અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે સુરતીઓએ કર્યો પૈસાનો વરસાદ, આ બે ઉદ્યોગપતિએ આપ્યું કરોડોનું દાન

સુરત: આજથી અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણ માટે નિધિ સર્મપણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે સુરતના ડાયમંડના વેપારી ગોવિદભાઈ ધોળકિયાએ 11 કરોડ રૂપિાયાનું દાન આપ્યું હતું. આ ઉપરાંત સુરતના મહેશ કબુતરવાલાએ 5 કરોડ જ્યારે લવજી બાદશાહે 1 કરોડ રૂપિયા દાન આપ્યું હતું. આ ઉપરાંત અન્ય વેપારીઓએ 5 લાખથી લઈને 21 લાખ સુધીનું દાન આપ્યું હતું. મહત્વની વાત એ છે કે, ભાજપના નેતા ગોરધન ઝડફિયા અને ખજાનચી સુરેન્દ્ર પટેલે પણ 5 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.

મહત્વની વાત એ છે કે, રામનાથ કોવિંદે સૌ પહેલા પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એક લાખ રૂપિયાનું દાન આપ્યુ હતું. પરંતુ આ બધાંની વચ્ચે ગુજરાતીઓએ મન મુકીને પૈસાનો વરસાદ કર્યો હતો અને દીલ ખોલીને દાન કર્યું હતું.

ગોવિંદભાઈ ધોળકિયા સુરતના જાણીતા ડાયમંડના વેપારી છે. ગોવિંદભાઈ રાધાકૃષ્ણ ડાયમંડના માલિક છે અને વર્ષોથી આરઆરએસ સાથે જોડાયેલા છે. તેઓ વર્ષ 1992થી સક્રિય રીતે જોડાયેલા છે. ત્યારે આજે પણ તેમણે રામ મંદિર બનાવવા માટે કરોડો રૂપિયાનું દાન કર્યું હતું.

આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી માધવ પ્રિયદાસજી દ્વારા મંદિરના નિર્માણ કાર્ય માટે 51 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. શંકરભાઇ પટેલે 51 લાખ અને દિલીપભાઇ પટેલે 21 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. ધારાસભ્ય બાબુ જમના પટેલે 11 લાખ રૂપિયાનું દાન કર્યું છે.

રામ મંદિર માટે ભંડોળ એકત્રિત કરવાનું અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પાંચ લાખથી વધુ ગામડાંઓમાં બાર કરોડથી વધુ પરિવારોનો સીધો સંપર્ક કરવામાં આવશે અને ભંડોળ એકત્રિત થશે. ભંડોળ એકત્રિત કરવાનું અભિયાન 27મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન 10 રૂપિયા, 100 રૂપિયા અને 1000 રૂપિયાની કૂપન હશે. 2000 રૂપિયાથી વધુનો ફાળો આપનારને રસીદ અપાશે. આ ભંડોળના માધ્યમથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણના નિધિ સમર્પણ અભિયાનનો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ અભિયાનના શરૂઆત થતા જ દાનનો વરસાદ થયો હતો. નિધિ સમર્પણ અભિયાન 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી યોજાશે. પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે આવી દાન આપ્યું હતું. ભવ્ય મંદિર નિર્માણ અભિયાનના 30 કાર્યક્રમો ઉતર ગુજરાત પ્રાંતમાં યોજાશે.