પત્ની ને સાસરિયાના ત્રાસથી ડોક્ટરે જાતે જ ઝેરનું ઇન્જેક્શન લઈને કરી આત્મહત્યા

ગ્વાલિયરઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રેલવેમાં ડોક્ટરે પોતાની પત્ની, ડોક્ટર સસરા તથા સાળીથી કંટાળીને જાતે જ ઝેરી ઇન્જેક્શન લગાવ્યું હતું. ડોક્ટરે હોસ્પિટલમાં ચાર પેજની સુસાઇડ નોટ લખી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે હાથ-પગ જોડ્યા, પરંતુ તમે લોકોએ એક વાત ના માની. તેની વિરુદ્ધ દહેજ તથા મારપીટનો ખોટો કેસ કર્યો. હવે તે આ દુઃખ સહન કરી શકે તેમ નથી. તમારા લોકોને કારણે મમ્મી પણ તેની સાથે આવી શકે તેમ નથી.

ગ્વાલિય સિટી સેન્ટર પટેલ નગરમાં રહેતા ડોક્ટર ગૌરવ કુમાર ગુપ્તા રેલવેમાં હતા. તે રેલવે હોસ્પિટલની જવાબદારી સંભાળતા હતા. કંપુ સ્થિત પ્રતાપ નર્સિંગ હોમના સંચાલક તથા ડોક્ટર મહેન્દ્ર તેમના જૂના મિત્ર હતા. ડોક્ટર ગૌરવ સોમવાર, 30 ઓગસ્ટની રાત્રે ડોક્ટર મહેન્દ્રની પાસે ગયા હતા. તબિયત ઠીક ના હોવાની વાત કરીને રાત ત્યાં રોકાવાનું કહ્યું હતું. મહેન્દ્રે પોતાના નર્સિંગ હોમનો એક રૂમ આપ્યો હતો અને ઘરે જતા રહ્યાં હતાં. બીજા દિવસે બપોરે જ્યારે તે પરત આવ્યા તો ડોક્ટર ગૌરવ બેડ પર ચિત્તાપાટ સૂતા હતા. બેડ પર જ એ સીરિંજ તથા ઇન્જેક્શન હતું. ગૌરવને તપાસીને જોયું તો તે જીવિત નહોતા. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે ફોરેન્સિક એક્સપર્ટ અખિલેશ ભાર્ગવ પાસે જગ્યાની તપાસ કરાવી હતી. પોલીસને મૃતક પાસેથી ચાર પેજની સુસાઇડ નોટ મળી હતી. નોટમાં પત્ની શૈલી, સસરા ડોક્ટર એમ એલ ગુપ્તા તથા સાળી નેહા હેરાન કરતી હોવાની વાત લખવામાં આવી હતી. દહેજના ખોટા કેસમાં ફસાવીને જીવન બરબાદ કર્યું હોવાનો ઉલ્લેખ હતો. પોલીસે પોસ્મોર્ટમ કરાવ્યું હતું. હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે.

ડોક્ટર ગૌરવની સુસાઇડ નોટ અંગ્રેજીમાં લખેલી હતી. આ નોટમાં કહેવામાં આવ્યું હતું, ‘હું તમારે પગે પડ્યો, આજીજી કરી, પરંતુ તમે માન્યા નહીં. મારા વિરુદ્ધ દહેજ તથા મારપીટનો ખોટો કેસ કર્યો. નેહા (સાળી) તથા તેના પતિને એપ્રિલમાં કોરોના થયો તો હું મારા ગાડી તેમને નોઇડાથી લઈને અહીંયા લાવ્યો હતો.

નેહાના પતિને અપોલો હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, નેહા અને તેના બાળકોને ઘરમાં રાખ્યા. પૈસા ખર્ચ્યા. બદલામાં તમે લોકોએ મારા વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. મારી પાસે મોબાઇલમાં કેટલાંક ફુટેજ છે. હવે હું આ દુઃખ સહન કરી શકું તેમ નથી. તમારા ચક્કરમાં રિટાયર્ડ થયા બાદ પણ મારી મમ્મી મારી સાથે રહી શકતી નથી.’