હાથમાં મોજા પહેર્યાં બાદ પણ થઈ શકે કોરોનાવાઈરસ, સામે આવ્યું ચોંકવાનારું કારણ

મિશિગનઃ કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં કહેર મચેલો છે. લોકો તેનાથી બચવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. લોકો તેમના ઘરોમાં કેદ છે, મોં પર માસ્ક લગાવે છે, હાથ પર ગ્લોવ્ઝ પહેરે છે. આ રોગચાળાને રોકવા માટે તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે. જો તમે વિચારી રહ્યા છો કે કોરોનાથી બચવા માટે, તમે તમારા હાથમાં ગ્લોવ્ઝ પહેરી લીધા છે અને તમે તેનાંથી કોરોનાનાં ચેપને અટકાવી શકશો. તો તે તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે.


અમેરિકાના મિશિગનની એક નર્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જણાવી રહી છે કે કેવી રીતે ગ્લોવ્ઝ પહેરવાથી તમે કોરોના વાયરસના ચેપમાં આવી શકો છો. આ વીડિયોમાં, મોલી લિક્સીએ કેવી રીતે એકમાંથી બીજામાં ચેપ લાગે તે વિશે વાત કરી હતી. તેણે તેના પહેલા હાથ પર પેઇન્ટ લગાવ્યો. તે દર્શાવવા માટે કે કેવી રીતે કોરોના વાયરસ ગ્લવ્ઝ દ્વારા પણ ફેલાઈ શકે છે.


મોલી આ વીડિયોમાં ચેપ કેવી રીતે લાગે તેની વાત કરી હતી. તે કહે છે કે, વિચારો કે તેણે ટોઇલેટ પેપર પર હાથ મૂક્યો છે અને તેના કીટાણુ તેના હાથના મોજાં પર આવે છે. આ દરમિયાન તે ફોન પર વાત કરે છે. જોકે, મોજા પહેરેલા જ હાથે તેણે ફોન ઉપાડ્યો છે અને તેને કારણે હવે ફોન પર પણ બેક્ટેરિયા કે વાઈરસ લાગે છે. ફોન પર વાત કરતા કરતાં તે પતિને ડિનર માટે સાંજના શાકભાજી લાવવાનું કહે છે. પછી તે ફોન સાઈડમાં મૂકે છે. ત્યારબાદ કરીયાણું સાફ કરે છે. તેને નાકમાં ખંજવા આવે છે અને તે મોજા પહેરેલાં જ હાથે નાકમાં હાથ નાખે છે.


ત્યારબાદ તે આગળ કહે છે કે, તે બાદ તે જ ફોનથી તેની માતા સાથે વાતો કરે છે. ફોન તેના ચહેરા સુધી આવે છે પરંતુ તેણે ગ્લોવ્ઝ પહેર્યા છે. પછી તે કાર પાસે જાય છે. બારી ખોલે છે અને ગ્લોવ્ઝને કચરામાં ફેંકે છે. તેનો ફોન ફરી વાગે છે અને તે ફોન રીસિવ કરે છે. ફોન પર પહેલેથી જ બેક્ટેરિયા તથા વાઈરસ હતાં. હવે હાથમાં ગ્લોવ્ઝ ના હોવાને કારણે તે હાથ પર પણ આવી જાય છે. આને ક્રોસ ચેપ કહેવામાં આવે છે. એટલે જો તમે દરેક વસ્તુ ઉઠાવ્યા અને અડ્યા બાદ પોતાના હાથને ના ધુઓ તો ગ્લોવ્ઝ પહેરવાનો કોઈ ફાયદો થાય નહી.


કોઈ પણ વાયરસને રોકવા માટે જાગ્રત રહેવું ખૂબ જ જરૂરી છે. વારંવાર તમારા હાથ ધોતા રહો અને તમારા નાક, કાન, મોં અથવા આંખોને અડશો નહીં. ત્યારબાદ જ ચેપને રોકી શકાય છે. કોરોના વાયરસને રોકવા માટે ઘણી સાવચેતી રાખવી જરૂરી છે.