અરૂણાચલ પ્રદેશમાં બોલેરો ગાડી ઉંડી ખીણમાં પડતાં સૌરાષ્ટ્રનો જવાન થયો શહીદ

તાલાલા: છેલ્લા ઘણાં દિવસોથી દેશની સીમાઓ પર હલચલ જોવા મળી રહે છે ત્યારે દેશની સીમાઓની રક્ષા કરનાર સૌરાષ્ટ્રના સિદ્દી બાદશાહ ફોજી જવાન ઈમરાન સાયલીની બોલેરો કાર ખાઈમાં પડવાના કારણે તેઓ શહીદ થયા હતાં. આ સમાચારની જાણ થતાં જ પરિવારજનોમાં સન્નાટો છવાઈ ગયો હતો. શહીદ જવાનનો મૃતદેહ અરૂણાચલથી માદરે વતન તાલાલા લાવવામાં આવ્યો હતો ત્યાર બાદ પરિવારજનો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતાં અને લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં.

તાલાલાના સિદી બાદશાહ ફોજી જવાન ઇમરાનભાઈ સાયલીનો મૃતદેહ અરુણાચલથી માદરે વતન તાલાલા લાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સન્માન સાથે શહીદ જવાનને અંતિમ વિદાય આપવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મહત્વનું એ છે કે, 29 નવેમ્બરે અરુણાચલ પ્રદેશની સરહદ પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન સરહદ પાસેની 10 કિ.મી. ઉંડી ખીણમાં બોલેરો ગાડી પડી જતાં જવાન ઘટનાસ્થળે જ શહીદ થયા હતા.

તાલાલા શહેરમાં રહેતા અને અરુણાચલ પ્રદેશ ખાતે આર્મીમાં ફરજ બજાવતા શહીદ વીર ઈમરાનભાઈ સાયલી નામના ફોજીની બોલેરો અરુણાચલ પ્રદેશમાં ખાઈ પડી જતાં જવાન શહીદ થયા હતા. તેઓ 13 વર્ષથી આર્મીમાં સેવા આપી રહ્યાં હતા. જેમનો મૃતદેહ હેલિકોપ્ટર મારફતે પહેલા જૂનાગઢ અને ત્યારબાદ બાય રોડ માદરે વતન તાલાલા લઈ જવામાં આવ્યો હતો.

શહીદ ઈમરાન સાયલીને તાલાલાવાસીઓએ ભવ્ય રીતે સન્માન આપ્યું હતું ત્યાર બાદ તેમના ઘરે મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર તાલાલા પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. રાષ્ટ્રીય સન્માનની સાથે જવાનની દફનવિધિ કરવામાં આવી હતી.

તાલાલામાં યુવાનો અને સંસ્થાઓ દ્વારા મુખ્ય માર્ગો પર બેનરો લગાવવામાં આવ્યાં હતાં. તાલાલાના વેપારીઓએ સજ્જડ બંધ પાળી જવાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શહીદ જવાનની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

શહીદ વીર ઈમરાન સાયલીના પિતા કાળુભાઇ સાયલીએ જણાવ્યું હતું કે, મારો દીકરો દેશની સુરક્ષા કરતો હતો અને તે શહીદ થયો છે. હજુ પણ દેશ માટે મરી મિટવા મારા દીકરાઓ છે. તાલાલા ખાતે શહીદ ફોજીનો જનાજો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ‘વંદે માતરમ્’ તેમજ ‘ભારત માતા કી જય’ના નારાથી તાલાલા ગુંજી ઉઠ્યું હતું.