બાળપણમાં માતાનું નિધન, પિતાએ મજૂરી કરી ભણાવી, બંને દીકરીઓનું આર્મીમાં સિલેક્શન

હાલ સ્ત્રીઓ પુરૂષ સમોવડી બની ગઈ છે. ત્યારે સ્ત્રીઓ પણ જે પુરૂષો કરી શકે તે તમામ કામ સ્ત્રીઓ પણ કરી શકે છે. સ્ત્રીનો પ્રેમ કુટુંબ પ્રત્યે હોય, બાળકો પ્રત્યેનો હોય, પતિ પ્રત્યે નો હોય અને દેશ પ્રત્યે નો પણ હોય. આપણે વાત કરવી છે એવી બે સગી બહેનોની કે જેમનો દેશ પ્રત્યેનો પ્રેમ અનન્ય છે.

દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે એક ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતી આ બહેનો દિવસે મજૂરી કરી માતાપિતાને મદદરૂપ બનતી અને રાત્રે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી દેશસેવામાં જવાના સપના સેવતી હતી. આખરે તેની મહેનત રંગ લાવી છે. ગઢડા તાલુકાના ગોરકડા ગામની ધરજીયા પરિવારની બે સગી બહેનો બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં સિલેક્ટ થઇ છે, અને ટ્રેનિંગ મેળવી હાલ ગામમાં પરત આવી છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામના રહેવાસી પરબતભાઇ ધરજીયા કે જેઓ દિવસે છક્ડો રિક્ષા ચલાવી અને રાત્રે ગ્રામ રક્ષક દળ (GRD) માં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. પરંતું તેની બંને પુત્રીઓ નાની હતી ત્યારથી અભ્યાસથી લઇને રમત ગમત સહિતની બાબતમાં હોશિયાર અને ચપળ હતી.

બંને બહેનોને નાની હતી ત્યારથી તેનામાં દેશ ભાવના અને કંઇક કરવાની લગની લાગેલી હતી. માતાની છત્રછાયા ગુમાવી દીધી હોવા છતાં બંને પુત્રીઓમાં ગજબનાક આત્મવિશ્વાસ ભરેલો હતો તેના પિતા પુત્રીઓને પ્રોત્સાહિત કરીને આગળ વઘવાનું પ્રોત્સાહન આપી રહ્યાં હતા.

રિક્ષા ચલાવતા હોવા છતાં પોતાની પુત્રીઓ સમાજમાં કંઈક આગવી નામના ઘરાવે અને દેશ સેવા કરે તેવી ઈચ્છા રાખી રહ્યાં હતાં તો બીજી તરફ બંને પુત્રીઓ આર્મીમાં જોઈન થવાની ઈચ્છા રાખીને સિલેક્શન થાય તે માટે સતત પરિશ્રમ ઉઠાવી રહી હતી.

દિવસે ઘર કામ અને ખેતર મજૂરી કામ કરતા જઈને પોતાના ખર્ચ કાઢતા અને ઘર પણ ચલાવતા જેનો ઈરાદો મજબૂત હોય તેને કુદરત મદદ કરે પછી કોણ અટકાવી શકે આ કથન સત્ય સાબિત થયું અને બંને બહેનો સિલેક્ટ થઈ ગઈ હતી.

બંને બહેનો આર્મીમાં સિલેક્ટ થઈ હોવાના સમાચાર મળતાં પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી. તેની સાથે તેમની કોળી જ્ઞાતિ અને સમગ્ર જિલ્લામાં સમાચાર પ્રસરતા વાહ અદભુત એવા શબ્દો લોકોના મુખમાંથી સરી પડ્યા હતા. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યાં હતાં બંને બહેનોએ મહિલા સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

બંને બહેનો આર્મીમાં સિલેકટ થતા ગોરડકા ગામનું તેમજ જિલ્લાનું ગૌરવ વધારેલ અને મહિલાઓ પણ આર્મીમાં જોડાઈને દેશનુ ગૌરવ વધારે તેવો શુભ સંદેશ આપવામાં આવ્યો હતો.