દિવસમાં 10 ગ્રાહકો આવતા, બધાની અલગ ડિમાન્ડ, અને જો ના પાડીઓ તો આવું કરતાં

એ નાનકડા ફ્લેટમાં પ્રવેશતાં જ મને મારી સામે આશિયા નામની એક છોકરી દેખાય છે. સુંદર ભૂરી, ઉદાસ આંખો સાથે આશિયા, મને જોતાંની સાથે જ તેના ગોરા શરીર પર કાળી શાહીથી બનેલા મોટાં મોટાં ટેટૂ છુપાવવા લાગે છે. હું તેને જોઉં છું, તેઓ નિષ્ફળ જાય છે. તેના હાથ સતત ધ્રૂજતા રહે છે, જેમ કે લાંબા સમય સુધી અસ્વસ્થતાનો હુમલો હવે તેના જીવનનો એક ભાગ છે. તે જેટલું બોલે છે એટલા જ પ્રમાણમાં તેનાં આંસુ વહેતાં રહે છે, કદાચ શબ્દો પણ હવે તેનું દુ:ખ વ્યક્ત કરી શકતા નથી. ઉંમર માત્ર 22 વર્ષ, ઘરથી 3000 કિમી દૂર.

આશિયા: એક ભાગેલી યુવતી
આશિયા બોલવાનું શરૂ કરે છે – મારો જન્મ ઉઝ્બેકિસ્તાનના અંદિજાનમાં થયો હતો. હું 15 વર્ષની હતી ત્યારે મારાં લગ્ન થયાં. મને આશા હતી કે મારા પતિ મને સહારો આપશે, પરંતુ તેણે ત્રણ મહિનામાં જ મને છૂટાછેડા આપી દીધા. હું ધાર્મિક છોકરી હતી. પડદામાં રહીને નમાજ પઢતી હતી. અમારે ત્યાં કોઈ બહારની યુવતીનો ચહેરો પણ જોઈ શકતું નથી. માતાની હૃદયની બીમારી વધી રહી હતી.

આ દરમિયાન ઓઇનૂર નામની એક મહિલા મળી હતી. તેણે કહ્યું કે તેને દુબઈમાં એક પરિવારનાં બાળકોનું ધ્યાન રાખવાનું કામ છે, તેને સારા પૈસા મળશે. મેં હા કરી દીધી. તેણે મારો પાસપોર્ટ લઈ લીધો અને મને દુબઈની ટિકિટ અપાવી હતી. જ્યારે હું ફ્લાઇટ દ્વારા દુબઈ પહોંચી ત્યારે મને કહેવામાં આવ્યું કે દુબઈમાં જ બીજું એક શહેર છે, જ્યાં મારે ફ્લાઇટ દ્વારા જવાનું છે. આ વાત જાન્યુઆરી 2022ની છે.

દુબઈથી નેપાળ અને પછી રોડ માર્ગે દિલ્હી
જ્યારે હું એ શહેરમાં પહોંચી ત્યારે મને કહેવામાં આવ્યું કે અહીંથી મારે બાળકોવાળી મેડમ પાસે બસમાં જવાનું છે. મારો પાસપોર્ટ અને ઓળખપત્ર પણ લઈ લીધાં. અત્યાર સુધી મને ખબર નહોતી કે હું કયા શહેરમાં છું અને મને ક્યાં લઈ જવામાં આવી રહી છે. હું તો બસ એટલું જ વિચારતી હતી કે હું દુબઈમાં મેડમ પાસે જઈ રહી છું.

મને રોડ દ્વારા લાંબી મુસાફરી દ્વારા લઈ જવામાં આવી અને પછી નવા શહેરમાં લાવવામાં આવી હતી. મને અહીં એક મેડમ પાસે મોકલી, તેનાં નાનાં-નાનાં બાળકો હતાં, જેમની મેં બે દિવસ સંભાળ રાખી હતી. હું વિચારતી હતી કે હું દુબઈમાં છું અને હાઉસકીપિંગ કરવાનું કામ કરું છું.

બે દિવસ પછી મને એક બજારમાં લઈ જવામાં આવી અને ટૂંકાં-ટૂંકાં કપડાં ખરીદીને આપવામાં આવ્યાં. હું સમજી શકી નહીં કે મારે આ કપડાંની જરૂર શા માટે છે. પછી રાત્રે મને કહેવામાં આવ્યું કે મારા ડોક્યુમેન્ટ તે લોકોની પાસે છે અને હું વિઝા વિના ભારતમાં છું. મને કહેવામાં આવ્યું કે તારે અહીં સેક્સવર્ક કરવું પડશે અને જો હું નહીં કરું તો તે લોકો મને ગેરકાયદે રીતે આવવા બદલ ધરપકડ કરાવી દેશે.

