ગુજરાતમાં એમ્બ્યુલન્સ ન મળતાં માતા બીમાર દીકરાને આ રીતે લઈને પહોંચી હોસ્પિટલ

રાજકોટ: કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન સામાન્ય વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જરૂરિયાતવાળા જ વાહનોને મંજૂરી આપવામાં આવી છે. જો કે રાજકોટના જેતપુરમાં એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમારું હ્રદય પણ કંપી ઉઠશે. વાત એવી બની કે જેતપુરમાં એક વિધવા માતા પોતાના બીમાર દિકરાને હોસ્પિટલ લઇ જવા માટે લારીની મદદ લેવી પડી હતી.

પહેલા તો તેને એમ્બ્યુલન્સ ન મળી બીજુ તેણીએ લોકોને મદદ માટે અપીલ પણ કરી પરંતુ કોઇ વ્યક્તિની માનવતા જાગી નહી. અંતે માતા પોતાના દિકરાને લારી પર સૂવડાવી બે કિમી ચાલીને હોસ્પિટલ પહોંચી હતી.

લોકડાઉનના કારણે એમ્બ્યુલન્સ ન મળી આથી બાદમાં તેણીએ દિકરાને હાથલારી પર સૂવડાવ્યો અને ધોમધખતી ગરમીમાં ધક્કો મારી હોસ્પિટલ લઇ જવા નીકળી. કહેવામાં આવ્યું કે થોડા દિવસ પહેલા તેના દિકરાનું અકસ્માત થયું હતું. અચાનક દુખાવો વધી ગયો હતો. મહિલાએ એમ્બ્યુલન્સ માટે ટોલ ફ્રી નંબર 108 પર ફોન કર્યો તો જણાવવામાં આવ્યું કે ગાડી જુનાગઢ ગઇ છે.

હોસ્પિટલમાં દર્દીની તપાસ બાદ ડોક્ટર્સે તેને જુનાગઢ રેફર કરી દીધો. હવે મુશ્કેલી એ હતી કે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ તો હતી નહીં તો હવે જુનાગઢ પહોંચવું કેવી રીતે. એટલી આર્થિક સ્થિતિ પણ ન હતી કે વાહન ભાડે કરી શકાય.

મજબૂત માતાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી હોસ્પિટલ કે સરકારી ખાતા દ્વારા કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ માતાની વ્યથા સાંભાળી દરેકની આંખમાં આંસુ આવી જાય છે.

આ ઘટના વાંચીને તમારી આંખમા આસું આવી જશે. આ ઘટના રાજકોટના જેતપુરની છે.