ડાયરામાં રૂપિયા ઉડાડવાનું મશીન જોઈને કીર્તિદાન ગઢવીને પણ થયું આશ્ચર્ય

અમદાવાદ: ડાયરામાં લાખો નહીં કરોડો રૂપિયા ઉડવા પણ હવે નવી વાત નથી. પણ હાલમાં કંઈક એવું બન્યું કે જેને લઈને ‘ડાયરાકિંગ’ કીર્તિદાન ગઢવીને પણ આશ્ચર્ય થયું હતું. તમે લોકોને હાથેથી રૂપિયા ઉડાડતા તો જોયા હશે, પણ મશીનથી રૂપિયા ઉડાડતા નહીં જોયા હોય. દામનગરના પાડરશીંગા ગામે યોજાયેલા એક ડાયરામાં રૂપિયા ઉડાવવાનું મશીન બધાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ મશીનને લઈને કીર્તિદાન ગઢવીએ હળવી મજાક પણ કરી હતી.

સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો  છે. આ વીડિયો 25 જાન્યુઆરીએ અમરેલી જિલ્લાના દામનગરના પાડરશીંગા ગામે યોજાયેલા લોકડાયરાનો છે. આ ડાયરામાં લોકસાહિત્યકાર કીર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે જેવા કલાકારોએ ઉપસ્થિત શ્રોતાઓને મોજ પાડી દીધી હતી.

ડાયરાના સ્ટેજ પર કીર્તિદાને પોતાના સૂરથી ભજનો છેડીને માહોલને એકદમ ભક્તિમય બનાવી દીધો હતો. દરમિયાન મોજમાં આવીને શ્રોતાગઢમાંથી અમુક લોકો ઉભા થઈને પૈસા ઉડાવવા આવતા હતા.

દરમિયાન અમુક છાકરાઓ અને યુવક હાથમાં મશીન લઈને કીર્તિદાન ઉપર રૂપિયા ઉડાવવાનું શરૂ કર્યું હતું. લાલ રંગનું હોળીની બંદૂકની આકારની પીચકારી જેવું મશીન જોઈને બધાને આશ્ચર્ય થયું હતું.

દરમિયાન મશીનથી રૂપિયા ઉડાવતી વખતી એક બાળકના મશીનમાં નોટ ફસાઈ ગઈ હતી, જેના પર કીર્તિદાને હળવી મજાકમાં કમેન્ટ કરી હતી.

આ તકે કીર્તિદાને મજાકના અંદાજમાં કહ્યું હતું, ‘‘કેવી ટેક્નોલોજી વધતી જાય છે, જુઓ તો ખરા. આ પાડરશીંગા ગામમાં પહેલી વાર જોયું કે રૂપિયા ઉડાડવાનું પણ મશીન છે. પણ એ ખોટકાઈ જાય ક્યારેક. એનું કારણ કે એ માણસે બનાવ્યું છે અને આપણાં હાથ ભગવાને બનાવ્યા છે. ધ્રુજતો હાથ હોય તો પણ આમ પૈસા પહોંચી જાય. ’’

કીર્તિદાને વધુમાં કહ્યું, ‘‘અમારા સન્માનીય લોકસાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવી કહેતા કે કુદરતે બનાવ્યુ અને માણસે બનાવ્યું એમાં ફેર છે. મોટરસાઈકલ કે તમારી કાર કરોડો રૂપિયાની હોય એ બગડે એટલે તમારે ગેરેજમાં પહોંચાડવી પડે, પણ ઘોડો માંદો હોય તો પણ ત્રણ દિવસ તમને ઘરે પહોંચાડે. કેમ કે એ ભગવાને બનાવ્યું છે. નાની પણ બહુ સુંદર વાત છે.’’

કીર્તિદાને ઉમેર્યું, ‘‘મશીનનું કામ જ છે સલવાવવું અને સલવાડવું. મશીનના ભરોસા ના કરવા ક્યારેય. એટલે અમુક માણસને આપણે કહીએ છીએ કે આ તો મશીન લાગે છે.’’ આ રમૂજથી ડાયારામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

પાડરશીંગા ગામે સોજીત્રા પરિવાર દ્વારા આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ.


ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.