સુપરપાવર અમેરિકામાં પાણીની તંગી, જનતા બરફ ઉકાળી ઉકાળીને પી રહી છે પાણી

અમેરિકાનાં ટેક્સાસના લગભગ 1.4 કરોડ લોકો પાણીના સંકટનો સામનો કરી રહ્યા છે. 10-11 ફેબ્રુઆરીએ રાજ્યમાં આવેલા બર્ફીલા તોફાનને કારણે વીજળીના ગ્રિડ્સ પણ નિષ્ફળ ગયા હતા, જેના કારણે લાખો લોકોને ઘણા દિવસો સુધી અંધકારમાં અને હીટર વગર રહેવું પડ્યું હતું. કડકડતી ઠંડીના કારણે પાણી પુરવઠાની પાઈપો ફાટી ગઈ હતી જેના કારણે લોકોને પાણી વિના જીવવું પડ્યું હતું.

ડેઇલી મેઇલના રિપોર્ટ મુજબ, પાણીનો પુરવઠો નહીં હોવાને કારણે ઘણા લોકો બરફ એકત્ર કરીને અને બરફ ગરમ કર્યો અને ત્યારબાદ તે જ પાણીથી કામ ચલાવ્યુ હતુ. ઘણા લોકો બોટલ બંધ પાણી ઉપર પણ આધારીત હતા. હ્યુસ્ટનના એક સ્ટેડિયમની બહાર સેંકડો લોકોની લાઇન જોવા મળી હતી, જે પાણીની બોટલ લેવા માટે પહોંચ્યા હતા.

જણાવી દઈએ કે અમેરિકાના ટેક્સાસ રાજ્યની કુલ વસ્તી 2.9 કરોડ છે અને આમાંથી લગભગ અડધા લોકોને પાણીના સંકટનો સામનો કરવો પડે છે. અહેવાલ મુજબ, રાજ્યના મોટા ભાગમાં 5 દિવસ વીજળી નિષ્ફળતા બાદ તમામ વીજ પ્લાન્ટ કાર્યરત થઈ ગયા છે. પરંતુ શુક્રવાર સવાર સુધી લગભગ 2 લાખ મકાનોમાં વીજળીનો સપ્લાય શરૂ થઈ શક્યો ન હતો.

ગુરુવારે બપોર સુધીમાં, ટેક્સાસમાં એક હજાર જેટલી પબ્લિક વોટર સિસ્ટમ અને રાજ્યની લગભગ 177 કાઉન્ટીઓમાં પાણી પુરવઠામાં સમસ્યા હતી. વીજળીનો પુરવઠો શરૂ થયા પછી પાણીની સપ્લાય પણ ટૂંક સમયમાં શરૂ થશે તેવી અપેક્ષા છે.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જે લોકો બરફ ગરમ કરીને પાણીનો વપરાશ કરી રહ્યા છે, તેઓને જોખમ થઈ શકે છે. તો, કેટલાક લોકો બર્ફીલા વાવાઝોડાને કારણે ઘર છોડીને જતા રહ્યા હતા.

પરંતુ પાછા આવતાં તેઓને ખબર પડી કે મકાનની સીલિંગ તૂટી ગઈ છે કારણ કે, રેકોર્ડ નીચા તાપમાનને કારણે ઘરોમાં હાજર પાણીના પાઈપો ફાટી ગઈ હતી. ટેક્સાસમાં પણ બર્ફીલા તોફાનને કારણે લગભગ 50 લોકોનાં મોત નીપજ્યાં છે.