ધ્રાંગધ્રા પાસે ST બસ અને કાર વચ્ચે જબરદસ્ત અકસ્માત, 4 લોકોનાં કમકમટીભર્યાં મોત

અમદાવાદ: ગુજરાતમાં એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. ત્યારે રવિવારે એક-બે નહીં પણ ત્રણ અકસ્માતો સર્જાયો હતાં. આ 3 અકસ્માતોમાં કુલ 8 લોકોનાં મોત નિપજ્યાં હતાં. ત્યારે અમદાવાદ-કચ્છ હાઈવે પર આવેલા ધ્રાંગધ્રા પાસે એસટી બસ અને કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં. અકસ્માત બાદ કારના કૂરચે કૂરચાં ઉડી ગયા હતાં જ્યારે બચાવવા લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતાં. આ ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

રવિવારે અમદાવાદ-કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ નજીક ઝડપી આવી રહેલી એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ભુક્કા બોલી ગયા હતાં. કારમાં સવાર 3 યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે 1નું સારવાર દરમિયાન મોત થયું હતું. કારના પતરા ચીરી મૃતદેહો બહાર કઢાયા હતાં. અકસ્માતની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં અને તાત્કાલિક બચાવકાગીરી કવા લાગ્યા હતાં અને ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતાં.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ-કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પર એસટી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર ચાર લોકોનાં મોત નિપજ્યા હતાં. કારમાં સવાર યુવકોને બચાવવા માટે સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરીને 108ને બોલાવી હતી. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.

પોલીસને ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. તાત્કાલીક ઈજાગ્રસ્તોને 108 દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. આ ઘટના ધ્રાંગધ્રા બાયપાસ પાસે ઉમિયા ભવાની હોટલ પાસે સર્જાયો હતો.

આ અકસ્માત ધ્રાંગધ્રા બાયપાસ પાસે આવેલી ઉમિયા ભવાની હોટલ પાસે થયો હતો. કારમાં ફસાયેલા મૃતકોને કટર વડે પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતાં. ધ્રાંગધ્રા પોલીસ અંદાજે 3 કલાકની ભારે જહેમત બાદ ટ્રાફિક ફરી ધમધમતો કર્યો હતો. આ ગોઝારા અકસ્માતની ઘટનાથી સમગ્ર પથંકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

મૃતકોના નામ
​​​​​​​1.) વિપુલ ભાઈ ગોવિંદભાઈ વાઢેર 2.) રમેશભાઈ તળશીભાઇ રેવર 3.) દીપકભાઈ ટોકર ભાઈ રાઠોડ 4.) દલપત ભાઈ મોતીભાઈ જાદવનું મોત નિપજ્યું હતું.