ભૂલથી પણ ન ચાવવા જોઈએ તુલસીના પાન, ધ્યાન રાખો આ 10 વાતો

અમદાવાદઃ આપણે ત્યાં પ્રાચીન પરંપરા છે ઘરમાં એક તુલસીનો છોડ તો હોવો જ જોઈએ. શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય, પવિત્ર અને દેવીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં પણ તુલસી હોય તો અહીં બતાવવામાં આવી રહી આ 10 વાતો કાયમ ધ્યાનમાં રાખવી જોઈએ. જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો બધા જ દેવી-દેવતાઓની વિશેષ કૃપા આપણાં ઘર પર બની રહે છે. ઘરમાં હકારાત્મક ઉર્જા અને સુખદ વાતાવરણ રહે છે. પૈસાનો ક્યારેય અભાવ આવતો નથી અને પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. અહીં જાણીએ શાસ્ત્રો મુજબ તાવેલી તુલસીની ખાસ વાતો…

1. તુલસીના પાન ચાવવા ન જોઈએ:
તુલસીનું સેવન કરતી વખતે ધ્યાન રાખો કે આ પાનને ચાવવું નહીં, પણ તેને ગળી જવા જોઈએ. આ રીતે તુલસીનું સેવન કરવાથી અનેક રોગોમાં લાભ મળે છે. તુલસીના પાનમાં પારા ધાતુના તત્વો મોજુદ હોય છે. તુલસીના પાન ચાવવાથી આ ધાતુ દાંત ઉપર લાગે છે જે દાંત માટે ફાયદેમંદ નથી એટલે તુલસીના પાનને ચાવવા ન જોઈએ પણ ગળી જવા જોઈએ.

2. શિવલિંગ પર તુલસી ન ચડાવવી જોઈએ:
શિવપુરાણ મુજબ શિવલિંગ પર તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. આ સંબંધમાં એક કથા જણાવવામાં આવી છે. આ કથા મુજબ પ્રાચીન કાળમાં દૈત્યોના રાજા શંખચૂડની પત્નીનું નામ તુલસી હતું. તુલસીના પતિવ્રત ધર્મની શક્તિને કારણે દેવતા પણ શંખચૂડને હરાવવામાં અક્ષમ હતાં. ત્યારે ભગવાન વિષ્ણુએ કપટથી તુલસીનું પતિવ્રત ભંગ કરી દીધું. તેના પછી શિવજીએ શંખચૂડનો વધ કરી દીધો. જ્યારે આ વાતની તુલસીને જાણ થઈ ત્યારે તેણે ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુએ તુલસીનો આ શ્રાપ સ્વીકારી લીધો અને કહ્યું કે તું ધરતી પર ગંડકી નદી તથા તુલસીના છોડના રૂપમાં કાયમ રહીશ. તેના પછી જ મોટાભાગના પૂજન કાર્યોમાં તુલસીનો ઉપયોગ વિશેષ રૂપથી કરવામાં આવે છે. પરંતુ શંખચૂડની પત્ની હોવાને લીધે તુલસી શિવલિંગ પર ચડાવવામાં નથી આવતી.

3. ક્યારે ન તોડવા જોઈએ તુલસીના પાન:
શાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ તુલસીના પાન કેટલાક ચોક્કસ દિવસોમાં ન તોડવા જોઇએ. આ દિવસ છે-અગિયારસ, રવિવાર અને સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ. આ દિવસોમાં તથા રાતના સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ. આવું કરવા પર આપણને દોષ લાગે છે. બિનજરૂરી રીતે તુલસીના પાન તોડવા, તુલસીને નષ્ટ કરવા સમાન માનવામાં આવે છે.

4. દરરોજ કરો તુલસીનું પૂજન:
દરરોજ તુલસી પૂજન કરવું જોઈએ. સાથે જ, તુલસીના સંબંધમાં અહીં બતાવેલી તમામ વાતોનું પણ ઘ્યાન રાખવું જોઈએ. દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ. એવી માન્યતા છે કે, જે લોકો સાંજના સમયમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે, તેમના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા કાયમ બની રહે છે.

5. તુલસીથી દૂર થાય છે વાસ્તુ દોષ:
ઘર-આંગણાંમાં તુલસી હોવાથી કેટલાય પ્રકારના વાસ્તુ દોષ પણ નષ્ટ થઈ જાય છે. તેમજ પરિવારની આર્થિક સ્થિતિ પર તેની શુભ અસર થાય છે.

6. તુલસીનો છોડ ઘરમાં હોય તો નથી લાગતી નજર:
એવી માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ હોય તો કોઈ પણ સભ્યને ખરાબ નજર નથી લાગતી. સાથે જ, ઘરની આજુબાજુ કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઉત્પન્ન નથી થતી અને હકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.

7.તુલસીથી વાતાવરણ થાય છે પવિત્ર:
તુલસીથી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે પવિત્ર અને હાનિકારક સૂક્ષ્મ કીટાણુંઓથી મુક્ત રહે છે. આ જ પવિત્રતાને લીધે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

8. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં ન રાખવો:
જો ઘરમાં લાગેલો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તેને કોઈ પવિત્ર નદીમાં, તળાવમાં અથવા કુઆંમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે. એક છોડ સુકાઈ ગયા પછી તરત જ બીજા છોડ લગાવી દેવો જોઈએ. ઘરમાં કાયમ સ્વસ્થ તુલસીનો છોડ જ લગાવવો જોઈએ.

9.તુલસી છે ઔષધિ:
આયુર્વેદમાં તુલસીને સંજીવની બુટિ સમાન માનવામાં આવે છે. તુલસીના કેટલાય એવા ગુણ હોય છે જે ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં અને તેને અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો છોડ ઘરમાં રહેવાથી તેની ખુશ્બૂ હવામાં મોજુદ બીમારી ફેલાવનારા કેટલાય સૂક્ષ્મ કીટાણુંઓને નષ્ટ કરે છે.

10. દરરોજ તુલસીના એક પાનનું સેવન કરવું જોઈએ:
તુલસીની ખુશ્બૂથી શ્વાંસ સંબંધિત કેટલાય રોગોમાં લાભ મળે છે. સાથે જ તુલસીના એક પાનનું દરરોજ સેવન કરવાથી આપણે સામાન્ય તાવથી બચી શકે છીએ. મોસમ પરિવર્તનના સમયમાં થવાવાળી બીમારીઓથી પણ બચી શકાય છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, પરંતુ આપણે નિયમિતપણે તુલસીનું સેવન કરતા રહેવું જોઈએ.