પંતના અકસ્માત અંગે રોહિત શર્માની પત્નીને આવ્યો ગુસ્સો, કહ્યું- થોડીક તો શરમ કરો

શુક્રવાર વહેલી સવારે ભારતના સ્ટાર ક્રિકેટર રિષભ પંતને ખતરનાક અકસ્માત નડ્યો હતો. સળગીને ખાખ થઈ ગયેલી મર્સિડિઝ કારની તસવીરો જોઈને ભલભલા ધ્રુજી ગયા હતા. આ અકસ્માતમાં ક્રિકેટર બચી ગયો તેને લોકો મોટો ચમત્કાર માને છે. હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત રિષભ પંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આખો દેશ તેના સારા થવાની પ્રાર્થના કરી રહ્યો છે. દરમિયાન આ કેસમાં ઉર્વશી રાઉતેલા અને ક્રિકેટર રોહિત શર્માની પત્ની કૂદી ગઈ છે. રોહિતની પત્ની રીતિકાએ એવી વાત કરી કે બધા ચોંકી ગયા હતા.

રિષભ પંતના અકસ્માતના સમાચાર આવ્યા બાદ શુક્રવાર સવારે ઉર્વશી રાઉતેલાએ પંતનું નામ લીધા વગર એક પોસ્ટ કરી હતી. જેમાં પોતાની એક તસવીર સાથે ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું હતું- ‘પ્રાર્થના કરી રહી છું’. ઉર્વશી રાઉતેલાના આ પોસ્ટ પર લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી.

નોંધનીય છે કે છેલ્લાં ઘણા સમયથી ક્રિકેટ રિષભ પંતનું નામ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા સાથે જોડવામાં આવી રહ્યું છે. જોકે સોશ્યિલ મીડિયામાં બંને વચ્ચેની લડાઈથી પણ બધા વાકેફ છે. જ્યારે જ્યારે રિષભ પંતનું નામ આવે એટલે ઉર્વશીનો ઉલ્લેખ આવી જાય છે.

બીજી તરફ ક્રિકેટર રોહિત શર્માની પત્ની રીતિકાએ આ પ્રકરણમાં પોતાની વાત કહી બધાને ચોંકાવી દીધા છે. જે લોકો રિષભ પંતા અકસ્માતના ફોટો શેર કરી રહ્યા છે તેને રીતિકાએ આડેહાથ લીધા હતા.

રીતિકાએ ઇનસ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે ‘શરમ આવવી જોઈએ કે લોકો કારણ વિના તેના ફોટોઝ શેર કરી રહ્યા છે. એક પરિવાર માટે આ અંગત અને દુઃખદ બાબત છે. જરા સંવેદનશીલતા રાખવી જોઈએ. તેના પરિવારજાણો અને મિત્રોને આ ફોટોઝ જોઈને કેવું દુઃખ થતું હશે એ તો વિચારો.’

નજરે જોનારે કહ્યું- 5 ફૂટ ઊછળીને પલટી મર્સિડીઝ
ઘટનાસ્થળની પાસે દૂધની ડેરી છે. આર્યન નામનો વ્યક્તિ ત્યાં હાજર હતો. તેણે જણાવ્યું હતું કે પંતની 150 કિમી પ્રતિ કલાકની સ્પીડથી આવી રહેલી તેની મર્સિડીઝે એક કારને ઓવરટેક કરી હતી. ત્યારે એક ખાડો આવી ગયો હતો. જેના કારણે કાર 5 ફૂટ સુધી ઊછળીને પહેલા બસ સાથે ટકરાઈ અને પછી ડિવાઇડરથી ટકરાઈ હતી, અને પછી તેમાં આગી લાગી ગઈ હતી.

