વિદેશી યુવતી સાથે દેશી યુવકે કર્યા લગ્ન, વિન્ટેજ કારમાં બેન્ડબાજા સાથે વરઘોડો કાઢ્યો

અમદાવાદના આંગણે એક અનોખી લવસ્ટોરી જોવા મળી છે. શહેરના મણીનગર વિસ્તારમાં રોમાનિયાની લાડી અને અમદાવાદના વરના અનોખા લગ્ન જોવા મળ્યા હતાં. પરંતુ આ અનોખા લગ્ન પહેલા વિન્ટેજ કારમાં બેન્ડબાજા સાથે વરઘોડો નિકળ્યો હતો. જેમાં જાનૈયાઓ મન મુકીના નાચ્યા હતાં. મહત્વની વાત એ છે કે, સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા યુવકે પોતે જ અનોખા લગ્નના વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતાં.


આ અનોખી લવ સ્ટોરી છે અમદાવાદના સિંગર અર્પણ મહિડા અને રોમાનિયાની યુવતી મિહાલ્યા વ્હાદની. અર્પણનો એક વીડિયો વાયરલ થયો હતો જેને જોઈને રોમાનિયાની યુવતીએ તેનો સંપર્ક કર્યો હતો. બન્ને વચ્ચે અનેકવાર વાતો થતી હતી પછી બન્ને વચ્ચે મિત્રતા થઈ અને આજે આજ મિત્રતા લગ્ન સુધી પહોંચી ગઈ. પ્રેમમાં બંધાયાના બે વર્ષ બાદ અર્પણ અને મિહાલ્યા લગ્ન ગ્રંથથી જોડાયા હતાં.


અમદાવાદના ખોખરામાં રહેતા અને મ્યૂઝિક પ્રોડ્યુસર-કમ્પોઝર અર્પણ મહિડાએ બે વર્ષ પહેલા સંગીતનું વાદ્ય વગાડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે બહુ જ વાયરલ થયો હતો. આ વીડિયો જોઈ રોમાનિયાની યુવતી પાગલ થઈ ગઈ હતી અને તેને તાત્કાલિક સોશિયલ મીડિયા પર અર્પણનો સંપર્ક કર્યો હતો.


ત્યાર બાદ ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. મિત્રતા પ્રેમમાં પરિણમી અને બે વર્ષના ડેટિંગ બાદ તે બન્ને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પરિવાર સાથે અર્પણે રોમાનિયા જઈને લગ્ન વિધિ સંપન્ન કરી હતી.


મહત્વની વાત એ છે કે, જ્યારે અર્પણ પત્નીને લઈને અમદાવાદ પહોંચ્યો ત્યારે પરિવારજનોએ તે બન્નેનો વિન્ટેજ કારમાં બેન્ડબાજા સાથે વરઘોડો કાઢ્યો હતો. ખોખરા વિસ્તારમાં નીકળેલા વરઘોડામાં પરિવારજનોએ ઢોલના તાલે ઝુમી ઉઠ્યા હતાં.


લગ્નને લઈને અર્પણે જણાવ્યું કે, તેઓ સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા હતા. પહેલી મુલાકાત દુબઈમાં થઈ હતી અને રોમાનિયામાં લગ્નના તાંતણે બંધાયા હતા.


ઉલ્લેખનીય છે કે, અર્પણ મહિડાએ આખરી અલવિદા, છેલછબિલો, માંગેલા, ફૂલઝડી, રંગતાળી, હાસિલ વગેરે જેવા ગીત કમ્પોઝ કર્યા છે. અર્પણ કમ્પોઝર હોવાની સાથે ખૂબ સારો સિંગર છે અને વિવિધ વાદ્યો વગાડી જાણે છે.