સુરતની મહિલા ખાસ સાડી પહેરીને રોડ પર નીકળી, 6 મીટરની આવી 1000 પ્રિન્ટેડ સાડીનો આપ્યો ઓર્ડર

ગાંધી પરિવાર માટે કૉંગ્રેસના નેતાઓમાં કેટલો પ્રેમ છે તેનો વધુ એક કિસ્સો જોવા મળ્યો સુરતમાં. એક મહિલાને સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે કૉંગ્રેસમાંથી ટિકિટ મળતા એટલા ખુશ થઈ ગયા કે, ખાસ પ્રિન્ટવાળી સાડી બનાવી. પ્રચાર માટે આ મહિલાએ સોનિયા, પ્રિયંકા અને રાહુલ ગાંધી સાથે પોતાના ફોટાવાળી પ્રિન્ટેડ સાડી તૈયાર કરાવી છે.

કૉંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં ગાંધી પરિવારના માટે એટલો આદર અને માન છે કે તેઓ તેને જાહેરમાં પણ વ્યક્ત કરતા હોય છે. આવા જ કૉંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકર છે સુરતના પારૂલબેન કલ્પેશભાઈ બારોટ. જુના કોસાડ રોડ પર આવેલા સ્વસ્તિક રો હાઉસમાં રહેતા પારૂલબેન ધોરણ 12-પાસ છે.

એક દીકરો અને એક દીકરીની માતા છે. તેમના પતિ કલ્પેશભાઈ 26 વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે. મનપાની ચૂંટણીને લઈ પતિ-પત્ની બન્નેએ ટિકિટની માગ કરી હતી. જેમાં પારૂલબેનને લોટરી લાગી અને 26 વર્ષમાં પહેલી વાર ટિકિટ મળી. ઓબીસી રિઝર્વ મહિલા સીટ આવતા પારૂલબેનને પક્ષે ટિકિટ આપી છે.

હવે તેઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. આ માટે પારૂલબેને 6 મીટરની 1000 પ્રિન્ટેડ સાડી કાર્યકર્તાઓ માટે તૈયાર કરાવી છે. જેમાં સોનિયા, પ્રિયંકા અને રાહુલ ગાંધી સાથે પોતાના ફોટાવાળી પ્રિન્ટેડ સાડી ડિઝાઇન કરી છે.

પારૂલબેન ઉપરાંત તેમના સાથી મહિલા કાર્યકર્તાઓ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પોતાના ફોટા વાળી પ્રિન્ટેડ સાડી પહેરી પ્રચાર કાર્યમાં જોતરાશે. તેમણે રાહુલ ગાંધીના ફોટોવાળી ટી-શર્ટ પણ તૈયાર કરાવી છે. કોંગ્રેસના સિમ્બોલવાળા, વોર્ડના નામ અને ઉમેદવારના ફોટોવાળા બે હજાર માસ્ક પણ બનાવ્યા છે.

આમ તેઓ પોતાની વિરોધી ઉમેદવારને હરાવવા માટે ગાંધી પરિવારના નામે મત માંગશે તે નક્કી છે. પણ તેમનો આ કિમીયો કામ કરશે, મતદારો રીઝાશે કે પછી આ પ્રયોગ નિષ્ફળ સાબિત થશે તેનો ખ્યાલ પરિણામના દિવસે આવી જશે.