ગળાની સર્જરી બાદ નટુકાકાએ મફલરથી છુપાવ્યા નિશાન, ઉંમર વધી પણ જુસ્સો આજે ય છે બુલંદ

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાની ભૂમિકા ભજવતા ઘનશ્યાામ નાયક 2008થી આ સીરિયલ સાથે જોડાયેલા છે. તેઓ માર્ચ મહિનાથી આ શોથી દૂર રહ્યાં હતાં. કોરોનાને કારણે શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકારી ગાઈડલાઈનને કારણે નટુકાકા શૂટિંગ શરૂ કરી શકે તેમ નહોતા. ત્યારબાદ નટુકાકાને ગળામાં કેન્સરની ગાંઠ થતાં તેઓ સારવાર માટે બ્રેક પર હતા. હવે સાજા થયા બાદ ફરી પાછું નટુકાકાએ શૂટિંગ શરૂ કરી દીધું છે. નટુકાકાએ ગળાનું સર્જરી કરાવી હોવાથી તેમણે મફલરથી ગળું છુપાવીને રાખ્યું હતું, જેથી સર્જરીના નિશાન દેખાય નહીં. જોકે, સર્જરી બાદ નટુકાકા ઘણાં જ વીક લાગી રહ્યાં છે. તેમના હોઠ તથા ચહેરો એકદમ નબળો પડી ગયો હોય તેમ લાગે છે.

સીરિયલના ડિરેક્ટર માલવ રાજડાએ સોશિયલ મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરના માધ્યમથી માલવ રાજડાએ ચાહકોને એ વાતની માહિતી આપી હતી કે નટુકાકા ફરીથી સેટ પર આવી ગયા છે. તસવીરમાં ઘનશ્યામ નાયક શૂટિંગ કરતાં જોવા મળે છે. આ તસવીર સાથે માલવે કહ્યું હતું કે તેઓ પૂરી ટીમ માટે પ્રેરણા સ્ત્રોત છે. બધા જ તેમને ઘણો જ પ્રેમ કરે છે.

વધુમાં માલવે કહ્યું હતું, ‘નટુકાકાની સૌથી મોટી વાત એ છે કે અમે બધા જ તેમને તથા તેમની વાતોને પોતાની સાથે સાંકળી શકીએ છીએ.’ ઉલ્લેખનીય છે કે સીરિયલમાં નટુકાકાનો ફેમસ ડાયલોગ ‘પગાર કબ બઢેગી સેઠજી’ ચાહકોમાં ઘણો જ લોકપ્રિય છે. ઘનશ્યામ નાયક આવતા શુક્રવાર (પાંચ ફેબ્રુઆરી)થી આ શોમાં જોવા મળશે.

ગળામાંથી 8 ગાંઠો કાઢીઃ નટુકાકાનું સપ્ટેમ્બર મહિનાના ફર્સ્ટ વીકમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનમાં નટુકાકાના ગળામાંથી આઠ-આઠ ગાંઠો કાઢવામાં આવી હતી. આ ગાંઠો કેન્સરની હતી અને ત્યારબાદ તેમણે કીમો તથા રેડિયેશનની ટ્રીટમેન્ટ કરાવી હતી. આ સારવારને કારણે નટુકાકા થોડાં વીક થઈ ગયા છે અને તેમનો ચહેરો એકદમ નખાઈ ગયો હોય તેવો લાગે છે. જોકે, નટુકાકા એકદમ સારી રીતે બોલી શકે છે. નટુકાકાને હજી ફિઝિયોથેરપીના કેટલાંક સેશન બાકી છે. જોકે, આ સેશનને કારણે તેમને ઘણો જ આરામ છે.

હાલમાં જ નટુકાકા 50 વર્ષ પછી જામનગર આવ્યા હતા. અહીંયા તેઓ પોતાની માનતા પૂરી કરવા આવ્યા હતા અને ખોડિયાર માતાના દર્શન કર્યાં હતાં. નટુકાકાએ હાલમાં જ વેબ પોર્ટલ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હવે તે એકદમ ઠીક છે અને કામ ફરી વાર ચાલુ કરવા માટે આતુર છે.