મને ઘણી મોડી ખબર પડી કે મને દુબઈથી કાઠમાંડુ (નેપાળ) અને પછી દિલ્હી લાવવામાં આવી હતી. પહેલા મને માર માર્યો, પછી મારા પર બળાત્કાર કર્યો અને બાદમાં મને સેક્સવર્ક કરવા દબાણ કરવામાં આવ્યું હતું. મને જે બોસ પાસે છોડવામાં આવી હતી તેમની પાસે મારા જેવી બીજી ઘણી છોકરીઓ હતી. તે બધીને મારી જેમ જ ઉઝ્બેકિસ્તાન અને અન્ય સ્થળોથી લાવવામાં આવી હતી.

એક દિવસમાં 10-10 ગ્રાહક, ફક્ત પિરિયડ્સ દરમિયાન જ આરામ મળતો
આશિયા રડવા લાગે છે. હું ચૂપ કરાવવાનો પ્રયત્ન કરું છું. તે તેની કહાની સંભળાવતા દરમિયાન તેના હાથ સતત ધ્રૂજતા હોય છે, તે ગભરાઈને અચાનક ઉઝબેકીમાં બોલવાનું શરૂ કરે છે. પછી અટકે છે, કદાચ પાછી આવે છે.

થોડીવાર મૌન રહ્યાં પછી તે આગળ જણાવે છે- ‘અમારી બોસ અમને બપોરે ત્રણ વાગ્યે કામ પર લગાડી દેતાં હતાં. દરરોજ સવારે 6-7 વાગ્યા સુધી નોન-સ્ટોપ કામ કરવું પડતું હતું. એક દિવસમાં ઓછામાં ઓછા 7-8 ગ્રાહક આવતા હતા. કેટલાક દિવસો દસથી પણ વધુ. અમારી પાસે તમામ પ્રકારના લોકો આવે છે, તેમની અલગ અલગ ડિમાન્ડ હોય. હું ખૂબ થાકી જતી હતી, પણ જો હું થાક બતાવીશ તો મને વધુ માર પડશે.

જો બોસને એમ લાગતું કે અમે ના પાડીએ છીએ કે આનાકાની કરી રહ્યા છીએ તો અમને માર મારવામાં આવતો, સિગારેટથી ડામ આપવામાં આવતા હતા. શરીર પર કટ કરવામાં આવ્યા હતા. ખૂબ થાકી જતી વખતે બીમારીનું બહાનું બનાવવું પડતું હતું. જ્યારે પિરિયડ્સ આવે ત્યારે મને કોઈક રીતે આરામ મળતો હતો.

જ્યારે એ ન બન્યું ત્યારે ભાગી ગઈ, બસ હવે ઘરે જવાની ઈચ્છા હતી
આશિયાએ આગળ કહ્યું- ‘હું દિવસ-રાત દેહવેપાર કરતી હતી. બદલામાં મને કોઈ રૂપિયા મળતા ન હતા. કોઈ ને કોઈ કારણસર બોસ અમારા પર દેવું ચઢાવી દેતી હતી. મને કહેવામાં આવ્યું કે મને કામના અડધા જ રૂપિયા પૈસા મળશે. મને કહેવામાં આવ્યું કે મેં એક મહિનામાં 12 લાખનું કામ કર્યું છે અને 6 લાખ રૂપિયા કમાયા છે, પરંતુ રૂપિયા ક્યારેય આપવામાં આવ્યા નથી.

એકવાર માતાની તબિયત બગડી, મેં રૂપિયા માગ્યા. આ અંગે ખૂબ મારપીટ પણ થઈ હતી. તેણે કહ્યું કે પહેલાં મારે મારું દેવું ચૂકવવું પડશે, પછી મને કંઈક મળશે. અમને ડ્રગ્સ આપવામાં આવતું હતું, જેથી અમને વ્યસનની લત લાગી જાય. પછી એ ડ્રગ્સના રૂપિયા પણ અમારી પાસેથી જ લેવામાં આવતા હતા.

