લોકડાઉનમાં આ સુરતીની છૂટી ગઈ નોકરી તો આ રીતે શરૂ કર્યો બિઝનેસ

સુરત: કોરોનાના કારણે માનવજીવન સંપૂર્ણ અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. લોકડાઉનના કારણે મોટો આર્થિક ફટકો પડ્યો છે. લોકડાઉનમાં અને લોકડાઉન બાદ અનેક લોકોએ નોકરી ગુમાવી છે. કરોડોની સંખ્યામાં લોકો બેરોજગાર થયા છે. સુરતના અડાજણમાં રહેતો એક યુવાન છેલ્લા નવ વર્ષથી કતારગામની હીરા કંપનીમાં કામ કરતો હતો.

ચેતન મુંજાણી નામનો આ યુવાન નવા કારીગરોને ટ્રેનિંગ આપતો હતો. કોરોના કાળમાં તેની નોકરી છુટી ગઇ. ચેતનને હીરા સિવાયનું બીજું કોઇ કામ નહોતું આવડતું. જેથી ઘરનું ભાડુ અને ઘર ખર્ચના પણ ફાંફા પડવા લાગ્યા. આ બધાના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો.

ત્યારબાદ તેણે પોતાના ગુરુ અને બીએપીએસના વડા મહંત સ્વામીને પત્ર લખીને પોતાની હાલત અંગે જણાવ્યું. આ પત્રના જવાબમાં મહંત સ્વામીએ ચેતનને ‘અક્ષર વેફર્સ’ના નામે ધંધો શરુ કરવાનું કહ્યું.

આ સાથે સફળતાના આશિર્વાદ પણ આપ્યા હતાં. ચેતનના પરિવારમાં કોઈ પણ વ્યક્તિને વેફરના કામનો અનુભવ નહોતો, આમ છતાં ચેતને વેફરનો ધંધો શરૂ કર્યો છે. હાલમાં ચેતન પોતાની પત્ની સાથે રોડ ઉપર જઈને વેફર વેચવા માટે જાય છે.

ચેતન જાહેર રસ્તા પર વેફર વેચતો જોવા મળ્યો હતો જેની તસવીરો સામે આવી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચેતનના લોકો વખાણ કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે, તારી મહેનત રંગ લાવશે.