સુરત: બિલ્ડીંગની 10 રૂમોમાં ચાલતો હતો દેહવ્યાાપરનો ધંધો, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ

શનિવારે સુરતમાં કડોદરા જી.આઈ.ડી.સી.પોલિસે બાતમી આધારે ડમી ગ્રાહક મોકલી સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામની એક સોસાયટીના બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતાં. જેમાં અન્ય રાજ્યોની યુવતીઓ બોલાવી દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો હતો. પોલિસે પાડેલા દરોડામાં 6 યુવતીઓને આ વ્યવસાયમાંથી મુક્ત કરાવી બે ઈસમોને ડિટેઇન કર્યાં હતા. આ ઉપરાંત મુખ્ય સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે દરોડા પાડયા ત્યારે આસપાસના લોકોના ટોળાં વળ્યાં હતાં.

પોલીસ સુત્રો પ્રમાણે, શનિવાર બપોરે કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશનના પી.આઈ.આનંદ બ્રહ્મભટ્ટને અંગત રાહે બાતમી મળી જતી કે, તાંતીથૈયા વિસ્તારમાં આવેલ પ્રથમ પાર્ક સોસાયટીના એક બિલ્ડિંગમાં 10 જેટલી અલગ અલગ રૂમો ભાડે રાખી ભગવાન બહેરા નામનો શખ્સ અન્ય રાજ્યમાંથી યુવતીઓને લાવી દેહવ્યાપારનો ધંધો ચલાવે છે.

આ બાતમી આધારે કડોદરા પી.આઈ.એ વિભાગીય વડાની મંજૂરી મેળવી ડમી ગ્રાહક ઊભા કરી દડોરા પાડ્યા હતાં. જેમાં બે ડમી ગ્રાહકોને તાંતીથૈયા ખાતેના પ્રથમ પાર્ક સોસાયટીમાં આવેલ પ્રતીકભાઈની બિલ્ડિંગના ચોથે માળેની રૂમમાં મોકલવામાં આવતા ત્યાં વ્યવસાઈ સાથે સંકળાયેલા બે જેટલા ઈસમો 6 જેટલી યુવતીઓ સાથે મળી આવ્યા હતા.

પોલીસ તપાસમાં સમગ્ર રેકેટનો સંચાલન ભગવાન બહેરા કરતો હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે ભગવાન બહેરા વિરુદ્ધ ધી.ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી. પોલીસે દરોડા પાડ્યા ત્યારે આસપાસના લોકો સોસાયટીમાં ભેગા થઈ ગયા હતાં.

ભગવાન બહેરાએ તાંતીથૈયા ખાતેની એક બિલ્ડિંગનો ચોથો માળ ભાડે રાખ્યો હતો જેમાં 10 જેટલા એસી અને નોન એસી રૂમો બનાવી તેમાં વિવિધ રાજ્યમાંથી યુવતી લાવી દેહ વ્યાપારમાં ધકેલતો હતો અને ગ્રાહક દીઠ 1000 વસૂલતો હતો જ્યારે ભગવાન બહેરા યુવતીઓને ગ્રાહક દીઠ 500 રૂપિયા ચૂકવતો હતો.