‘ભાષા ન જાણતા હોવાને કારણે ગ્રાહક સાથે વાત પણ કરી શકતી નહીં. બસ મૃતદેહની જેમ પડી રહેતી. ગ્રાહકો પોતાનો ગુસ્સો કાઢતા અને જતા રહેતા. હું ગમે તેમ મારી માતા પાસે પાછી ફરવા માગતી હતી. જ્યારે આ બધું હાથમાંથી નીકળી ગયું તો ઓગસ્ટ 2022માં હું ઉઝ્બેકિસ્તાન એમ્બેસી પહોંચી. મને બચાવી લેવામાં આવી. હવે હું એક NGO સાથે રહું છું અને મારો કેસ દિલ્હી કોર્ટમાં ચાલી રહ્યો છે. મારી એક જ ઈચ્છા છે કે આ કાયદાકીય કાર્યવાહી વહેલી તકે પૂર્ણ થાય અને હું કોઈક રીતે ઘરે પરત ફરી શકું.

મેડિકલ એટેન્ડન્ટ તરીકે લવાયેલી ઝરીનાની પણ આ જ કહાની
અંદિજાનથી લગભગ 850 કિલોમીટર દૂર ઉઝ્બેકિસ્તાનનું બીજું શહેર બુખારા છે. ઝરીનાનો જન્મ અહીં થયો હતો, તેને મેડિકલ એટેન્ડન્ટ બનાવીને દિલ્હી લાવવામાં આવી હતી અને દેહવ્યાપારમાં ધકેલવામાં આવી હતી. ઝરીનાનો પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યો હતો. બચાવી લીધા બાદ ઝરીનાનો પાસપોર્ટ દિલ્હી પોલીસ પાસે છે અને તે ભારત છોડવા માટે કોર્ટના આદેશની રાહ જોઈ રહી છે.

ઝરીનાને ત્રણ વર્ષની પુત્રી છે. તે તેની પુત્રીની એકમાત્ર કાનૂની વાલી હતી. તેની ગેરહાજરીમાં દીકરી વૃદ્ધ માતા સાથે છે. ઝરીના ત્યાં નથી, તેથી હવે ઉઝ્બેકિસ્તાન સરકાર પુત્રીને અનાથાશ્રમ અથવા નવા કાનૂની વાલી પાસે મોકલી શકે છે. ઝરીનાને ભારતમાં રહીને જ એ સાબિત કરવું પડશે કે તે જ દીકરીની માતા છે. ઝરીના વારંવાર મોબાઈલ પર તેની દીકરીનો ચહેરો જુએ છે, તેને યાદ કરીને રડે છે.

કેવી રીતે ચાલી રહ્યું છે દેહવ્યાપારનું રેકેટ?
દેશની રાજધાની દિલ્હીમાં પોલીસની રહેમ હેઠળ આ રેકેટ ચાલી રહ્યું છે. તેની તપાસ કરતાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. આ જુલાઈમાં દિલ્હી પોલીસે માલવિયાનગરમાં સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અહીંથી ઉઝ્બેકિસ્તાનની 10 છોકરીને બચાવી લેવામાં આવી હતી.

દિલ્હી પોલીસે આ યુવતીઓ વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ, 1946 હેઠળ કેસ નોંધ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે એક NGOની દેખરેખમાં મોકલવામાં આવેલી આ યુવતીઓમાંથી 5 યુવતી ભાગી ગઈ હતી. જ્યારે આ અંગે હોબાળો થયો ત્યારે દિલ્હી પોલીસે તેમને ફરીથી પકડી લીધી. માનવ તસ્કરીની જાળમાં ફસાયેલી આ યુવતીઓના અધિકારો માટે કામ કરતા NGO અને પોલીસ પાસેથી મળેલી માહિતી પરથી કેટલીક બાબતો સ્પષ્ટ થઈ છે.

1. ભારત લાવવાનો રૂટ
UNODC (યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓફ ડ્રગ એન્ડ ક્રાઈમ)ના અહેવાલ મુજબ, ભારત સહિત પશ્ચિમ એશિયાના દેશો, મધ્ય એશિયાના દેશો અને થાઈલેન્ડથી મોટા ભાગની યુવતીઓને હ્યુમન ટ્રાફિકિંગ માટે લાવવામાં આવી રહી છે. મધ્ય એશિયાના દેશો, જેવા કે ઉઝ્બેકિસ્તાન, કિર્ગિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કઝાકિસ્તાનથી યુવતીઓને દુબઈ કે અફઘાનિસ્તાન લાવવામાં આવે છે.

