કઠીન સંજોગોમાં કોરોનાના દર્દીઓ માટે પલ્લવીબેનનું કામ જોઈને સલામ કરવાનું થશે મન

હાહાકારી કોરોનાની મહામારી વચ્ચે આપણાં ડોક્ટર્સ અને નર્સ પણ લડી રહ્યા છે. તેઓ પોતાનો જીવ જોખમમાં મુકીને દર્દીઓના જીવ બચાવી રહ્યા છે. જેમાં એવી નર્સ પણ છે કે જે ગર્ભવતી છે અને પહેલીવાર માતા બનવાની છે. છતાં પોતાની કે બાળકની ચિંતા કર્યા વિના ફરજને પ્રાધાન્ય આપી રહી છે. આવા જ એક નર્સ છે વડોદરાના પલ્લવીબેન પ્રજાપતિ. જેમને હાલ આઠમો મહિનો ચાલી રહ્યો છે. લગ્નના સાત વર્ષ બાદ તેઓ માતૃત્વ ધારણ કરવાના છે. આ સ્થિતિમાં પણ કોરોનાના દર્દીઓ માટે તેઓ જે કાર્ય કરી રહ્યા છે તે જાણીને તમને સલામ કરવાનું મન થશે.

ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ કોરોનાના કહેર વચ્ચે પલ્લવીબેન કપરાં અને કઠીન સંજોગોમાં પણ ફરજને પ્રાથમિકતા આપી રહ્યા છે. વડોદરા શહેરના સમા વિસ્તારની ઉત્તર ઝોનની વોર્ડ નં- 8 ની અર્બન હેલ્થ સેન્ટરની કચેરીમાં નર્સ તરીકે ફરજ બજાવતાં પલ્લવીબેન હાલ ગર્ભવતી છે અને તેમને આઠમો મહિનો ચાલી રહ્યો છે. આવા સમયે પણ જોખમી એવા કોવિડ કેર સેન્ટરમાં નિષ્ઠાથી ફરજ બજાવે છે.

ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પલ્લવીબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હું જે સ્થળે નર્સ તરીકે કામ કરું છું ત્યાં મહામારીના દર્દીઓની સારવાર કરવી એ મારી ફરજ છે. એટલે કે હું કોરોના વોરિયર તરીકે નિષ્ઠાથી ફરજ નિભાવું છું. મારા લગ્ન જીવનમાં સાત વર્ષે પારણું બંધાવાનો રૂડો અવસર આવ્યો છે. એક બાજુ મને મારી અને મારા આવનારા બાળકની ચિંતા તો થાય છે. પણ અહીં ફરજ પરના ડોક્ટર અને સાથી સ્ટાફ મારી પુરતી કાળજી લે છે. તેથી હું મારી જાતનો અને મારા બાળકની સારી સંભાળ રાખીને આવનારા દર્દીઓની સારવારમાં સાથ આપી રહી છું. જ્યાં પ્રસુતિનો દિવસ નજીક ન આવે ત્યાં સુધી નોકરી પર આવવાની કોશિશ કરીશ.

પલ્લવીબેનની ફરજપરસ્તી જોઇને સ્થાનિકો જણાવે છે કે કોરોના સંક્રમણના કપરા સમયે પણ આવી પરિસ્થિતિમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે એ અમારા માટે ગર્વ અને રાહતની બાબત છે. પોતાને આઠ માસનો ગર્ભ હોવા છતાં પણ પોતાની ચિંતા કર્યા વગર નર્સ તરીકે ફરજ બજાવવી એ કોઈ મોટા બલિદાનથી ઓછું નથી. પલ્લવીબેન કહે છે કે, ભલે હું અત્યારે સગર્ભા હોઉ અને પેટમાં આઠ માસનો ગર્ભ હોય, પરંતુ આવા કપરા કાળમાં રાષ્ટ્રની સેવા કરવાનો મને અનેરો આનંદ મળી રહ્યો છે. આવા કોરોના વોરિયર્સને સો સો સલામ.