ઘરે બેસીને નિહાળો અટલ ટનલમાં 9 KMની મજાની મુસાફરી, આજે જવાની ઈચ્છા થઈ જશે

શિમલાઃ 9.02 કિ.મી. લાંબી અટલ ટનલ રોહતાંગથી નીકળતા જ ટનલનું નૉર્થ પોર્ટલ પ્રવાસીઓનું પ્રથમ ડેસ્ટિનેશન બની ગયું છે. ચંદ્રા નદી પર બનેલો પુલ અટલ ટનલના નૉર્થ પોર્ટલને મનાલી લેહ હાઈવેથી જોડે છે. અહીંથી જ પ્રવાસીઓ લાહૌલ ખીણના સુંદર કુદરતી દ્રશ્યને નિહાળી શકે છે. જંગલ વગરના પહાડ અને તેમની ઉપરના ભાગે છવાયેલો બરફ દરેક પ્રવાસીઓનું ધ્યાન આકર્ષે છે. નૉર્થ પોર્ટલથી માત્ર 7 કિ.મી.ના અંતરે સુંદર ગામ સિસ્સૂ પહોંચી પ્રવાસીઓ 300 ફૂટ જેટલા ઊંચાઈવાળા વૉટરફોલનો નજારો જોઈ ઘણા ખુશ થાય છે.

સિસ્સૂ ગામની નીચે જ બનાવવામાં આવેલા તળાવમાં બોટિંગની મજા માણી શકાય છે. આ ગામમાં લાહૌલ ખીણના કુળ દેવતા રાજા ઘેપનનું મંદિર પણ છે. સિસ્સૂમાં પ્રવાસીઓના રોકાવવા માટે ઘણી હોટલ બની છે.

અહીંથી લગભગ 15 કિ.મી. દૂર ગોંદલામાં વર્ષો જુનો કિલ્લો પણ આવેલો છે. ગોંદલાથી 14 કિ.મી. આગળ ચંદ્રા અને ભાગા નદીનું પ્રાચીન અને પવિત્ર તાંગા સંગમ છે. અહીં ચંદ્રા અને ભાગા નદી મળીને એક થાય છે. તાંદી સંગમનો ઉલ્લેખ વેદોમાં પણ કરવામા આવ્યો છે. એક માન્યતા અનુસાર અહીં જ દ્રૌપદીએ દેહ ત્યાગ કર્યો હતો.

આ સંગમ હિંદુ અને બૌદ્ધ બંને ધર્મના અનુયાયીઓ માટે ગંગા સમાન પવિત્ર છે. સંગમમાં મૃતકોની અસ્થિઓનું વિસર્જન કરવાની ધાર્મિક પરંપરા છે. અહીંથી માત્ર 1 કિ.મી. આગળ એક રસ્તો કેલાંગ જિસ્પા અને બીજો ઉદયપુર તરફ નીકળે છે. જે પછી આવે પટ્ટન ઘાટીનો વિસ્તાર. તાંદી સંગમથી લગભગ 36 કિ.મી. આગળ હિંદુ અને બૌદ્ધનો સૌથીમોટો સંયુક્ત ધાર્મિક સ્થળ ત્રિલોકનાથ ધામ આવે છે. આ મંદિરનું મહત્ત્વ અને ઈતિહાસ ઘણો રસપ્રદ છે.

અહીં બંને ધર્મોના લોકો મળીને એક જ મૂર્તિની પૂજા કરે છે. ત્રિલોકનાથ ધામ ચંદ્રા અને ભાગા નદીના વામતટ પર એક ચટ્ટાન પર આવેલું છે. અહીં માત્ર 7 કિ.મી. દૂર ઉદયપુર વિસ્તાર આવે છે. અહીં મહાભારત કાળમાં બનેલું માતા મૃકુલાનું પ્રાચીન મંદિર છે.

એક માન્યતા અનુસાર, વનવાસ દરમિયાન પાંડવોએ એક જ રાતમાં એક વૃક્ષની લાકડી વડે આ મંદિરનું નિર્માણ કર્યું હતું. મંદિરની અંદર લાકડીમાં કોતરણી કરી મહાભારતથી લઈ બુદ્ધના સમય સુધીની ઘટનાઓને તસવીરો થકી દર્શાવવામાં આવી છે.

તાંદી સંગમથી 7 કિ.મી. લેહ તરફથી કેલાંગ જીલ્લા મુખ્યાલય આવેલું છે. કેલાંગની ઉપર વર્ષો જુનું શશુર બૌદ્ધ મઠ છે. આ ઉપરાંત જાણીતા આર્ટિસ્ટ નિકોલસ રોરિકની પેન્ટિંગ ગેલેરી પણ છે. કેલાંગથી 25 કિ.મી.ના અંતરે જીસ્પા આવે છે. આ પ્રવાસીઓના ફેવરિટ સ્થળમાંથી એક છે.

અહીં લોકો હોટલ કરતા કેમ્પમાં રોકાવવાનું પસંદ કરે છે. કેલાંગથી 55 કિ.મી.ના અંતરે લેહ માર્ગ પર સૂરજતાલ આવે છે. બારાલાચા દર્રા અહીંથી 20 કિ.મી. દૂર છે. અહીં નોર્થ પોર્ટલથી જમણી તરફ વળવા પર રોહતાંગ અને સ્પીતિ તરફનો માર્ગ નીકળે છે. વિખ્યાત ચંદ્રતાલ તળાવ કોકસરથી 70 કિ.મી. દૂર સ્પિતિ વેલી તરફ છે. ચંદ્રતાલ તળાવને ચંદ્રની ઉપમા આપવામાં આવી છે.