અહીંથી તેમને નેપાળ મોકલવામાં આવે છે, જ્યાંથી તેમને રોડ માર્ગે ભારત લાવવામાં આવે છે. કેટલીક છોકરીઓને મેડિકલ એટેન્ડન્ટ વિઝા પર પણ લાવવામાં આવે છે. ભારતની ઘણી મોટી હોસ્પિટલો પણ આ ધંધામાં સામેલ છે. થાઈલેન્ડથી આવતી યુવતીઓ માટે બાંગ્લાદેશ રૂટનો ઉપયોગ કરવામાં આવે છે. તેમને બાંગ્લાદેશ સરહદેથી ગેરકાયદે રીતે ભારતમાં લાવવામાં આવે છે અને દેશનાં મોટાં શહેરોમાં કહેવાતા સલૂનમાં મસાજ થેરાપિસ્ટ તરીકે કામ પર લગાવવામાં આવે છે. અહીંથી તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવે છે.

2. ભારત આવ્યા પછી
ભારતમાં તસ્કરો તેમને અલગ-અલગ દલાલોને વેચે છે, જેઓ તેમની પાસે દેહવેપાર કરાવે છે. આ દલાલોમાં તેમના દેશોમાંથી ભારત આવેલી યુવતીઓ અને પુરુષોનો પણ સમાવેશ થાય છે. આશિયાને વેશ્યાવૃત્તિમાં લાવનાર ઓઈનુર નામની મહિલા તસ્કર ઉઝ્બેકિસ્તાનની છે. તે હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે અને તેની સામે કેસ ચાલી રહ્યો છે.

એ જ રીતે દિલ્હીના માલવિયાનગરમાં રેકેટ ચલાવતું દંપતી તુર્કમેનિસ્તાનનું રહેવાસી છે. જે યુવતીઓ સેક્સવર્કમાં પકડાય છે અથવા જેનો બચાવ કરવામાં આવે છે તેમની પાસે માન્ય દસ્તાવેજો ન હોવા બદલ ફોરેનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ કેસની તપાસ એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ કરી હતી.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) વિચિત્ર વીરે મીડિયાને જણાવ્યું હતું કે તુર્કમેનિસ્તાનના નાગરિક અહમદ અને અઝીઝા આ રેકેટ ચલાવી રહ્યાં હતાં. આ યુવતીઓને નેપાળ થઈને પણ ભારત લાવવામાં આવી હતી. છેલ્લા 6 મહિનામાં આવી 800 છોકરીને ડિપોર્ટ કરવામાં આવી છે, જેમાંથી 500 ઉઝબેક અને નાઈજીરિયન હતી.

3. દલાલો તમને નકલી દેવાંની જાળમાં ફસાવી રાખે છે
આ દલાલો માનવ તસ્કરીનો ભોગ બનેલી યુવતીઓને નકલી દેવું ચૂકવવાની જાળમાં ફસાવે છે. દલાલ તેમને કહે છે કે તેમને અહીં રાખવા માટે ઘણા રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, પોલીસને પણ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. હેમંત શર્મા એમ્પાવરિંગ હ્યુમિટી એનજીઓ સાથે કામ કરે છે અને તેની એન્ટિ-ટ્રાફિકિંગ વિંગના પ્રમુખ છે.

તેઓ કહે છે- ‘યુવતીઓને કહેવામાં આવે છે કે જ્યાં સુધી આ 5-10 લાખ રૂપિયાનું દેવું ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી તેમને પાસપોર્ટ નહીં મળે. દલાલ અને બોસ કહે છે કે જો તમારે તરત જ પરત ફરવું હોય તો આ પૈસા પરત કરો. યુવતીઓને ભારતીય કાયદા વિશે ખબર નથી અને ન તો તેમની અહીં થોડી પણ ઓળખાણ હોય છે. જે દલાલોની જાળમાં તેઓ ફસાય છે તેઓ અહીં તેમના જ મદદગાર હોય છે.

4. કાયદામાંથી મળેલી રાહત પણ સજા બની
તપાસ કરતાં જાણવા મળે છે કે વર્ષ 2012માં ગૃહ મંત્રાલયે ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરી હતી. આ મુજબ વેશ્યાવૃત્તિનો ભોગ બનેલી મોટા ભાગની યુવતીઓ પાસે પાસપોર્ટ અને વિઝા નથી. આવી સ્થિતિમાં જો કોઈ યુવતી રેડમાં પકડાઈ જાય છે અને તે માનવ તસ્કરીમાં સંડોવાયેલી નથી, તો તેની સામે ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધવો જોઈએ નહીં.

