ટેક્સ ચોરીના પૈસા બોનેટમાં ભર્યાં ને રસ્તા વચ્ચે લાગી એન્જિનમાં આગ ને થયો રૂપિયાનો વરસાદ!

એમપીના સિવની-નાગપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર રવિવારની રાતે ગજબ નજારો જોવા મળ્યો હતો. સિવની જિલ્લાની બનહાની ગામના લોકોએ જોયું કે, 500 રૂપિયાની સળગેલી નોટ એક કારમાંથી ઉડી રહી હતી. આ ઘટના અંગે કોઈએ પોલીસને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, કારના એન્જીનમાંથી ધૂમાડો નિકળી રહ્યો હતો તો કારમાં સવાર લોકોએ ઉતરીને બોનેટ ખોલીને ચેક કર્યું ત્યારે સળગતી નોટો ઉડીને રસ્તા પર ઉડવા લાગી હતી.

સિવની જિલ્લા પોલીસે આ મામલે ઉત્તર પ્રદેશના ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 1.74 કરોડ રૂપિયા મળ્યા હતાં. આ આરોપીઓનો દાવો હતો કે, તેઓ લગભગ બે કરોડ રૂપિયા બોનેટમાં સંતાડીને લઈ જઈ રહ્યાં હતાં.

કુરાઈ પોલીસ સ્ટેશનના એસએચઓ મનોજ ગુપ્તાએ સમગ્ર ઘટના જણાવી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, કારમાં સવાર લોકો કરેન્સી નોટો બોનેટમાં સંતાડીને લઈ જઈ રહ્યાં હતાં. રસ્તામાં પોલીસનું કોઈ ચેકિંગ હોય તો પોલીસને ખ્યાલ ન આવે એ માટે કરોડો રૂપિયા બોનેટમાં સંતાડ્યા હતાં. પરંતુ ગરમ થતાં એન્જીનમાં આગ લાગી હતી જેના કારણે કારને ઉભી રાખીને બોનેટ ખોલીને ચેક કર્યું તો સળગેલી નોટો પવનના કારણે રસ્તામાં ઉડવા લાગી હતી. આ જોઈને સ્થાનિક લોકોએ પોલીસને આ ઘટના અંગે જાણકારી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ કારમાં સવાર લોકો ફરાર થઈ ગયા હતાં પરંતુ તેમને હાઈવે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યા હતાં. સ્થાનિક લોકોમાંથી કોઈ વ્યક્તિએ કારનો રજિસ્ટ્રેશન નંબર નોટ કરી લીધો હતો.

ઈનોવા કારનું રજિસ્ટ્રેશન નંબર મુંબઈનો હતો. પોલીસે ત્રણેય આરોપીની ઓળખ કરી લીધી છે જે તમામ ઉત્તર પ્રદેશના વતની છે. જેમાં બે જૌનપુરના રહેવાસી છે સુનીલ અને ન્યાસ જ્યારે ત્રીજો આરોપી ઓઝમગઢના હરિઓમનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સમગ્ર ઘટના અંગે હાલ તપાસ કરી રહી છે. આરોપીઓના જણાવ્યા પ્રમાણે, આટલા બધાં રૂપિયા સોનાના દાગીના ખરીદવા માટે વારાણસીથી મુંબઈ લઈ જઈ રહ્યાં હતાં. તેમનો પ્લાન આ રૂટથી જ પરત કાર લઈને આવવાનો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓએ દાવો કર્યો કે, ટેક્સ બચાવવા માટે આવું કર્યું હતું અને બધાં જ રૂપિયા વારાણસીના ઝવેરીના છે. વારાણસીમાં ઝવેરીને શોધવા અને મુંબઈમાં આ રકમ કઈ જગ્યાએ જવાનું હતું તેને લઈને પોલીસ હાલ તપાસ કરી રહી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ આરોપીઓનો સંબંધ હવાલા નેટવર્ક સાથે તો નથી ને.