પત્નીને સાથે રહેવા માટે સતત કરતો હતો દબાણ, પત્નીએ સ્પષ્ટ ના પાડી દેતા ગુમાવ્યો પિત્તો અને…

ક્રાઈમ કેપિટલ બની રહેલા સુરત શહેરમાં મહિલાઓ પર હુમલાઓની ઘટનાઓ વધતી જાય છે અને આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પતિએ તેની પત્ની પર ચપ્પા વડે હુમલો કરી લોહીલુહાણ કરી દીધી. પતિના રોજ રોજના મારથી કંટાળેલ પત્ની બાળકો સાથે પાંડેસરા વિસ્તારમાં સંબંધીને ત્યાં રહેવા જતી રહી હતી. તે દરમિયાન તેનો પતિ તેને મળ્યો હતો અને તું મને કેમ તારી સાથે નથી રાખતી તેમ કહીને એક બાદ એક ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. જેને લઈ પત્ની રસ્તાની વચ્ચે જ લોહીલુહાણ થઈને ઢળી પડી હતી. હાલ મહિલા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. જ્યારે પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ ઘટનાની વિગત એવી છે કે, સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલી નવી બાંધકામની સાઇટમાં કેટલાક મજૂરો કામ કરે છે. તેઓ અહીં જ પોતાના પરિવાર સાથે રહે છે. તેમાંથી વિજયસિંહ નામનો મજૂર દારૂ પીવાની કુટેવ ધરાવે છે. દારૂના નશામાં તે પોતાની પત્ની સાથે અવારનવાર મારઝૂડ કરતો હતો. એટલું જ નહીં, તેના ચારિત્ર્ય પર શંકા કરીને હેરાન કરવા સાથે માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો. પત્ની તેના પતિ તરફથી આવતા ત્રાસને સહન કરતી હતી. પરંતુ કહેવાય છે કે અન્યાય સહન કરવો એ પણ યોગ્ય નથી અને તેની પણ એક મર્યાદા હોય છે. રોજ રોજના મારથી કંટાળેલી પત્ની આખરે બાળકોને લઈને પાંડેસરા વિસ્તારમાં સંબંધીને ત્યાં રહેવા જતી રહી હતી.

લોકડાઉન દરમિયાન પતિનું કામ છૂટી ગયું હતું. તે કમાતો નહીં હોવાને લઈને પરિવારનું ગુજરાન ચલાવામાં તકલીફ પડતી હતી. છતાંય દારુડિયો પતિ ગમે તેમ કરીને દારુનો બંદોબસ્ત કરી લેતો હતો. દારૂ પીધા બાદ ભાન ગુમાવી બેસતો હતો અને પત્નીને રોજ મારતો હતો. પત્ની નજીકમાં જ રહેતા એક વેપારીના ઘરે કાળી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. પતિ ત્યાં પણ આવતો હતો અને પત્નીને પોતાની સાથે રહેવા માટે સતત દબાણ કરતો હતો. જોકે પત્નીએ પતિને સ્પષ્ટ ના કહી દેતા પતિ અકળાઈ ગયો હતો અને પિત્તો ગુમાવી બેઠો હતો.

જ્યારે મહિલા વેપારીના ઘરેથી કામ કરી પરત ફરી રહી હતી ત્યારે તેના પતિએ સિટીલાઈટ વિસ્તારમાં આવેલા અશોક પાન સેન્ટરની ગલીમાં અટકાવી હતી. વિજયસિંઘે જાહેરમાં તેની પત્નીને કહ્યું કે, તું કેમ મને સાથે નથી રાખતી. આમ કહીને બોલાચાલી બાદ ઝઘડો કરવા લાગ્યો હતો. ત્યારબાદ ચારિત્ર્યની શંકા રાખીને જાહેરમાં પતિએ પત્ની પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. જેને લઈને પત્ની લોહીથી લથબથ રસ્તા પર જ ઢળી પડી હતી.