારી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યુ હતુ. ઉક્ત રક્ત રંજીત ઘટનાના અનુસંધાને મૃતક દિકરીના માતાએ તેના જમાઈ સામે ફરિયાદ આપતા પોલીસે હત્યાની કલમ તળે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર રાજુલાના ભગવતીપરા વિસ્તારમાં આવેલ ઢોલીયાધાર વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા સોમીબેન જાદવભાઈ પરમારે રાજુલા પોલીસ મથકમાં રાજલા તાલુકાના ઝાંપોદર ગામે રહેતા તેના જમાઈ ભરત બદરૂભાઈ વાળા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, તેની નાની દિકરી રેખાબેને ઝાંપોદરના ભરત વાળા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

તેણીના લગ્ન જીવન દરમિયાન ભરત અવાર નવાર માર મારી હેરાન પરેશાન કરતો હોય અને ભરતને દારૂ પીવાની ટેવ હોય જેથી તેની દિકરી રેખાબેન તેના પતિને દારૂ પિવાની ના પાડતા હોય જેને લઈ ઝગડાઓ થતા હતા.

દરમિયાન ગત રાત્રીના ૭.૩૦ કલાકના અરસા દરમિયાન રેખાબેને ભરતને દારૂ પીવાની ના પાડતા તેને સારૂ નહીં લાગેલ અને તે બાબતે મનદુખ રાખી તેણીની દિકરી રેખાબેને કોઈ તિક્ષ્ણ હથિયાર કે બોથડ પદાર્થ વડે માથાના ભાગે, વાસાના ભાગે, પગ અને શરીર ઉપર આડે ધડ માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.

ત્યાર બાદ તેણીને તાત્કાલીક સારવાર અર્થે રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડાત ફરજ પરના તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. ઉક્ત ફરીયાદ અનુસંધાને રાજુલા પોલીસે ભરત વાળા વિરૂધ્ધ આઈપીસી. ૩૦૨ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.