આજે નણંદ-ભાભી મળીને ચલાવે છે ડેરીનો બિઝનેસ, વાર્ષિક ટર્નઓવર છે કરોડો રૂપિયા

મધ્યપ્રદેશના જબલપુરની વંદના અગ્રવાલ અને ડોક્ટર મોનિકા અગ્રવાલ સંબંધમાં નણંદ-ભાભી છે. બંનેમાં જબરદસ્ત બોન્ડિંગ છે, પરિવાર અને બિઝનેસ પાર્ટનર તરીકે પણ બોન્ડિંગ સારું છે. બંને મળીને જબલપુરમાં ડેરી ચલાવે છે, તે પણ હાઇટેક ડેરી છે, જ્યાં આખી સિસ્ટમ કેશલેસ અને ઓનલાઇન છે, ડિલિવરીથી માંડીને મેઇન્ટેનન્સ સુધીની તમામ બાબતો. હાલમાં આ લોકો આશરે 400 ઘરોમાં દૂધ, પનીર અને ખોયાની સપ્લાય કરે છે. 44 વર્ષીય વંદના અગ્રવાલે એનવાયરમેંટલ સાયન્સમાંથી માસ્ટર્સ કર્યુ છે જ્યારે 36 વર્ષીય મોનિકા અગ્રવાલ વેટરનરી ડોક્ટર છે. વંદનાના પિતા અને પતિ બંને પશુ ચિકિત્સક છે. એટલે કે, કુટુંબમાં ત્રણ લોકો પશુચિકિત્સક ડોકટરો છે, તેથી પ્રાણીઓ સાથે જોડાણ થવું સ્વાભાવિક છે.

વંદના કહે છે, ‘મારા પુત્રની તબિયત વર્ષ 2008માં ખરાબ થઈ ગઈ હતી. ડોક્ટરે કહ્યું કે બહારનું દૂધ ન આપો. પેકેટ વાળું તો બિલકુલ નહીં. પછી ભાઈએ ભેંસ ખરીદી અને અમે બાળકને ઘરનું દૂધ આપવાનું શરૂ કર્યું. થોડા સમય પછી પાપાએ કહ્યું કે આપણે એવું કંઈક કરવું જોઈએ કે, જેમાં આપણને પણ શુદ્ધ દૂધ મળે અને બીજા લોકોને પણ મળી શકે. અમને તેમનું સૂચન પણ ગમ્યું. વિચાર્યું, ચાલો પ્રયત્ન કરીએ. આ પછી, મારા ભાઈએ ચાર ભેંસોમાંથી દૂધનું નાનું કામ શરૂ કર્યું. ત્યારે અમે ડેરી ખોલવાનું કે આ રીતે સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચાર્યું ન હતુ. વંદના કહે છે, ‘ગયા વર્ષે ભાઈએ કહ્યું હતું કે આપણે આ કાર્યને આગળ વધારવું જોઈએ. પરંતુ સમસ્યા એ હતી કે તે આ કાર્ય એકલા કેવી રીતે સંચાલિત કરશે. પછી મેં અને ભાભીએ નક્કી કર્યું કે અમે બંને મળીને ધંધો સંભાળીશું, પિતાએ પણ અમને પૂરો સહયોગ આપ્યો. ત્યારબાદ અમે બેંક પાસેથી લોન લીધી અને પોતાની ડેરી શરૂ કરી.

વંદના ઉત્પાદન પ્રમોશન અને ડિલિવરીનું કામ સંભાળે છે. કહે છે, “શરૂઆતમાં માઉથ પબ્લિસિટી ગ્રાહકો સુધી પહોંચવાનો માર્ગ હતો. જેમને અમારું ઉત્પાદન ગમ્યું તે અન્ય લોકોને તેના વિશે કહેતા હતા. પછી અમે પોસ્ટરો ચોંટાડ્યા અને પત્રિકાઓ વહેંચી, અખબારમાં જાહેરાત પણ આપી હતી. આ રીતે અમારા ગ્રાહકો ધીરે ધીરે વધ્યા. તો, સાથે જ અમારે ત્યાં પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો થયો. અમારી પાસે હાલમાં 200 થી વધુ ભેંસ અને 10-12 ગાય છે. અમે 400 થી વધુ ઘરોમાં દૂધ આપીએ છીએ. વાર્ષિક 2 કરોડનું ટર્નઓવર થાય છે. તેઓ 25 લોકોને રોજગાર પણ આપી રહ્યા છે.

