ત્રણેય ભાઈ-બહેનને સ્કિઝોફ્રેનિયાનો બન્યા ભોગ, અંબરીશભાઇના પગ હજી પણ સીધા નથી થયા

રાજકોટની એક ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી દીધું છે. એક મકાનની બંધ ઓરડીમાં 10 વર્ષથી બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થતાં અઘોરી જેવું જીવન જીવી રહ્યાં હતાં. જેની તસવીરો બહાર બધા હચમચી ઉઠ્યા હતા. તેમને રૂમનો દરવાજો તોડી ત્રણેય ભાઈ-બહેનને બહાર કાઢવામાં આવ્યા હતાં અને બંને ભાઈની વધી ગયેલી દાઢી અને વાળ કપાવ્યા હતા તેમજ નવડાવી નવાં કપડાં પહેરાવ્યાં હતાં. એક એવી ચર્ચા ઉપડી હતી કે ત્રણેય ભાઈ-બહેનને તેના પિતાએ મિલકત માટે પૂરી રાખ્યા હોઈ શકે છે. જોકે આ બાબતમાં નવો ખુલાસ થયો છે.

ત્રણેય ભાઈ-બહેનને મુક્ત કરાવનાર સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મિલકતનો ઈશ્યૂ હોય એવું કઈ લાગતું નથી હાલ ત્રણેય તેના ફઈબાના ઘરે રહે છે. તેના ફઈબાના પતિ દોઢ વર્ષ પેહલા અવસાન પામ્યા હતા. કોઈ સંતાન છે નહિ હોવાથી ફઈબા લોકોને એવું કહી રહ્યા છે કે, મારી કાલાવડ રોડની મિલકત પણ હું મેઘાના નામે કરી દેવાની છું.

બીજી તરફ ત્રણ ભાઈ-બહેન અંબરીશ, મેઘા અને ભાવેશ ફરી જાહેર જીવન જીવે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. ત્રણેય ભાઈ-બહેનને સ્કિઝોફ્રેનિયા નામનો રોગ હોવાનું જાણવા મળ્યું છે. ભાવેશને ક્રિકેટ રમાડી આજની દુનિયામાં લઈ આવવાનો પ્રયાસ સાથી સેવા ગ્રુપ કરવામાં આવી રહ્યો છે. ક્રિકેટથી ભાવેશને જૂની યાદો પાછી આવી રહી છે. આથી આજે તેના જૂના મિત્રો સાથે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમાડવામાં આવી હતી.

નોંધનીય છે કે ગત રવિવારે સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે 10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢવામાં આવ્યા હતા. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી. આથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા. માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઈ-બહેને આ કૃત્ય કર્યુ હતું. આજે સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા.

ત્રણેય ભાઈ-બહેનને છોડાવવા માટે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ દોડી ગઈ હતી. પિતાએ ત્રણેયને દરવાજો ખોલવા માટે આજીજી કરી પણ ખોલ્યો નહી. મકાનની ડેલી સાથી સેવા ગ્રુપના એક સભ્યએ દીવાલ ટપી ખોલી હતી. જ્યારે અંદર રૂમનો દરવાજો બંધ હોવાથી પિતાએ દરવાજો ખોલવા ઘણી આજીજી કરી હતી. પરંતુ દરવાજો ન ખોલતા આખરે સાથી સેવા ગ્રુપની ટીમે દરવાજો તોડવો પડ્યો હતો. અંદર ત્રણેય ભાઈ-બહેન અઘોરી જેવુ જીવન જીવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. બંને ભાઈની દાઢી અને વાળ વધી ગયેલા જોવા મળ્યા હતા.

ત્રણેય ભાઇ-બહેનને ફઇના ઘરે લઇ જવાયાં હતાં. અંબરીશભાઇના પગ સતત વાંકા રહેવાને લીધે એક્સ-રે પણ થઇ શક્યા નથી. કિસાનપરાની ઘટનામાં સમાજ સુરક્ષાની ટીમે સમજાવતાં પિતા નવીનભાઇ પુત્રની સારવાર માટે તૈયાર થયા હતા, પરંતુ અંબરીશભાઈએ સતત લાંબો સમય સુધી પગ વાળેલા જ રાખ્યા હોય, આ પગ સીધા પણ થઇ શકતા નથી, આથી એકસ-રે પણ બરાબર આવ્યા નથી. હવે એનેસ્થેસિયા આપીને સિટી સ્કેન કરાવી પછી રિપોર્ટ થઇ શકે તેમ છે. પગ સીધા કરવામાં ખૂબ લાંબો સમય લાગી જાય એમ તબીબોએ કહ્યું હતું.

મોટો ભાઈ LLB, બહેન એમ.એ. વિથ સાયકોલોજી અને નાનો ભાઈ બી.એ. ફર્સ્ટ ક્લાસ પાસ
ત્રણેય ભાઈ-બહેનમાં મોટા ભાઈનું નામ અંબરીશ મહેતા છે. તેણે વકીલનો અભ્યાસ કર્યો છે તેમજ તે વકીલાત પણ કરતો હતો. બીજા નંબરે મેઘા મહેતા નામની બહેન છે, તેણે એમ.એ. વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. તે રાજકોટ શહેરની કણસાગરા કોલેજમાં ભણતી હતી. ત્રીજા નંબરનો ભાઈ ભાવેશ મહેતા છે, તે પણ ઇકોનોમીમાં બી.એ. ફર્સ્ટ ક્લાસ પાસ છે, સાથોસાથ તે રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. જ્યારથી ત્રણેય સંતાનોએ પોતાની માતા ગુમાવી છે ત્યારથી ત્રણેયે પર કોઈએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય એવું લાગે છે તેવો પિતા નવીનભાઈએ આક્ષેપ કર્યો છે. બીજી તરફ પિતા નવીનભાઈએ એમ પણ જણાવ્યું હતું કે 1986થી તેની મમ્મી બીમાર પડી ત્યારથી અસર થઈ છે. પાંચ વર્ષ પહેલાં તેની મમ્મી ગુજરી ગઈ ત્યારથી આવી હાલતમાં રહે છે.