હેમંત શર્મા જણાવે છે- ‘આજે પણ સેંકડો યુવતીઓ છે જેમના પર કેસ દાખલ કરવામાં આવે છે, કેસ કેમ દાખલ કરવામાં આવ્યા હતા અને રાજ્યોની પોલીસ ગૃહ મંત્રાલયની આ ગાઈડલાઈનનું પાલન કેમ નથી કરતી એનો જવાબ કોઈની પાસે નથી.

જામીન મળ્યા બાદ યુવતી ફરી બહાર આવે છે અને જ્યાં સુધી ટ્રાયલ ચાલે ત્યાં સુધી તે દેશમાં રહી શકે છે. તેમને ફરીથી આ પ્રકારના આરોપમાં ધરપકડ પણ કરી શકાતી નથી, એટલે કે એક રીતે વિઝા ન હોવા છતાં તે ભારતમાં રહી શકે છે. આનો ફાયદો ઉઠાવીને દલાલ તેમને ફરીથી દેહવ્યાપારમાં લગાવી દે છે.

5. ઉઝ્બેકિસ્તાનમાં બેરોજગારી, ભારતના 100 રૂપિયા, ત્યાંના 13,600 રૂપિયા બરાબર
મધ્ય એશિયાના દેશોમાં ખાસ કરીને ઉઝ્બેકિસ્તાનના ગરીબ પરિવારોની યુવતીઓને મધ્ય પૂર્વ અને ભારતમાં નોકરીની લાલચ આપવામાં આવે છે. ઉઝબેક ચલણને સોમ કહેવામાં આવે છે. ઉઝબેક ચલણમાં એક ભારતીય રૂપિયાની કિંમત 136.6 સોમ છે. મતલબ જો તમે અહીં 100 રૂપિયા કમાઓ છો તો તે ઉઝબેકિસ્તાનના 13 હજાર 600 રૂપિયા બરાબર થઈ જાય છે.

ઇન્સ્ટિટ્યૂટ વોર એન્ડ પીસ રિપોર્ટિંગ અનુસાર, ઉઝ્બેકિસ્તાનની છોકરીઓ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ કિર્ગિસ્તાન જેવા પડોશી દેશો અને સમગ્ર એશિયા અને યુરોપમાં પણ તેમને માનવ તસ્કરી દ્વારા મોકલવામાં આવે છે. તેમને કામ કરાવવાના બહાને લાવવામાં આવે છે અને પછી તેમને દેહવ્યાપારમાં ધકેલવામાં આવે છે.

યુવતીઓનું વિદેશ જવા પાછળનું કારણ ઉઝ્બેકિસ્તાનમાં ઘણી બેરોજગારી પણ છે. આંકડાઓ જોતાં ખબર પડે છે કે જાન્યુઆરી 2022માં ઉઝ્બેકિસ્તાન બેરોજગારીનો દર 9.6% હતો.

પીડિત યુવતીઓ દ્વારા જ નવી યુવતીઓને ફસાવવામાં આવી રહી છે
આવા જ એક કેસમાં કર્ણાટક હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે જો આવી યુવતીને જામીન આપવામાં આવે તો તેને ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવે અથવા એવી જગ્યાએ મોકલવી કે જ્યાંથી તેની હિલચાલ પર નજર રાખી શકાય. જોકે ઘણી યુવતીઓ સાથે વાત કર્યા બાદ ખબર પડી કે વકીલોની ફી અને કાયદાકીય કાર્યવાહીના નામે દલાલો તેમના પર રહેલું દેવું વધારી દે છે.

દેવાની ચુકવણી કરવા માટે તેમને અન્ય યુવતીઓને પણ ફસાવીને ભારત બોલાવવાનું કહેવામાં આવે છે. આયેશા નામની એક યુવતીને પહેલાં દેહવ્યાપારની જાળમાં ફસાયેલી અફરોઝા નામની યુવતી ભારત લાવી હતી. અફરોઝા નામની આ યુવતી હાલ તિહાર જેલમાં બંધ છે. અફરોઝા ઉઝ્બેકિસ્તાનમાં આયશાના ઘર પાસે રહેતી હતી.

