20 વર્ષની સ્વરૂપવાન છોકરી દેખાડી લગ્ન નક્કી કર્યા, દુલ્હા સામે 50 વર્ષની વૃદ્ધાને મેક-અપ કરી ઉભી કરી દીધી

લગ્નના નામે ઠગાઈનો અનોખો મામલો સામે આવ્યો છે. લગ્ન ઈચ્છુક યુવકને 20 વર્ષની છોકરી દેખાડી તેની પાસે લગ્ન માટે 30 હજાર રૂપિયા માંગ્યા હતા. સ્વરૂપવાન યુવતીને જોઈને યુવકે લગ્ન માટે હા પાડી હતી. જ્યારે લગ્ન વખતે મંડપમાં જેવી દુલ્હનની એન્ટ્રી થઈ દુલ્હાના હોંશ ઉડી ગયા હતા. 20 વર્ષની સ્વરૂપવાન યુવતીની જગ્યાએ 45 વર્ષની મહિલાને મેકએપ કરીને ઉભી રાખી દીધી હતી. દુલ્હો મંડપ છોડી માતા સાથે સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. (તસવીરમાં યુવક અને તેની માતા પોલીસ સ્ટેશનમાં નજરે પડે છે.

આ અજીબોગરીબ મામાલો ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લાનો છે. અહીંના વિજયપુરામાં રહેતા શત્રુઘ્ન સિંહ નામના યુવકના લગ્ન એક 20 વર્ષની યુવતી સાથે નક્કી થયા હતા. દુલ્હા શત્રુઘ્ન સિંહે જણાવ્યું હતું કે 19 ઑગસ્ટના રોજ લાલપુરા સ્થિત નીલકંઠ મંદિરમાં તેને લગ્ન માટે એક યુવતી દેખાડવામાં આવી હતી. યુવતી પસંદ આવતાં તેણે 1 હજાર રૂપિયા અને મિઠાઈ આપી હતી. ત્યાર બાદ છોકરીવાળાને 30 હજાર રૂપિયા પણ આપ્યા હતા. શુક્રવારે કાલી માતાના મંદિરમાં લગ્ન કરવાનું નક્કી થયુ હતું.

શત્રુઘ્ન સિંહે જણાવ્યું હતું કે નક્કી થયા મુજબ તે પરિવાર સાથે લગ્ન કરવા માટે મંદિર પહોંચ્યો હતો. મંડપમાં બેઠેલા દુલ્હાએ દુલ્હનને જોઈ તો તેના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. તેને જે 20 વર્ષની છોકરી દેખાડવામાં આવી હતી તેની જગ્યાએ 45 વર્ષની મહિલાને તૈયાર કરીને ઉભી રાખી દીધી હતી. જેથી તેણે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

દુલ્હાએ આરોપ મૂક્યો હતો કે જ્યારે અમે લગ્નની મનાઈ કરી તો છોકરીવાળા અમારી સાથે ઝગડવા લાગ્યા હતા. અમે છોકરીવાળા પાસે અમારા 30 હજાર રૂપિયા પાછા માગ્યા હતા. જેથી છોકરીવાળાએ ઉશ્કેરાઈને અમને જીવથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા.

બનાવ સ્થળે માહોલ બગડતા દુલ્હો તેની માતા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. દુલ્હાએ તહરીર ગામના બે લોકો સામે અરજી આપી છે. દુલ્હાનું કહેવું છે પોલીસ મારા પૈસા પાછા અપાવે અને ઠગાઈ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરે. પોલીસે જણાવ્યું હતું કે યુવકની અરજી પરથી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.