સૌરાષ્ટ્રના નાના એવા ગામમાં હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા વરરાજા, આવો હતો મોભો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામમાં હેલિકોપ્ટરમાં લગ્નની જાન આવી પહોંચી. આ પંથકમાં સૌ પ્રથમ વખત હેલિકોપ્ટમાં જાનનું આગમન થતા મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હેલિકોપ્ટરને જોવા ઉમટી પડ્યા હતા. એટલું જ જેવી જાન આવી કે વરરાજા પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો. વરરાજાને લેવા માટે લક્ઝુરિયર્સ કારનો કાફલો પણ ઉમટી આવ્યો હતો.

ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના ગોજિયા પરિવાર હેલિકોપ્ટર મારફતે ભાણવડના સણખલા ગામે જાન લઈને આવ્યો હતો. વરરાજા હેલિકોપ્ટરમાં બેસી સણખલા ગામે પહોંચ્યા હતા. શાહી ઠાઠ સાથે કોરોના મહામારીમાં ભવ્ય લગ્ન થતા હજારોની સંખ્યામાં મહેમાન ઉમટી પડ્યા હતા.

દેવભૂમિ દ્વારકામાં કોરોનાના સંકટ વચ્ચે થયેલા શાહી લગ્નની ચર્ચા હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. જામખંભાળિયા તાલુકામાં થયેલા આ લગ્નની જાન સફેદ હેલિકોપ્ટરમાં આવી હતી અને તેનો વીડિયો લોકોમાં ખૂબ શૅર થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લગ્નસરાની સિઝન જામી છે.

કોરોના મહામારી વચ્ચે સરકારે લગ્ન કરવા માટે મર્યાદિત સંખ્યામાં મહેમાનો લાવવાની છૂટ આપી છે. મંગળવારે દ્વારકાના જામખંભાળિયા તાલુકાના મોવાણ ગામે ઠાઠમાઠ સાથે લગ્ન થયા હતા. અહીંયા જાન લાલ મોટરમાં ગુલાબી ગજરો લઈને નહીં, પરંતુ સફેદ હેલિકોપ્ટરમાં આવી હતી.

મોવાણ ગામેથી હેલિકોપ્ટરમાં ભાણવડાના શણખલા ગામે જાન આવી પહોંચી હતી. પહેલીવાર ગામમાં હેલિકોપ્ટર આવ્યું હોવાથી ઉત્સુકતાવશ વરરાજા નિર્મલ ગોજીયા અને તેમના હેલિકોપ્ટરને જોવા માટે આખું ગામ એકત્ર થઈ ગયું. ગ્રામજનોનો કાફલો હેલિપેડ પર જમા થઇ ગયો હતો.

એક ઇવેન્ટ કંપનીના માધ્યમથી આયોજિત આ લગ્ન સમારોહમાં આકર્ષણ સફેદ હેલિકોપ્ટર હતું અને જેવું તે હેલિપેડ પર લેન્ડ થયું કે ગ્રામજનોએ હેલિકોપ્ટરનો નજારો જોવા માટે ભીડ જમાવી દીધી હતી.

કોરોના સંક્રમણ વચ્ચે પણ હેલિકોપ્ટરમાં આવેલી જાનમાં લોકો રંગેચંગે જોડાયા હતા અને લગ્નની ધામધૂમથી ઉજવણી કરી હતી.

મહત્ત્વનું છે કે, પંથકમાં પ્રથમ વખત હેલિકોપ્ટરમાં જાન આવતા મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ભેગા થયા હતા.