વંદનાની ભાભી મોનિકા અગ્રવાલ ઉત્પાદનની ગુણવત્તા, પ્રાણીઓની સંભાળ રાખવા અને એકાઉન્ટ જાળવવાનું કામ કરે છે. તે કહે છે, ‘ડૉક્ટર હોવાને કારણે હું પ્રાણીઓના સ્વાસ્થ્ય તેમજ તેમના દૂધની ગુણવત્તા તપાસું છું. જો પ્રાણીની તબિયત ખરાબ હોય અથવા દૂધમાં કોઈ સમસ્યા હોય તો અમે તેને અલગ આઈસોલેટ કરીશું. માત્ર આરોગ્યપ્રદ દૂધ ગ્રાહકોને આપવામાં આવે છે, કોઈ પણ સંજોગોમાં અમે ગુણવત્તા સાથે ચેડા કરતા નથી. તે જ અમારી તાકાત અને યુ.એસ.પી. છે.

વંદના કહે છે કે ગાય અને ભેંસનાં દૂધને અલગ-અલગ કન્ટેનરમાં રાખે છે. આ પછી, અમે દૂધની ગુણવત્તા ચકાસીએ છીએ. પછી તેને ઠંડુ કરવા માટે બલ્ક મિલ્ક કુલર એટલે કે બીએમસીમાં મૂકવામાં આવે છે. ત્યાંથી દૂધ પેકિંગ યુનિટમાં જાય છે, જ્યાં તેનું પેકિંગ કરવામાં આવે છે. તે જ રીતે, અમે પનીર અને ખોયા પણ તૈયાર કરીએ છીએ.

વંદના કહે છે કે અમે દૂધ અને અન્ય ઉત્પાદનોની સપ્લાય માટે એપ્લિકેશન બનાવી છે. 24K milk નામની આ એપ ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. તેને ડાઉનલોડ કર્યા પછી, તમારું એકાઉન્ટ બનાવવું પડશે. તે પછી, ઓનલાઇન વોલેટમાં થોડી રકમ ઉમેરવી પડશે.

આ સાથે, અમે તમામ ગ્રાહકોને દૂધનું સ્માર્ટ કાર્ડ આપ્યું છે, જેમાં ક્યૂઆર કોર્ડ છે. જ્યારે દૂધનું વિતરણ કરનાર તેમના ઘરે જાય છે, ત્યારે તેઓ મોબાઇલથી તેમનું કાર્ડ સ્કેન કરે છે. કાર્ડ સ્કેન થતાંની સાથે જ તેમના વૉલેટમાંથી પૈસા કાપવામાં આવે છે. વંદના કહે છે, “જો કોઈ ગ્રાહક કોઈ દિવસ દૂધ ન માંગતો હોય તો તેણે અમને કોલ કરવાની જરૂર નથી. તે એપ પર પોતાનું વેકેશન મૂકી શકે છે. એટલું જ નહીં, જો તેને વધારાનું દૂધ અથવા અન્ય કોઈ ઉત્પાદન જોઈએ છે, તો તે એપ્લિકેશન દ્વારા તે પણ જણાવી શકે છે. બીજા દિવસે જ્યારે ડિલિવરી બોય તેમના ઘરે જશે, ત્યારે તેઓ દૂધ સાથે બીજું ઉત્પાદન લઈને જશે.

તે કહે છે કે દરેક વસ્તુ કેશલેસ અને ઓનલાઇન હોવાને કારણે હિસાબ રાખવા પણ સરળ રહે છે. દૈનિક એકાઉન્ટ્સ, કોને ક્યારે-ક્યારે કેટલાં પ્રોડક્ટ આપવામાં આવ્યા અને ક્યારે કોની રજા હતી, બધું ઓન રેકોર્ડ રહે છે. આ ઉપરાંત, જેઓ અમારા નિયમિત ગ્રાહકો નથી, તેઓ અમને કોલ કરીને પણ ઓર્ડર આપી શકે છે. અમારા ડિલીવરી બૉયની પાસે એક્સ્ટ્રા સ્માર્ટકાર્ડ હોય છે જેને તેઓ સ્કેન કરીને દૂધ આપી શકે છે.

વંદના કહે છે કે, કોરોના સમયે ઓનલાઈન સિસ્ટમ હોવાનો બહુજ મોટો ફાયદો થયો છે. અમે અમારા ગ્રાહકના ઘરના દરવાજા અથવા દિવાલ પર ક્યૂઆર કોર્ડ ચોંટાડી દીધા હતા. અમે તેમના સ્થાને દૂધ રાખતા હતા અને અમારા ડિલિવરીમેન તેમના ફોનથી ક્યૂઆર કોર્ડ સ્કેન કરી લેતા હતા.

વંદના કહે છે, ‘અમારે બહારથી પ્રાણીઓ માટે ઘાસચારો ખરીદવાની જરૂર નથી. અમે અમારા ખેતરમાં તેમના માટે ઘાસચારો ઉગાડીએ છીએ અને તેમની ખાવાની વસ્તુઓ તૈયાર કરીએ છીએ. અમે પશુઓના છાણમાંથી ખાતર બનાવીએ છીએ અને તેને આસપાસના ખેડુતોને વેચી દઈએ છીએ. આગળ અમે ગોબર ગેસ પ્લાન્ટ પણ લગાવવાનાં છીએ.