આખું શરીર છોલાઈ ગયું હતું, કપડાં ફાટી ગયા હતા
ઘટનાસ્થળની પાસે આવેલી ગંગા ડેરીમાં કામ કરનાર આર્યને જણાવ્યુ હતું કે ‘સવારના 5:15 વાગ્યા હતા. હું ગેટ પાસે હતો, તેટલામાં ખૂબ જ મોટો ધડાકો થયો હતો. બહાર નીકળીને જોયું તો એક કાર સળગી રહી હતી. હું દોડતો તેની પાસે પહોંચ્યો હતો, જોયું તો રિષભ પંત કારમાંથી બહાર નીકળીને બહાર પડ્યો હતો. તે દુખથી કણસતો હતો. તેનું આખું શરીર છોલાઈ ગયું હતું, કપડાં ફાટી ગયા હતા. શાલ જેવું કંઇક ઓઢીને તે બહાર બેઠો હતો.’

આર્યને વધુમાં કહ્યું હતું કે ‘પંત કારથી અંદાજે 50 મીટર દૂર પડ્યો હતો. પંતને ઘાયલ થતાં જોઈને તાત્કાલિક એમ્બ્યુલન્સને મેં જ બોલાવી હતી. એમ્બ્યુલન્સ આવી અને તેને હોસ્પિટલ મોકલી દીધો હતો. અમુક લોકો રિષભની કાર પાસે રાખેલા પૈસા ઊઠાવી રહ્યા હતા, તો હરિયાણા ડિપોની બસના કંડેક્ટરે પૈસા ભેગા કરીને રિષભની પાસે રાખી દીધા હતા.’

થ્રી લેનનો રસ્તો અચાનક સિંગલ લેનની થઈ ગઈ
ડૉ. રવીન્દ્ર સિંહ અકસ્માત સમયે ચાલવા નીકળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘ઘટના વખતે કારની સ્પીડ અંદાજે 150 કિમી પ્રતિ કલાક રહી હશે. જ્યારે અકસ્માત થયો હતો, ત્યારે રસ્તામાં ઘણા ખાડા હતા. થ્રી લેનનો રસ્તો આગળ વધીને વન લેનની થઈ ગઈ હતી. તેવામાં ખાડામાંથી કાર ઊછળીને ડિવાઇડરથી ટકરાઈ હતી, અને પછી પોલ સાથે ટકરાઈ હતી. પૂરી રીતે બેકાબૂ થઈ ગયેલી મર્સિડીઝ રસ્તાની બીજી સાઇડ પર હરિયાણા ડિપોની બસની સાથે ટકરાઈ હતી. આ પછી કાર હાઈવે પર અંદાજે 200 મીટર સુધી ઘસડાઈ હતી અને તેમાં આગ લાગી ગઈ હતી.’

કાર લગભગ 5 ફૂટ ઊછળી હતી
રિષભ પંતની કારની સ્પીડ વધુ હોવાને કારણે તે કાર પર કાબૂ રાખી શક્યો નહોતો. ડિવાઇડર સાથે અથડાતાં કાર લગભગ 5થી 6 ફૂટ ઊછળીને રોડની બીજી બાજુના અન્ય ડિવાઇડર સાથે અથડાઈ હતી. હરિયાણા રોડવેઝની બસ હરિદ્વાર રૂટ પર આવી રહી હતી, જેને હળવી ટક્કર મારી હતી. હરિયાણા રોડવેઝ બસના ડ્રાઈવરે બ્રેક લગાવી અને વાહન રોકી દીધું હતું. બસમાં સવાર તમામ સહ-યાત્રીઓ નીચે ઉતરી ગયા હતા અને ડ્રાઈવર પણ નીચે ઉતરી ગયો હતો.

પૈસાથી ભરેલી બેગ બહાર કાઢી તો નોટ આમથી તેમ પડી હતી
એવું જણાવવામાં આવી રહ્યું છે કે રિષભ પંતે જાતે જ કારમાંથી બહાર નીકળીને તેણે પોતાની પૈસાથી ભરેલી બેગ કાઢી હતી. જેવી તેણે પોતાની બેગ બહાર કાઢી કે અમુક નોટ રસ્તા પર આમથી તેમ પડી ગઈ હતી. હરિયાણા રોડવેઝના ડ્રાઈવરે નોટ ભેગી કરીને રિષભ પંતને દઈ દીધી હતી. આ પછી એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.