દુનિયાએ વિધવાને અપશુકનિયાળ ગણાવી, પણ સાસુ-સસરાએ દીકરી માનીને કરાવ્યાં બીજા લગ્ન

વર્ષ 2006માં એક ફિલ્મ આવી હતી – બાબુલ. રાની મુખર્જી, અમિતાભ બચ્ચન, હેમા માલિની, સલમાન ખાન અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં હતા. સ્ટોરી હતી – વિધવા પુત્રવધૂનાં બીજા લગ્ન કરાવવાની. આ ફિલ્મમાં સલમાન, અમિતાભ અને હેમાનો પુત્ર હોય છે. તેણે રાણી મુખર્જી સાથે લગ્ન કર્યાં હોય છે, પરંતુ થોડા દિવસો પછી સલમાનનું મૃત્યુ થાય છે, ત્યારબાદ અમિતાભ તેની પુત્રવધૂ રાણી મુખર્જીનાં જ્હોન અબ્રાહમ સાથે લગ્ન કરે છે. એક પિતાની જેમ પુત્રવધૂનું કન્યાદાન આપે છે.

તે એક ફિલ્મ હતી. એક અલગ સંદેશ આપતી એક વાર્તા હતી. પરંતુ આ વાર્તા હવે ઉત્તરાખંડનાં દહેરાદૂનથી વાસ્તવમાં પણ જોવા મળી હતી. અહીં બાલાવાળા વિસ્તારમાં એક વ્યક્તિએ તેની વિધવા પુત્રવધૂનાં બીજા લગ્ન કરાવ્યા હતાં. પુત્રવધૂને પુત્રીની જેમ વિદાય આપી, તેનું કન્યાદાન કર્યુ હતું. આ લગ્ન 2018માં કરવામાં આવ્યા હતાં.

વિજયચંદ બાલાવાલામાં રહે છે. 2014માં તેમના પુત્ર સંદીપે કવિતા સાથે લગ્ન કર્યા હતા. તેમણે ખૂબજ ધામધૂમથી લગ્ન કર્યા હતા. પરંતુ માત્ર એક વર્ષ પછી એટલે કે, 2015માં સંદીપનું અકસ્માતમાં મૃત્યુ થયુ હતું. કવિતા વિધવા થઈ ગઈ. તેણે પોતાના પિયર જવાનું મન બનાવી લીધું હતું. પરંતુ તેમને લાગ્યું કે આવી સ્થિતિમાં તેના સસરા વિજયચંદ અને કમલા એકલા પડી જશે. તેથી તેણી પિયર ના ગઈ અને સાસુ-સસરા સાથે જ રહેવા લાગી હતી.

સંદીપના અવસાન પછી કવિતા પોતે જ ખૂબ તૂટી ગઈ હતી. તે એકલી થઈ ગઈ હતી. તેના સાસુ-સસરાએ તેને હિંમત આપી. દીકરીની જેમ કવિતાને રાખી. અને તેના બીજા લગ્ન કરાવવાનું નક્કી કર્યું. સોસાયટીના ટોણા અને રૂઢિઓને સાઈડમાં રાખીને કવિતા માટે છોકરો શોધ્યો.

ઋષિકેશના તેજપાલસિંઘને કવિતા માટે પસંદ કરાયા હતા. અને બંનેના લગ્ન કરાવ્યા. વિજયચંદે કવિતાનું દીકરીની જેમ કન્યાદાન કર્યુ. કવિતા કહ્યું હતું કે, જો તે સંદીપના મૃત્યુ પછી તેના પિયર ગઈ હોત તો તેના સાસુ-સસરા તૂટી ગયા હોત. વિજયચંદે કહ્યું હતું કે, જ્યારે તેમના દીકરાનું અવસાન થયું ત્યારે બધાએ કહ્યું કે, કવિતાને તેના પિયર પરત મોકલવી જોઈએ.

કારણ કે તે તેના પરિવાર માટે અશુભ રહી હતી. પરંતુ વિજયચંદે કોઈની વાત સાંભળી નહીં. કવિતા સાથે ઉભા રહ્યા. તેઓ ઇચ્છે છે કે, જેમણે તેમની વહુને પુત્રી તરીકે સ્વીકારી,બાકીના લોકોએ તેમાંથી કંઈક શીખવું જોઈએ.