સડસડાટ જઈ રહી હતી રીક્ષા ને અચાનક જ રોડ પર 25 ફૂટ ઊંડા ખાડામાં થઈ ગરકાવ

જયપુરઃ રાજસ્થાનના પાટનગર જયપુરમાં  થોડાક મહિના પહેલાં હચમચાવી નાખનારી દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનાએ તંત્ર અને રાજ્ય સરકારના દાવાની પોલ ખોલી નાખી હતી. અહીં પેસેન્જર ભરેલી એક ઑટો રિક્ષા અચાનક રોડની અંદર લગભગ 25 ફૂટ ઊંડા અને 30 ફૂટ પહોળા ખાડામાં ખાબકી હતી. મહત્ત્વનું છે કે, આ રિક્ષામાં એક છોકરી અને ડ્રાઇવર હતાં.

આ ભયાનક દુર્ઘટના જયપપુરના ચૈમૂ હાઉસ સર્કલ પાસે સચિવાયલથી એક કિલોમીટર દૂર થઈ હતી. જોતજોતામાં ઘટના સ્થળે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. જેને પણ આ દુર્ઘટના જોઈ તે સ્તબ્ધ થઈ હતાં અને વિચારતા હતાં કે આ દુર્ઘટના થઈ કેવી રીત શકે. આ દુર્ઘટનાને પગલે પોલીસની ટીમ સ્થળે પહોંચી ગઈ હતી. આ પછી દોરડાંની મદદથી પેસેન્જર છોકરી અને ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યા હતાં અને બંને ઘાયલ થતાં તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતાં.

આ દુર્ઘટના પછી લોકોનું કહેવું છે કે, ‘જે રીતે આ રોડમાં અચાનક મોટો ખાડો પડ્યો તે ડરામણી વાત છે. આ રોડ પર રોડ 50 હજારથી વધુ વાહન પસાર થાય છે. જો ટ્રાફિકના ટાઇમે અકસ્માત થયો હોત તો ભયાનક સ્થિતિ થઈ શકે છે અને કેટલાય લોકોનાં તેમાં મોત પણ થઈ શકેત. આ એક્સિડન્ટ પછી ખબર પડી કે, તંત્ર અને સરકાર કેવી રીતે લોકોની જિંદગી સાથે રમી રૂપિયા કમાઈ રહી છે.

દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી સિક્યોરિટી ગાર્ડ પ્રહલાદભાઈએ જણાવ્યું કે, ‘આ દુર્ઘટના સવારે 6 વાગ્યે થઈ હતી. વધારે ઠંડી હોવાને લીધે રોડ એકદમ ખાલી હતો. હું એક બિલ્ડિંગમાં સિક્યોરિટી ગાર્ડ છું. નાઇટ ડ્યૂટી પર હતો, ઘરે જવાની તૈયારી કરતો હતો ત્યારે અચાનક બૂમ સંભળાઈ હતી. જ્યારે હું દોડીને ત્યાં પહોંચ્યો ત્યારે ભયાનક દુર્ઘટના જોઈ ડરી ગયો હતો. પછી મેં આસપાસના લોકોને બોલાવ્યા તો તે પણ આ દુર્ઘટના જોઈ હેરાન થઈ ગયાં હતાં અને વિચારતાં હતાં કે રોડમાં કેવી રીતે ખાડો પડી શકે છે.’

સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે, ‘મેં ખાડામાં ઊતરવાનો પ્રયત્ન કર્યો, પણ ઊતરી શક્યો નહીં, કેમ કે તે ખૂબ જ ઊંડો હતો. ઘટના સ્થળે હાજર લોકો ડરી રહ્યાં હતાં કે, આપણે અંદર ઊતર્યાં અને પછી રોડનો બીજો ભાગ અંદર ઢસી પડે તો આપણે પણ અંદર ડટાઈ જશું. પછી ત્યાંથી પસાર થતાં લોકોએ વાહન રોક્યા અને દોરડાથી 25 ફૂટ અંદર ખાડામાંથી પેસેન્જર છોકરી અને ડ્રાઇવરને બહાર કાઢ્યા હતાં.’

ઉલ્લેખનીય છે કે, આ બાબતે માહિતી મળ્યા પચી પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. તેમણે સિક્યોરિટી ગાર્ડને પ્રોત્સાહિત કરી ઇનામમાં 2100 રૂપિયા આપ્યાં હતાં. આ ઉપરાંત અધિકારીઓને તરત જ આ રોડ સરખો કરવા આદેશ પણ આપ્યાં હતાં.