કરોડપતિ બિઝનેસમેનના દીકરા-દીકરીના હતા લગ્ન, પણ એક એવી વસ્તુ બની કે બધા ચોંકી ગયા

સુરત: હવે લગ્ન એટલે ભભકો કરી એકબીજાને આંજી દેવાનો પ્રસંગ વધુ બનતો જાય છે. લગ્નમાં દેખાદેખીમાં લોકો લાખો રૂપિયાનો ખર્ચો કરી રહ્યા છે, ત્યારે બે વર્ષ પહેલાં સુરતમાં યોજાયેલા એક લગ્નએ સમાજને રાહ ચિંધી હતી. સુરતના પ્રખ્યાત બિઝનેસમેન સવજીભાઈ વેકિરિયાએ તેમના દીકરા અને દીકરાના લગ્ન એકદમ સાદાઈથી કર્યા હતા. એટલું જ નહીં તેમણે દીકરીને કરિયાવરમાં તેની ઉંચાઈ જેટલાં પુસ્તકો આપ્યા હતા. તેમજ પુત્રવધૂને છાબમાં પુસ્તકો આપ્યા હતા. એટલું જ નહીં પાંચ સેવાભાવી સંસ્થાઓને 21-21 હજાર રૂપિયાનું દાન પણ આપ્યું હતું.

કરોડપતિ બિઝનેસમેન સવજીભાઈ વેકરિયાએ બિનજરૂરી ખર્ચ અને દેખાડો ન કરીને દીકરા સિધ્ધાંત અને દીકરી સુભદ્રાના આર્ય સમાજની વિધીથી લગ્ન કર્યા હતા. એટલું જ નહીં લગ્નમાં કોઈ પ્રકારનો ઝાકમજોળ કે દેખાદેખી નહોતી. ફટાકડા કે વરઘોડો પણ નહોતો.

લગ્નની છાબમાં સોના-ચાંદીના ઘરેણાંની જગ્યાએ દીકરી અને વહુની ઉંચાઈ જેટલાં પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં હતા, આ સાથે શહેરની પાંચ જેટલી સેવાભાવી સંસ્થાઓને રૂ.21-21 હજારનું દાન આપવામાં આવ્યું હતું.

સમાજમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં દર વર્ષે 500થી વધુ સમૂહ લગ્નનું આયોજન કરી સાદગીનો રાહ ચીંધનાર સવજીભાઈએ જ્યારે પોતાના ઘરે પ્રસંગ આવ્યો ત્યારે પણ સાદગીની એ જ ભાવના જાળવી રાખી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં સવજી વેકરિયાએ જણાવ્યું હતું કે લગ્ન સમારોહ પાછળ થતો મોટા બિનજરૂરી આર્થિક ખર્ચની જગ્યાએ સમાજ માટે કશું સારું શુ કરી શકાય તે માટે વિચારમંથન પરિવાર સાથે ચાલુ હતો. દીકરીને તેમની ઉંચાઈ જેટલા જ પુસ્તકો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે સેવાભાવી સંસ્થાઓને સારા કાર્ય માટે પ્રોત્સાહન બળ પૂરુ પાડવા માટે રૂ.21 હજારનું દાન કરવામાં આવ્યું હતું.

મુળ અમેરેલીના રફાળા ગામના અને હાલ સુરત સ્થિત બિઝનેસમેન સવજીભાઈ વેકરિયા તેની સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા છે. તેમણે તેમના દીકરા અને દીકરીના લગ્ન એકદમ સાદાઈથી કરી સૌ કોઈને ચોંકાવી દીધા હતા. આર્યસમાજની વિધી મુજબ વૈદિક પરંપરાથી થયેલા લગ્નમાં માત્ર નજીકના સ્નેહજનોને આમંત્રિત કરાયા હતા. સવજીભાઈ વેકરિયાએ આ લગ્ન દ્વારા સમાજમાં ખોટા ખર્ચા બચાવવાનો સંદેશ પહોંચાડ્યો છે. એટલું જ નહીં વરરજાએ સુરતની સ્કૂલમાં જઈને બાળકોને 125 વૃક્ષોના છોડનું વિતરણ કર્યું હતું.

સવજીભાઈ વેકરિયા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ પણ છે. તેમણે બે વર્ષ પહેલાં પોતાના મૂળ વતન રફાળા ગામની કાયાપલટ કરી હતી. વેકરિયાએ 20 વર્ષ પહેલાં સેવેલું સપનું સાકાર કરવા રફાળાને ‘ગોલ્ડન વિલેજ’ બનાવ્યું હતું. સવજીભાઈ વેકરિયાએ સરકારની આર્થિક મદદ વિના ‘ગોલ્ડન વિલેજ’વિકસાવ્યું હતું. ગામમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ ખૂણે-ખૂણે દેખાય જ છે અને સાથે તમામ આધુનિક સુવિધાઓ પણ વિકસવવામાં આવી છે.