રશિયન જણાવીને વેચવામાં આવી રહી, સૌથી વધુ માગ પણ તેની જ
ભારતીય સેક્સ માર્કેટમાં રશિયન છોકરીઓની ખૂબ માગ છે. ઉઝ્બેકિસ્તાન અને મધ્ય એશિયાના અન્ય દેશો અગાઉ સોવિયેત સંઘનો જ ભાગ હતા. આ દેશોની યુવતીઓ રશિયન જેવી દેખાય છે અને ભાષા પણ બોલે છે. ભારતીય બજારમાં આ છોકરીઓને રશિયન કહીને જ વેચવામાં આવે છે.

સામાન્ય રીતે દિલ્હીના સેક્સ માર્કેટમાં એક વખતના સેક્સ અથવા થોડા કલાકો માટે યુવતીનો રેટ 5થી 10 હજાર રૂપિયા સુધીનો હોય છે. નાની વયની યુવતીઓનો ભાવ 15 હજાર રૂપિયા સુધી હોય છે. સામાન્ય રીતે તેમની પાસે એક દિવસમાં 7થી 8 ગ્રાહકો લાવવામાં આવે છે, તો ક્યારેક આ સંખ્યા પણ 10ને પાર કરી જાય છે. કેટલીકવાર યુવતીને માત્ર અડધી અથવા આખી રાત માટે પણ ગ્રાહક પાસે મોકલવામાં આવે છે, જેના માટેનો વધુ ચાર્જ વસૂલવામાં આવે છે.

હેમંત શર્મા કહે છે- ‘આ યુવતીઓના રૂપિયા ત્રણ લોકોમાં વહેંચવામાં આવે છે. પ્રથમ બોસ, જે તેમને ભારત લાવે છે. બીજો દલાલ, જે તેમના માટે ગ્રાહક લાવે છે અને ત્રીજા, વ્યવસ્થામાં બેઠેલા લોકો, જેમના ઇશારે આ કામ ચાલે છે. એક યુવતી પાસેથી એક દિવસમાં સરેરાશ 50 હજાર રૂપિયા સુધીનું કામ કરાવવામાં આવે છે. આ ધંધામાં નાણાં એટલાં બધાં છે કે એમાં સંડોવાયેલા ગુનેગારો ડ્રગ્સના ધંધામાં સંકળાયેલા લોકો કરતાં વધુ કમાણી કરે છે. આશિયા જે બોસ સાથે રહેતી હતી તેમની પાસે તેના જેવી 10થી વધુ છોકરીઓ હતી, એટલે કે તે એક મહિનામાં સરેરાશ બે કરોડ રૂપિયાનો બિઝનેસ કરતી હતી.

હવે આગળ શું…
પરત ફરતાં પહેલાં હું આશિયાને પૂછું છું, આગળ શું? તે શાંત થઈ જાય છે, બસ તેના હાથ ધ્રૂજતા રહે છે. પછી કારાદરયા નદીના કાંઠે ટેકરીઓથી ઘેરાયેલું અંદિજાનમાં તેના ઘરે પરત ફરે છે, કહે છે- હું જાણું છું કે ઘરે પરત ફરીને પણ મારે ઘણા સવાલોના જવાબ આપવાના થશે. ઘણી આંખોનો સામનો કરવો પડશે. ત્યાં પણ મારા માટે બધી બાબતો સરળ નહીં હોય, પરંતુ ઓછામાં ઓછું હું મારી બીમાર માતા સાથે રહી શકીશ.

મારા શરીર પર હવે જે ટેટૂ છે, એટલે કે આ નિશાન જવાનાં નથી, મને તેના વિશે પૂછવામાં આવશે, તેનો મારી પાસે કોઈ જવાબ નથી. મારા બરબાદ થઈ ગયેલા જીવનમાં હવે માત્ર એક જ આશા છે કે હું મારી માતાને જોવા માગું છું. હું ઈચ્છું છું કે ભારત સરકાર અને ઉઝ્બેકિસ્તાનની સરકાર મારી અને મારા જેવી અનેક યુવતીઓની મદદ કરે. અમને અમારા ઘરે પરત મોકલી દો, બસ આટલી મદદ કરો.’

અમે આ બાબતે ઉઝ્બેકિસ્તાન સરકારનો પક્ષ જાણવા માટે ઉઝબેક એમ્બેસીને મેઈલ કર્યો છે. જવાબ મળતાંની સાથે જ તેને કહાનીમાં અપડેટ કરવામાં આવશે.