દહેજના લાલચુ લોકોને તમાચો મારતો કિસ્સો, વેવાઈએ કહ્યું, પૈસા નહીં મારે તો દીકરી જોઈએ

આ સારા સમાચાર રાજસ્થાનના બુંદી જિલ્લાના છે. અહીંનાં નિવૃત્ત આચાર્ય બ્રિજમોહન મીણાએ ટોંક જિલ્લાના એક ગામમાં તેમના પુત્રનો સંબંધ નક્કી કર્યો છે. મંગળવારે તેની સગાઈ થઈ હતી. તેની ધાર્મિક વિધિ ચાલી રહી હતી કે, યુવતીના પિતાએ નોટોથી ભરેલો થાળ સામે રાખી દીધો. આ જોઈને બ્રિજમોહન મીણાએ કહ્યું કે તેમને આ પૈસા નથી જોઈતા. અમને ફક્ત એક પુત્રીની જરૂર છે. એમ કહીને તેણે દહેજ રૂપે 11 લાખ રૂપિયા પરત કર્યા. લોકોએ રિવાજ હોવાની વાત કરી તો તેમણે શુકન તરીકે માત્ર 101 રૂપિયા રાખ્યા હતા.

બ્રિજમોહન મીણા ખજુરી પંચાયતના પીપરવાલા ગામે રહે છે. પુત્ર રામધનની સગાઇ માટે તે ઉનીયારા તાલુકાના સોલતપુરા ગામે પહોંચ્યા હતા. રામધન અહીં આરતી મીણા સાથે સગાઈ કરવાના હતા. દરમિયાન, કન્યા પક્ષે તેમને 11 લાખ 101 રૂપિયા આપ્યા હતા.

બ્રિજમોહન મીનાએ આ રકમમાંથી 101 રૂપિયાની ભેટ લીધી અને 11 લાખ રૂપિયા લેવાની ના પાડી. કાર્યક્રમમાં હાજર લોકોએ આ માટે તેમની પ્રશંસા કરી અને દરેકને તેમાંથી શીખ લેવાની અપીલ કરી.

દુલ્હને કહ્યું – સસરાએ પુત્રીઓનું સન્માન વધાર્યું
પોતાના ભાવિ સસરાના નિર્ણયથી દુલ્હન આરતી મીણા ખૂબ જ ખુશ છે. આરતીએ કહ્યું કે તેમણે દહેજની રકમ પરત કરી સમાજને સંદેશ આપ્યો છે. તેનાથી પુત્રીઓનું સમ્માન વધશે. આરતી ‍ ‌‌B.Sc. કર્યા પછી B.Ed.કરી રહી છે.

તો, આરતીના દાદા પ્રભુલાલ મીણાનું કહેવું છે કે, વેવાઈ બ્રિજમોહન મીણાએ દહેજના પૈસા પાછા આપ્યા એ અમારા માટે મોટી પ્રેરણા છે. ટોંક, બુંદી, સવાઈ માધોપુર જિલ્લામાં આવો પહેલો કિસ્સો છે. તેમણે સમાજને નવી પ્રેરણા આપી. તેને બધાએ અપનાવવાની જરૂર છે.