વડોદરાનો શોકિંગ બનાવ, નિકાહના બે દિવસ પહેલાં જ કુંવારી યુવતીએ બાળકને જન્મ આપ્યો

 

વડોદરામાં નિકાહ પૂર્વે બાળકને જન્મ આપી ત્યજી દેવાના ચકચારી પ્રકરણમાં યુવતીએ દાયણના મકાનના દરવાજા પર બાળકને જન્મ આપી દીધો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ દરમિયાન દાયણના કહેવાથી પ્રસૂતાને તેનો મંગેતર ઓટોરિક્ષામાં સયાજી હોસ્પિટલ લઇ ગયો હતો.

ઘરેથી ગર્ભવતી મંગેતરને દાયણના ઘરે પ્રસૂતિ માટે જે ઓટોરિક્ષામાં લઇ ગયો હતો એ સમયના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જોકે પોલીસે ત્યજી દેવાયેલા બાળક અને તેના જન્મદાતાનાં સેમ્પલ ડી.એન.એ. ટેસ્ટ માટે મોકલી આપ્યાં છે. હાલ માતા અને બાળક હોસ્પિટલમાં છે. ડી.એન.એ.નો રિપોર્ટ આવ્યા બાદ બાળકને તેના જન્મદાતાને સોંપવામાં આવશે. બીજી બાજુ બાળકના જન્મદાતા મંગેતર યુગલના બે દિવસ બાદ નિકાહ થશે કે કેમ એ એક સવાલ છે.

કચરામાંથી બાળક મળી આવ્યું હતું
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે કારેલીબાગ પોલીસ સ્ટેશનની શી ટીમને પોલીસ કંટ્રોલ તરફથી વરદી મળી હતી કે કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાન પાસે કચરામાં એક નવજાત બાળક છે, જેથી શી ટીમનાં ઇન્ચાર્જ એ.એસ.આઇ. રેખાબહેન કહાર તેમજ કારેલીબાગ પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.ડી. ચૌધરી સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયાં હતાં અને કચરામાં પડેલા નવજાત બાળકનો કબજો મેળવ્યો હતો. ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ હોસ્પિટલના તબીબોના માર્ગદર્શન હેઠળ સયાજી હોસ્પિટલ સ્થિત રુક્મિણી ચૈનાની પ્રસૂતિગૃહમાં સુપરત કર્યું હતું.

રિક્ષામાં દાયણના ઘરે લઈ ગયો
સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવનાર આ ઘટના અંગે તપાસ કરી રહેલા કારેલીબાગ પોલીસ મથકના પી.આઇ. ચેતન જાદવે જણાવ્યું હતું કે મચ્છીપીઠ વિસ્તારમાં એક જ બિલ્ડિંગમાં અલગ-અલગ મકાનમાં રહેતાં યુવાન અને યુવતીની ત્રણ વર્ષ પહેલાં સગાઈ થઈ હતી. સગાઈ દરમિયાન યુવાન-યુવતી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા, જેમાં યુવતી ગર્ભવતી બની ગઇ હતી. ગર્ભવતી યુવતી અને તેના મંગેતરે આ વાત પોતાના પરિવારથી છુપાવી હતી. આ દરમિયાન લગ્નના બે દિવસ પહેલાં જ યુવતીને પ્રસૂતિની પીડા ઊપડતાં મંગેતર તેને ઓટોરિક્ષામાં તુલસીવાડીમાં રહેતી એક દાયણના ઘરે પ્રસૂતિ કરાવવા માટે લઈ ગયો હતો, પરંતુ યુવતી દાયણના ઘરમાં પ્રવેશ કરે એ પહેલાં જ પ્રસૂતાએ દાયણની ડેલી ઉપર બાળકનો જન્મ આપી દીધો હતો.

