જમાઈ જમ બનીને સાસરીમાં જ પત્ની, સાળી અને સસરા પર છરી લઈને તુટી પડ્યો

લોકડાઉન બાદ ગુજરાતમાં હત્યાના બનાવો ધીમે ધીમે વધી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના સરોડી ગામે પત્ની ઘણા સમયથી રીસામણે બેસી હતી. પત્ની રીસામણે બેસી હોવાના કારણે પતિને લાગી આવ્યું હતું જેને કારણે પતિ છરી લઈને સાસરીમાં પહોંચી ગયો હતો. સાસરીમા જ માથાકૂટ થતાં જમાઈએ સાસરિયાઓ પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં સાળી અને સસરાનું મોત નીપજ્યું હતું, જ્યારે જમાઈને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ચોટિલા અને ત્યાર બાદ રાજકોટની હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જમાઈ દ્વારા ડબલ મર્ડરની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પોલીસ સુત્રો પ્રમાણે, મૂળી ગામના હિતેશભાઇ ભરતભાઇ કોરડીયાની પત્ની મીનાબેન રીસામણે હતી. પત્ની એના પિયર સરોડી ગામે હતી. આજે બપોરે 12 વાગ્યાના અરસામાં પતિ હિતેશભાઈ કોરડીયાએ પોતાના સાસરે થાન તાલુકાના સરોડી ગામે પહોંચ્યો હતો જ્યાં સાસરીવાળા અને જમાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં જમાઈ છરી લઈને સાસરીયા પક્ષના સભ્યો ઉપર હુમલો કરવામાં લાગ્યો હતો.

આ બનાવમાં સાળી સોનલબેન દામજીભાઈ ચાવડા અને સસરા દામજીભાઇ હરીભાઇ ચાવડાને પેટના ભાગે છરી વાગતાં લોહિલુહાણ થઈ ગયા હતા ત્યાર બાદ બન્નેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં જોકે વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યાં હતા.

મહત્વની વાત એ છે કે, આરોપી હિતેશ ભરતભાઈ કોરડીયાની પત્ની મીનાબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના સર્જાઈ ત્યારે આસપાસના લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં.

આ ઘટનામાં ખુદ આરોપી હિતેશ કોરડીયાને પણ ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલે લઇ જવાયો હતો જોકે વધુ સારવાર માટે તેને પણ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. થાન પોલિસે ઘટના સ્થળે દોડી જઈ ડબલ મર્ડરનો ગુન્હો નોંધી વધુ તપાસનો શરૂ કરી છે.