અમેરિકાની દશા ઈટલી કરતાં પણ ખરાબ થશે? ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અઢી લાખ લોકો મરી શકે છે

વોશિંગ્ટનઃ કોરોનાવાઈરસે જોતજોતામાં જ અમેરિકામાં ભયાવહ રૂપ લઇ લીધું છે. અમેરિકા 1,75,067 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જે દુનિયાભરમાં સૌથી વધુ છે. કોરોનાથી અમેરિકામાં મૃતકોની સંખ્યાનો આંક 3800ને પાર થઇ ગયો છે. જ્યારે ચીનમાં 3,309 લોકોનાં મૃત્યુ થયા હતાં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને થોડા દિવસ પહેલા જ અમેરિકાને ચેતવણી આપી હતી કે તે કોરોના સંક્રમણનું કેન્દ્ર બની શકે છે.

વ્હાઇટ હાઉસે અનુમાન લગાવ્યું છે કે સોશિયલ ડિસ્ટેન્સિંગ ગાઇડલાઇનને સંપૂર્ણ રીતે અનુસરવામાં આવે તો પણ કોરોનાવાઈરસની મહામારીથી 1 લાખથી 2.40 લાખ લોકોનાં મૃત્યુ થઇ શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અમેરિકન લોકોને દર્દનાક સમય માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ બ્રિફિંગમાં કહ્યું હતું કે હું દરેક અમેરિકનને આવનારા મુશ્કેલ સમય માટે તૈયાર રહેવા માટે કહેવા માગું છું. આવનારા બે સપ્તાહ ખુબ જ ભયાવહ થવાના છે.

વ્હાઇટ હાઉસના અધિકારીઓ ચેતવણી આપી છે કે જો દેશમાં રોકથામના પ્રયાસ ચાલુ રહ્યાં તો પણ એક લાખથી 2.40 લાખ લોકોના મૃત્યુની આશંકા દેખાઇ રહી છે.

વ્હાઇટ હાઉસ કોરોનાવાઈરસ ટાસ્કફોર્સમાં સામેલ ડોક્ટર ડેબોરા બિકર્સે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તમામ મોડલો પરથી એવી આશંકા બની રહી છે કે જો મહામારીને રોકવા માટે કોઇ ઉપાય ના કર્યો તો સૌથી ખરાબ સ્થિતિમાં 15થી 22 લાખ મૃત્યુ થઇ શકે છે.


જોકે, લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા પગલા લાગુ કરવા પર મૃત્યુના ડરાવનારા આંકડા ઘટી શકશે. ડેબોરાએ એ વાત પર ભાર આપ્યો હતો કે જો લોકો પોતાનું વલણ સુધારી લેશે તો મૃત્યુની સંખ્યા ઘટી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે 48 રાજ્યની તુલનામાં ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં કોરોનાવાઈરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સોશિયલ ડિસ્ટેન્સિંગ અન્ય રાજ્યમાં મહામારીને રોકી શકશે. રોકથામની શરૂઆતના પગલા બાદ કેલિફોર્નિયા અને વોશિંગ્ટનમાં બીમારી ફેલાવાની ગતી ઘટી ગઇ છે. તેનાથી અમને થોડી આશા બંધાઈ છે. લોકો જ છે જે તેને રોકવામાં આપણી મદદ કરી શકે છે. અહીં કોઇ જાદુઇ છડી નથી કે નથી કોઇ જાદુઇ વેક્સીન કે થેરાપી.

નેશનલ ઇંસ્ટીટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસિઝના ડિરેક્ટર ડો. એંથની ફાઉચી સાથે સવાલ કર્યો કે શું અમેરિકન દેશમાં વાઈરસથી એક લાખ લોકોના મૃત્યુ માટે તૈયાર છે, જેના જવાબમાં તેમણે હા પાડી હતી. આંકડો જેટલો ગંભીર છે તેને ધ્યાને રાખી આપણે તેના માટે તૈયાર રહેવું જોઇએ. મને લાગે છે કે જેટલા વધુ આપણે રોકથામના ઉપાયો પર ભાર આપીશું તેટલો જ આંકડો ઘટશે.

ડો. ફાઉચીએ કહ્યું હતું કે આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થવાની છે. પરંતુ તેના પહેલા આપણે હતોત્સાહિત ના થઇએ, કારણ કે રોકથામના ઉપાય પર કામ કરી રહ્યાં છીએ. અત્યારે આપણે કોરોનાના સૌથી ખરાબ અસરથી પસાર થઇ રહ્યાં છીએ. સૌથી પહેલા તેની ગતિ ઘટાડવાના પ્રયાસ કરીશું.

આ પહેલા ટ્રમ્પે ઇસ્ટરથી અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવાની વાત કરી હતી. જોકે, રવિવારે ટ્રમ્પને સોશિયલ ડિસ્ટેન્સિંગની ગાઇડલાઇન 30 એપ્રિલ સુધી આગળ વધારવી પડી. ટ્રમ્પ શરૂઆતમાં કોરોનાવાઈરસની તુલના સામાન્ય ફ્લૂથી કરી રહ્યાં હતા. ચીનથી આવી રહેલા રિપોર્ટ્સને જોતા સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ અનેક વખત ટ્રમ્પને ચેતવ્યા હતા પરંતુ ટ્રમ્પે નજરઅંદાજ કર્યું હતું. ટ્રમ્પે પોતાના બચાવમાં કહ્યું કે મને નથી લાગતું કે કોઇ ડોક્ટરને એ સમયે આ બીમારીના ખતરાનો અંદાજ હતો. લોકોએ પહેલા પણ ક્યારેય આવું જોયું નહોતું.

ટ્રમ્પે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે જો તેમણે તમામ પગલા ના ઉઠાવ્યા તો અનુમાન પ્રમાણે 22 લાખ લોકોનાં મૃત્યુ થઇ શક્યાં હોત. અમેરિકામાં દરેક જગ્યાએ લોકો મરી રહ્યાં છે.