નવા તારક મહેતાના લગ્નમાં બબીતાએ ગ્રીન ચણિયાચોળીમાં મચાવી ધમાલ તો જેઠાલાલ આવ્યા પત્ની સાથે

ટીવી એક્ટર સચિન શ્રોફે 50 વર્ષની ઉંમરમાં 25 ફેબ્રુઆરીના રોજ બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નમાં સચિન શ્રોફના પરિવાર ઉપરાંત સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તથા ‘ગુમ હૈ કિસી કે પ્યાર મૈં’ની સ્ટાર-કાસ્ટ હાજર રહી હતી. સચિને ચાંદની સાથે શનિવાર (25 ફેબ્રુઆરી)ની સાંજે ફેરા ફર્યા હતા. આ લગ્નમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોષી પત્ની જયમાલા સાથે આવ્યા હતા.

આ ઉપરાંત પલક સિધવાની (સોનુ), મુનમુન દત્તા (બબીતા), અંબિકા રજનકર (મિસિસ હાથી), સુનૈના ફોજદાર (અંજલિભાભી), નિર્મલ સોની (ડૉ.હાથી), અઝહર શેખ (પીકુ), મંદાર ચાંદવાડકર (આત્મારામ ભીડે), જેનિફર મિસ્ત્રી (મિસિસ સોઢી), નિતિશ ભલુની (ટપુ) જોવા મળ્યા હતા. આ ઉપરાંત ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મૈં’ની સ્ટાર કાસ્ટ પણ હતી. સો.મીડિયામાં સચિન શ્રોફના લગ્નની તસવીરો વાઇરલ થઈ છે.

24 ફેબ્રુઆરીએ કોકટેલ પાર્ટી આપી હતી
લગ્નના એક દિવસ પહેલાં સચિન શ્રોફે કોકટેલ પાર્ટી હોસ્ટ કરી હતી, જેમાં પણ ‘તારક મહેતા..’ના કલાકારો જોવા મળ્યા હતા.

કોણ છે સચિન શ્રોફની બીજી પત્ની ચાંદની?
સૂત્રોના મતે, આ એરેન્જ મેરેજ છે. સચિન શ્રોફની ભાવિ પત્ની ગ્લેમર ઇન્ડસ્ટ્રીની નથી. તે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે પાર્ટટાઇમ જોબ કરે છે. આ ઉપરાંત તે ઇન્ટીરિયર-ડિઝાઇનર છે. તે સચિનની બહેનની ખાસ ફ્રેન્ડ છે. જોકે ગયા મહિને જ સચિનના પરિવારે તેને સેટલ થવાનું સૂચન કર્યું હતું અને બહેનની આ ફ્રેન્ડ બતાવી હતી. સચિન તથા તે યુવતી પહેલી નજરમાં પ્રેમમાં પડ્યાં નહોતાં. સચિને પરિવારની વાતને ગંભીરતાથી વિચારી અને પછી બંને એકબીજાને મળ્યાં હતાં. થોડો સમય વાતચીત કર્યા બાદ લગ્નનું ફાઇનલ કર્યું હતું.

સચિન શ્રોફના આ બીજાં લગ્ન
સચિને આ પહેલાં ટીવી-એક્ટ્રેસ જુહી પરમાર સાથે જયપુરમાં 2009માં રોયલ વેડિંગ કર્યા હતા. લગ્નના 9 વર્ષ બાદ બંને જાન્યુઆરી, 2018માં અલગ થયાં હતાં. તેમને દીકરી સમાયરા છે. દીકરીની કસ્ટડી જુહી પરમાર પાસે છે. જુહી પરમાર સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’ને કારણે લોકપ્રિય છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સચિને ટીવી, ફિલ્મ તથા ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કર્યું છે. સચિન ડિરેક્ટર પ્રકાશ ઝાની સિરીઝ ‘આશ્રમ’માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે ‘ડબલ XL’માં હુમા કુરૈશી ને સોનાક્ષી સિંહા સાથે જોવા મળ્યો હતો. ‘ગુમ હૈ કિસી કે પ્યાર મૈં’માં તેણે રાજીવનું પાત્ર ભજવ્યું હતું.