દાયણના ઘરની ડેલી પર ડિલિવરી થઈ
દરમિયાન દાયણે પ્રસૂતાને લઇને આવેલા યુવાનને બાળક અને યુવતીને હોસ્પિટલમાં લઈ જવા માટે જણાવ્યું હતું. યુવાન તરત જ પોતાની મંગેતરને લઈને સયાજી હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને હોસ્પિટલમાં મંગેતરને દાખલ કરી નવજાત બાળકને લઈને બહુચરાજી સ્મશાન રોડ ઉપર આવી ગયો હતો અને એક બંધ કારની પાછળ પડેલા કચરામાં બાળકને ફેંકી જતો રહ્યો હતો. દરમિયાન પોલીસે આ બાળકને ત્યજી દેનારા યુવાનની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી હતી. એ સાથે યુગલના પરિવારજનો હોસ્પિટલમાં પહોંચી ગયા હતા બાળકને જન્મ આપનાર યુવતી તથા તેનો મંગેતર પરિવારના હોવાની કબૂલાત કરી હતી.

ડી.એન.એ. રિપોર્ટ બાદ બાળક સોંપાશે
જોકે બાળક જન્મ લેતાંની સાથે જ કાયદાની આંટીઘૂંટીમાં આવી જતાં પોલીસે ખરેખર કચરામાંથી મળી આવેલું બાળક મચ્છીપીઠના યુગલનું જ છે કે કેમ એ જાણવા માટે ડી.એન.એ. ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. એમાં બાળક તથા તેના કહેવાતા બાળકના જન્મદાતાનાં સેમ્પલો મેળવી ડી.એન.એ. ટેસ્ટ માટે સુરત મોકલી આપ્યાં હતાં. ડી.એન.એ. ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ બાળક તેના જન્મદાતાને સોંપવામાં આવશે, એમ કારેલીબાગના પી.આઇ. ચેતન જાદવે જણાવ્યું હતું. હાલ બાળક અને તેની માતા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હોસ્પિટલમાં જવાને બદલે દાયણના ઘરે લઇ ગયો
બીજી બાજુ, આજે પ્રસૂતાને લઇ જતી ઓટોરિક્ષાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજ અંગે કારેલીબાગ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવી માહિતી બહાર આવી છે કે યુવાન તેની સગર્ભા મંગેતરને પોતાના ઘરેથી ડિલિવરી કરાવવા લઈ જઈ રહ્યો છે. જોકે યુવાન તેને ડિલિવરી માટે હોસ્પિટલ જવાના બદલે તુલસીવાડીમાં દાયણના ઘરે ગયો હતો, પરંતુ દાયણના ઘરના દરવાજા પાસેથી યુવતીએ બાળકને જન્મ આપી દીધો હતો. એ બાદ યુવાન પ્રસૂતા મંગેતર અને બાળકને લઇ સયાજી હોસ્પિટલમાં પહોંચ્યો હતો, જ્યાં મંગેતરને દાખલ કરી હતી અને ત્યાંથી બાળકને બહુચરાજી સ્મશાન રોડ ઉપર કચરામાં ફેંકી દઇ રવાના થઇ ગયો હતો,

પહેલીવાર આવી ઘટના બની
નિકાહ પૂર્વે જ મંગેતરે બાળકને જન્મ આપતા બાળક અને માતા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સપ્તાહમાં યુગલના નિકાહ થવાના છે. ત્યારે હવે આ યુગલના નિકાહ થશે કે પછી નિકાહ મોકૂફ રહેશે એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરાના મચ્છીપીઠની આ ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવી મૂકી છે. વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત નિકાહના ગણતરીના કલાકો પૂર્વે મંગેતરે બાળકને જન્મ આપ્યો હોવાની પ્રથમ ઘટના હોવાનું મનાય છે.

તમામ મદદરૂપ થનારા સામે કાર્યવાહી થશે
આ ચકચારી ઘટના અંગે કારેલીબાગ પોલીસે કહેવાતા પોતાના નવજાત બાળકને ત્યજી દેનાર પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં જે કોઇએ પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે મદદ કરી છે તે તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે, એમ કારેલીબાગ પોલીસ મથકના પી.આઇ. ચેતન જાદવે જણાવ્યું હતું.