સુશાંત સિંહ રાજપૂત આ ગુજરાતી કલાકારના ટિફિનમાંથી ચોરતો હતો થેપલાં, વર્ષો બાદ કો-સ્ટારે કહી આ વાત

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતનો જન્મ 21 જાન્યુઆરી 1986ના રોજ થયો હતો એટલે આજે સુશાંતની જન્મજંયતિ છે. સુશાંત સિંહ રાજપૂત પોતાની માતાના ઘણા નિકટ હતા. 14 જૂને એક્ટરના નિધન બાદ તેના જીવનના ઘણાં એવા કિસ્સા સામે આવી રહ્યાં છે જેની અગાઉ કોઈને ખબર નહોતી. એક્ટરે ટીવી શો ‘પવિત્ર રિશ્તા’ થકી સમગ્ર દેશમાં લોકપ્રિયતા હાંસલ કરી હતી. તેના નિધન બાદના કેસમાં થતા ખુલાસાઓની વચ્ચે ‘પવિત્ર રિશ્તા’ના કો-સ્ટાર જય ઠક્કરે એક પોસ્ટ શેર કરી છે, જેમાં એક્ટરે સુશાંત પોતાની માતાના હાથના ભોજનને મિસ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને આ જ કારણે સુશાંત તેમના ટિફિનમાંથી થેપલા ચોરી લેતા હતા.

જય ઠક્કરે ‘પવિત્ર રિશ્તા’માં સુશાંતના નાના ભાઈનો રોલ કર્યો હતો. એક્ટરના નિધન બાદ તેમને યાદ કરતા જયે એક ઈન્સ્ટા પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે કહ્યું કે,‘બરાબર 11 વર્ષ અગાઉ મે જ્યારે સુશાંત ભાઈના નાના ભાઈનો રોલ પ્લે કર્યો હતો ત્યારે તેઓ મારા ટિફિનમાંથી મમ્મીએ બનાવેલા થેપલા ચોરી લેતા હતા. મારી માતા રોજ મારા ટિફિનમાં ઘરે બનાવેલા થેપલા રાખતા હતા.

પરંતુ ઘણા દિવસ સુધી થેપલા ગાયબ થતા જોઈ મારી માતાએ સેટ પર પ્રશ્ન કર્યો કે- શું કોઈ મારા દીકરાનું ટિફિન ખાય છે, તે સમયે મારી માતા ચિંતિત હતા. એક દિવસ નાઈટ શૂટ દરમિયાન સુશી ભૈયા મારી માતા સામે આવ્યા અને સ્વીકાર્યું કે તેઓ જ થેપલા ખાઈ જતા હતા કારણ કે તેઓ પોતાની માતા અને તેમના હાથના થેપલાને ઘણું મિસ કરતા હતા.’

મારી માતા સુશાંત ભાઈ માટે એક્સ્ટ્રા થેપલા રાખતાઃ જય
આગળ જયે જણાવ્યું કે,‘સુશાંતે થેપલા ચોરીને ખાવા બદલ મારી માતા પાસે માફી માગી હતી. જે પછીથી મારી માતા સુશાંત ભાઈ માટે પણ થેપલા બનાવીને ટિફિનમાં રાખવા લાગી હતી.

સુશાંત ભાઈ સેટ પર મારી માતાને ‘મા’ કહીને જ બોલાવતા હતા. તે ઘણી દુઃખદ ઘટના રહી છે. મારી માતા અને હું તમને ઘણા યાદ કરીએ છીએ સુશાંત ભાઈ. ઓનસ્ક્રિન તમારા નાના ભાઈનો રોલ કરવો એ યાદગાર સમય રહ્યો.’

જૂન 2009માં શરૂ થયેલા શો ‘પવિત્ર રિશ્તા’માં 3 વર્ષ સુધી માનવનો રોલ કરી સુશાંતે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ શો દરમિયાન જ તેને ‘કાઈ પો છે’ ફિલ્મની ઓફર મળી. ફિલ્મી કરિયર માટે સુશાંતે ટીવી શોને હંમેશા માટે અલવિદા કહ્યું અને તે પછી હિતેને તેનું સ્થાન લીધું હતું.